અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ તંત્રએ દુબઈથી વહેલી સવારે અમદાવાદ આવેલી સ્પાઈસજેટની ફ્લાઈટ નંબર SG-016માં આવેલા એક પેસેન્જર પાસેથી કુલ 601.940 ગ્રામ ગોલ્ડ બાર ઝડપી પાડ્યા હતા, જેની બજાર કિંમત અંદાજે ₹96 લાખ થાય છે.
કસ્ટમના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે પ્રવાસીના બેગેજની તપાસમાં બે ગોલ્ડ બાર છુપાવવામાં આવ્યા હતા. તેમાં 324.140 ગ્રામ કટ કરેલા ગોલ્ડ બાર મળી આવ્યા, જેની કિંમત અંદાજે ₹51.73 લાખ થાય છે. આ ઉપરાંત અધિકારીઓને વધુ શંકા જતા પ્રવાસીની વ્યક્તિગત તપાસ કરવામાં આવી, જેમાં તેના કપડાંની અંદર છુપાવેલા 277.80 ગ્રામ ગોલ્ડ બાર મળી આવ્યા, જેની કિંમત આશરે ₹44.33 લાખ આંકવામાં આવી છે. આ રીતે એક જ પ્રવાસી પાસેથી કુલ 601.940 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.
કસ્ટમ વિભાગની પ્રાથમિક પૂછપરછમાં એવી હકીકત બહાર આવી છે કે તે પ્રથમ વખત અમદાવાદ આવ્યો છે, પરંતુ તેની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાં અગાઉ પણ અનેક વિદેશ પ્રવાસ કર્યા હોવાના સંકેત મળી રહ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે પેસેન્જર કેરિયર તરીકે કામ કરતો હતો અને દુબઈમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ તેને આ ગોલ્ડ અમદાવાદ એરપોર્ટની બહાર ડિલિવર કરવાની સૂચના આપી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ એરપોર્ટ કસ્ટમ દ્વારા 3 ફેબ્રુઆરીના રોજ જીદ્દાથી અમદાવાદ આવેલી ચાર મહિલા તથા પાલનપુરના ટ્રાવેલ એજન્ટ મોહમ્મદ અશરફની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં એરપોર્ટની બહાર લેવા આવેલા એક વ્યક્તિને પણ ઝડપી લેવાયો હતો. મોહમ્મદ અશરફ પાલનપુરમાં ટ્રાવેલ એજન્સી ચલાવતો હતો અને 18 પેસેન્જરને લઈને જીદ્દા ગયો હતો, જ્યાંથી સોનાના દાગીના લઈ ચાર મહિલાને અલગ-અલગ દાગીના આપીને અમદાવાદ પરત આવ્યો હતો. મહિલાઓ ઝડપાઈ જતા મોટું હવાલા રેકેટ બહાર આવ્યું હતું.
આ અગાઉ 7 ફેબ્રુઆરીના રોજ બેંગકોકથી સુરત આવેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ચાર પેસેન્જર પાસેથી ₹8 કરોડના હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો કેસ પણ સામે આવ્યો હતો. એક પછી એક ઘટનાઓથી એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય દાણચોરી નેટવર્ક સક્રિય હોવાનું સ્પષ્ટ બન્યું છે. હાલ કસ્ટમ વિભાગ તમામ કડીઓ જોડીને તપાસ આગળ ધપાવી રહ્યું છે.