હમણાં થોડા દિવસ પહેલા બિહાર કોંગ્રેસ દ્વારા તેમના સત્તાવાર પ્લેટફોમ X પર PM મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા સાથેનો એક 36 સેકન્ડનો AI વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેને લઈ પટના હાઈકોર્ટે કોંગ્રેસને પીએમ નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતાનો આ AI વિડિયો તમામ પ્લેટફોમ પરથી તરત દૂર કરવાનો આદેશ ફટકાર્યો છે.
આ કેસની સુનાવણીની કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પીબી બૈજંત્રીની અધ્યક્ષતામાં થઈ હતી. વિવેકાનંદ સિંહ નામના અરજદાર દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં દલીલ કરવામાં આવી હતી કે કોંગ્રેસ દ્વારા પ્રસારિત કરવામાં આવેલ આ વીડિયો માત્ર અસત્ય જ નથી પરંતુ વડા પ્રધાન અને તેમની સ્વર્ગસ્થ માતાની માનહાનિ કરવા માટે બનાવવામાં આવ્યો છે. અરજદારે માગણી કરી હતી કે આ પ્રકારની સામગ્રીનો પ્રસારણ તાત્કાલિક બંધ થવો જોઈએ.
કોર્ટનો આદેશ અને નોટિસો
કોર્ટએ કોંગ્રેસને વીડિયો દૂર કરવાનો સીધો આદેશ આપ્યો છે. સાથે જ કોર્ટએ આ મામલે ચૂંટણી પંચ, કેન્દ્ર સરકાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વિટર), ફેસબુક અને ગુગલને પણ નોટિસો જારી કરી છે. ચૂંટણી પંચ તરફથી કોર્ટમાં હાજર થયેલા વકીલ સિદ્ધાર્થ પ્રસાદે મીડિયાને માહિતી આપી કે તમામ સંબંધિત પક્ષકારોને કોર્ટ દ્વારા સત્તાવાર નોટિસ મોકલાઈ છે.
વિવાદિત વીડિયો
બિહાર કોંગ્રેસે તા.11 સપ્ટેમ્બરે તેના સત્તાવાર X હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં પીએમ મોદી અને તેમની સ્વર્ગસ્થ માતાને દર્શાવવામાં આવ્યા હતા. વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું કે મોદીની માતા સપનામાં દેખાઈને તેમના પુત્રના રાજકારણની ટીકા કરે છે. આ વીડિયો AI ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યો હતો.
ભાજપે આ વીડિયોને “શરમજનક” અને “અનૈતિક” ગણાવ્યું હતું. ભાજપે તા. 14 સપ્ટેમ્બરે દિલ્હીમાં કોંગ્રેસ વિરુદ્ધ સત્તાવાર FIR પણ નોંધાવી હતી. ભાજપના નેતાઓએ દલીલ કરી હતી કે આ પ્રકારની સામગ્રી માત્ર રાજકીય લાભ માટે બનાવવામાં આવી છે અને તે સમાજમાં ખોટો સંદેશ ફેલાવે છે.
રાજકીય પ્રતિક્રિયા
આ મામલે રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ભાજપે કોંગ્રેસ પર આરોપ મૂક્યો છે કે તે વડા પ્રધાનને બદનામ કરવા માટે ખોટા અને અસંવેદનશીલ ઉપાયો અપનાવી રહી છે. કોંગ્રેસ તરફથી હજી સુધી આ મામલે સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી પરંતુ પાર્ટીના નેતાઓ આ મુદ્દે કાનૂની રીતે લડવા માટે તૈયાર હોવાનું જણાવી રહ્યા છે.