કરાચી : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ (PCB) શુક્રવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ને (ACC) એશિયા કપમાં ભારતની (India) મેચો તટસ્થ સ્થળે યોજવાની તૈયારી સાથે હાઇબ્રિડ મોડલ સાથેનો નવો પ્રસ્તાવ મોકલ્યો છે, પીસીબી ચીફ નજમ સેઠીએ જણાવ્યું કે તેમણે આ પ્રસ્તાવ એસીસીને મોકલી દીધો છે. જે અનુસાર ભારત પોતાની મેચ તટસ્થ સ્થળે રમી શકે છે જ્યારે બાકીની ટીમો પાકિસ્તાનમાં રમશે. નજમ સેઠીએ અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમે આ ટૂર્નામેન્ટને હાઈબ્રિડ મોડલ પર રાખવાનો નિર્ણય કર્યો છે જ્યાં પાકિસ્તાન એશિયા કપની મેચો તેમના હોમ ગ્રાઉન્ડ પર રમશે અને ભારત તેમની મેચો તટસ્થ સ્થળે રમશે.
- ભારતની મેચો તટસ્થ સ્થળે રમાડવાની તૈયારી સાથે પીસીબીએ નવો પ્રસ્તાવ એશિયન ક્રિકેટ કાઉન્સીલને મોકલવાવી દીધો
- નજમ સેઠીએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી કરી જાહેરાત, એશિયા કપની મેચો ભારત તટસ્થ મેદાનો પર, પાકિસ્તાન હોમ ગ્રાઉન્ડ પર રમશે
એશિયા કપમાં પાકિસ્તાન અને ભારત ઉપરાંત શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશની સાથે ક્વોલિફાયર ટીમ ભાગ લેશે. નેપાળમાં ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ ચાલુ છે. સેઠીને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) કાઉન્સિલની બેઠક માટે આવતા મહિને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીની ભારત મુલાકાતથી ઘણી આશાઓ છે. તેમણે આશા વ્યક્ત કરી કે વિદેશ મંત્રીની મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવામાં મદદ મળશે. સેઠીએ કહ્યું હતું કે અમને તટસ્થ સ્થળે એશિયા કપ રમવાની સાથે વર્લ્ડકપ માટે ભારત જવાની સલાહ આપવામાં આવી છે. જોકે, આ સલાહ કોણે આપી તે તેમણે કહ્યું નથી.