World

અફઘાનિસ્તાનમાં પેસેન્જર પ્લેનક્રેશ: મોસ્કો જતું પ્લેન ભારતીય હોવાનો દાવો

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં (Afghanistan) એક મોટી હવાઈ દુર્ઘટના સર્જાઈ છે. અફઘાન મીડિયાના (Media) અહેવાલો અનુસાર એક દુ:ખદ ઘટનામાં વિમાન તેના મૂળ માર્ગથી ભટકી ગયું અને શનિવારે 20 જાન્યુઆરીની રાત્રે બદખ્શાનના (Badakhshan) ઝેબક જિલ્લામાં પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતુું. અત્યાર સુધી આ વિમાનની ઓળખ અંગે ભારત સરકાર અને અફઘાનિસ્તાન સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

પ્લેન ભારતનું નથી
ટ્વિટર પર પોસ્ટ કરીને ભારતીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કહ્યું, ‘અફઘાનિસ્તાનમાં હમણાં જ જે દુર્ભાગ્યપૂર્ણ એરક્રાફ્ટ અકસ્માત થયો છે. તે ન તો ભારતીય વિમાન છે કે ન તો નોન-શિડ્યુલ્ડ (NSOP)/ચાર્ટર એરક્રાફ્ટ છે. આ મોરોક્કન રજિસ્ટર્ડ નાનું વિમાન છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. ‘અગાઉ અફઘાન મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ વિમાન ભારતીય છે.’

અફઘાનિસ્તાન સરકારે અકસ્માત સ્થળ પર તપાસ ટીમ મોકલી
બદખ્શાનના માહિતી અને સંસ્કૃતિ વિભાગના વડા ઝબીહુલ્લા અમીરીએ જણાવ્યું હતું કે, પેસેન્જર પ્લેન બદખ્શાન પ્રાંતના કુરાન-મુંજન અને ઝેબક જિલ્લાની સાથે તોપખાના પર્વતોમાં ક્રેશ થયું હતું. તેમણે કહ્યું કે તપાસ માટે એક ટીમને વિસ્તારમાં મોકલવામાં આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર વિમાન સવારે ક્રેશ થયું હતું. વિમાનમાં કેટલા લોકો સવાર હતા અને દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો કયા દેશના હતા તે હજુ સુધી જાણી શકાયું નથી.

રશિયાએ કહ્યું- વિમાનમાં છ લોકો સવાર હતા
દરમિયાન રશિયન ઉડ્ડયન અધિકારીઓએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં ક્રેશ થયેલું વિમાન શનિવારે મોડી સાંજે રડારમાંથી ગાયબ થઈ ગયું હતું. તેમાં છ લોકો હતા. આ એરક્રાફ્ટ ફ્રાન્સમાં બનેલું દસોલ્ટનું ફાલ્કન 10 જેટ હતું. આ ચાર્ટર પ્લેન ભારતથી ઉઝબેકિસ્તાન થઈને મોસ્કો આવી રહ્યું હતું.

બીજી તરફ કેન્દ્ર સરકારે પણ આ દુર્ઘટના અંગે સ્પષ્ટતા કરી છે. તેમાં ઉમેર્યું હતું કે અફઘાનિસ્તાનમાં બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં સામેલ એરક્રાફ્ટ ચાર્ટર પ્લેન છે અને મોરોક્કોમાં નોંધાયેલું નાનું એરક્રાફ્ટ છે.

આ પહેલા અફઘાનિસ્તાનના ઈન્ફોર્મેશન મિનિસ્ટ્રીના વડાએ કહ્યું હતું કે કુરાન-મુંજન અને જીબાક જિલ્લામાં આર્ટિલરી હિલ્સ પર પ્લેન ક્રેશ થયું હતું. આ ઘટનાની તપાસ માટે એક ટીમ મોકલવામાં આવી છે. સ્થાનિક લોકોનો દાવો છે કે આ વિમાન રવિવારે સવારે ક્રેશ થયું હતું.

Most Popular

To Top