અમદાવાદ : રાજ્યમાં ટેટ (એસ) અને ટેટ (એચએસ) પરીક્ષાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટેટ પરીક્ષામાં એસસી, એસટી, ઓબીસી, ઈડબલ્યુએસ સહિતની અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પાસિંગ માર્કસ 55 ટકા કરવામાં આવ્યા છે. જૂના નિયમ મુજબ તમામ વિદ્યાર્થીઓ માટે 60 ટકા માર્કની જોગવાઈ હતી. અનામત કેટેગરીના વિદ્યાર્થીઓએ પ્રાથમિક શાળાની જેમ હાઈસ્કૂલમાં પણ પાસીંગ માર્કસમાં ફેરફારની માંગણી કરી હતી.
શિક્ષણ વિભાગ દ્વારા ટેટ પરીક્ષામાં તમામ ઉમેદવારો માટે પાસિંગ માર્કસ 60 નક્કી કરવામાં આવ્યા હતા. જોકે શિક્ષણ વિભાગે હવે અનામત કેટેગરીના ઉમેદવારો માટે આ મર્યાદા ઘટાડીને 55% કરી છે. જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 60% યથાવત રાખ્યા છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ભરતી માટે લેવાતી ટાટ પરીક્ષામાં અનામત કેટેગરી માટે 55 ટકા અને જનરલ માટે 60 ટકા પાર્સિંગ માર્કસનો નિયમ પહેલેથી અમલમાં હતો, પરંતુ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 60% માર્કસની જોગવાઈ કરવામાં આવી હતી. જેના પગલે આ વિસંગતતા દૂર કરવા માટે એસસી, એસટી, ઓબીસી, અને ઇડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ સરકારમાં રજૂઆત કરી હતી. આથી શિક્ષણ વિભાગે નવો પરિપત્ર બહાર પાડ્યો છે.