ડેડિયાપાડા : ડેડિયાપાડાના સરકારી દવાખાનાના મેડિકલ ઓફિસર OPDમાં દર્દીઓને (Patients) ચેક કરી રહ્યાં હતાં તે દરમિયાન બે અજાણ્યા ઇસમ આવ્યા હતાં અને તેમની ઉપર હુમલો (Attack) કરી ગાલ ઉપર તમાચો (Slap) મારી દીધો હતો. આ બનાવ અંગે મેડિકલ ઓફિસરે ફરિયાદ કરતાં ડેડિયાપાડા પોલીસે (Police) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બંને ઇસમોએ જ્યારે હુમલો કર્યો ત્યારે તેઓ “મોબાઈલમાં તું જ છે ” ની વાત કરતા હતાં એટલે આ બંને ઇસમ પકડાઇ ગયા પછી જ આ ભેદી હુમલો શા માટે થયો તેનું કારણ બહાર આવશે.
આ ઘટના અંગેની મળતી માહિતી અનુસાર ચિંતનભાઈ નગીનભાઈ વલવી(ઉ.વ.૨૪) છ મહિનાથી ડેડિયાપાડા સરકારી દવાખાનામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. દરમિયાન ગઇ તારીખ ૨૪મી માર્ચના રોજ તેઓ ડેડિયાપાડા સરકારી દવાખાનામાં OPD વિભાગમાં દર્દીઓને તપાસતા તપાસતા સ્ટાફ સાથે વાત કરી રહ્યાં હતાં તે દરમિયાન બપોરે ૩.૪૫ વાગ્યાના અરસામાં બે ઈસમો આવી ચઢ્યા હતા. એક ઇસમ મોબાઈલ બતાવીને કહેતો હતો કે તમારૂ શું નામ છે અને આ મોબાઈલમાં તું જ છે. એમ કહીને ઉશ્કેરાઈ જઈને મેડિકલ ઓફિસરને એક તમાચો મારી દીધો હતો.અને એ ઇસમે કહ્યું હતું કે, હું તારી વાત ચૈતરભાઈ વસાવા સાહેબને કરૂ છું. એમ કહીને બંને જતા રહ્યાં હતાં.
સમગ્ર ઘટનાની જાણ ટેલિફોન ઉપર સુપરિન્ટેડન્ટને કરવામાં આવી હતી. જેથી તેઓ સરકારી દવાખાને પહોંચી ગયા હતા અની સીસીટીવી ફૂટેજ ચેક કરતાં હુમલામાં સંડોવાયેલા બંને ઇસમની ઓળખ કિશનભાઈ વિષ્ણુભાઈ વસાવા (રહે.દેશમુખ ફળિયું,પઠાર,તા-વાલિયા) અને હિરેનભાઈ હરીશભાઈ વસાવા (રહે. મોદી ફળિયું, પઠાર,તા. વાલિયા) તરીકે થઇ હતી. મેડિકલ ઓફિસરે આ બંને સામે ફરિયાદ કરતાં પોલીસે ગુજરાત મેડિકેર સેવા વ્યક્તિઓ અને મેડીકેર સેવા સંસ્થાઓ કાયદા હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત સરકારી કામમાં રૂકાવટનો ગુનો પણ નોંધ્યો છે.
ઉલ્લેખનીય FIRમાં એવી વિગતો આપી છે કે સમગ્ર બાબતે સોલીયા PHCમાં તા-૨૪મી માર્ચે મેડિકલ ઓફિસર ઉપર ફરજ પર હાજર શર્મિષ્ઠાબેન બારીયા સાથે રિપોર્ટિંગ બાબતે બોલાચાલીમાં બાબતે તેમના પતિ ભાવેશભાઈએ સાથે બબાલ થતા અપશબ્દો બોલીને બે તમાચા મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.જે બાબતે સરકારી કામોમાં રૂકાવટ ઉભો કરતા તપાસની માંગ ઉભી કરી છે.