મેક્સિકોના દક્ષિણ ભાગમાં આવેલા ઓક્સાકા રાજ્યમાં ગઈ કાલે 28 ડિસેમ્બર રવિવારે એક ભયાનક રેલ અકસ્માત થયો હતો. ઇન્ટરઓશનિક કોરિડોર પર દોડી રહેલી એક પેસેન્જર ટ્રેન નિજાંદા શહેર નજીક અચાનક પાટા પરથી ઉતરી ગઈ અને ઊંડા ખાડામાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે ઓછામાં ઓછા 98 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાએ સમગ્ર દેશમાં ચિંતા અને શોકની લાગણી ફેલાવી દીધી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ અકસ્માત સમયે ટ્રેનમાં કુલ 250 લોકો હાજર હતા. તેમાં 241 મુસાફરો અને 9 ટ્રેન સ્ટાફના સભ્યોનો સમાવેશ થતો હતો. બચાવ દળોના ઝડપી પ્રયાસોથી 139 લોકો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. જ્યારે અનેક લોકોને નજીકની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ મેક્સિકન નેવી, પોલીસ અને તાત્કાલિક સેવા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કાટમાળમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે કલાકો સુધી બચાવ કામગીરી ચાલી હતી. દુર્ઘટનાગ્રસ્ત સ્થળે ભારે વરસાદ અને અઘરી ભૂગોળને કારણે રાહત કાર્યમાં અડચણો પણ આવી હતી.
રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબામે આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે સરકાર પીડિત પરિવારોની સાથે ઊભી છે. તેમણે જણાવ્યું કે ઘાયલોના ઈલાજ અને મૃતકોના પરિવારને સહાય માટે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે. સાથે જ વરિષ્ઠ અધિકારીઓની ઘટનાની સંપૂર્ણ તપાસ માટે નિમણૂક કરવામાં આવી છે.
ઓક્સાકા રાજ્યના ગવર્નર સાલોમન જારા ક્રુઝે જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને રાહત કાર્યને ઝડપી બનાવી રહી છે. એટર્ની જનરલના કાર્યાલયે અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. ટ્રેકની સ્થિતિ, ટેકનિકલ ખામી અને સલામતી ધોરણોનું પાલન થયું હતું કે નહીં તે તમામ મુદ્દાઓ તપાસ હેઠળ છે.