ભગવાન શિવ જેટલા સરળ દેવ છે એટલા જ તાંત્રિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ તેના ગૂઢ રહસ્યોને પામવા અઘરા છે અને એટલા જ સમજવા અઘરા તેના વિખ્યાત મંદિરો છે. પુરાણોક્ત દ્વાદ્ધશ જ્યોતિલિંગનો સ્પર્શ ગણાતા નેપાળના કાઠમંડુ ખાતે બિરાજમાન પશુપતિનાથ મહાદેવ છે. એક સમયે ભારતનો જ ભાગ ગણાતો નેપાળ નાનો પણ સ્વતંત્ર દેશ છે. ભૌતિક સુખ – સુવિદ્યાઓ તરફ ધ્યાનના આપી માનવ ચેતનાને સમર્પિત એક આધ્યાત્મિક દેશ તરીકે નેપાળની ઓળખ હતી, પણ રાજનૈતિક અને આર્થિક ઊથલ – પાથલ દરમ્યાન આધુનિકતાની પરત લોકજીવન અને લોકમાનસ પર ચઢવા લાગી અને તેની આધ્યાત્મિકતાની ઓળખ ગુમાવવો લાગ્યો, પણ બચી – કુચી જે તેમની આધ્યાત્મિક વિરાસત છે તે જબરદસ્ત અને અસાધારણ છે. પશુપતિનાથ મહાદેવ મંદિર તેમાનું એક છે, જે યુનેસ્કો દ્વારા સુરક્ષિત વિશ્વ ધરોહરમાં સામેલ છે.
પશુ અર્થાત પ્રાણી, જીવ. પતિનો અર્થ સ્વામી અને નાથનો અર્થ માલિક, ભગવાન. મતલબ કે સમસ્ત જીવોના સ્વામી અથવા ભગવાન પશુપતિનાથ છે. પશુપતિનાથ મહાદેવ સનાતનીઓના ઈષ્ટદેવ છે, જ પણ કાઠમંડુ ઘાટીના પ્રાચીન બધા જ શાસકોના અધિષ્ઠાતા દેવ તરીકે પૂજાતા રહ્યા છે. ઈ.સ. 605માં એટલે કે સાતમી સદીના પ્રારંભે સમ્રાટ અંશુવર્મને ભગવાન શિવજીને આદ્યદેવ માની સ્વાર્પણ કરી દીધેલ અને મંદિરનું નિર્માણ કરાવેલું. પછીથી છેક 11મી સદીમાં આ મંદિરનું પુન: નિર્માણ કરાયેલું.
ઉધઈ જેવા કિટાણુઓને કારણે મંદિરને ખૂબ નુકશાન થયેલું. ખંડેર જેવા થઈ ગયેલા મંદિરનું 17મી સદીના ઉતરાર્ધમાં એટલે કે 1697માં નેપાલ નરેશ ભપેલેન્દ્ર મલ્લાએ વર્તમાન મંદિર છે, તેનું નિર્માણ કરાવેલું. જે 300 વર્ષથી અડીખમ દર્શનીય રહ્યું છે. આ મંદિર હિન્દુ અને બૌધ્ધ વાસ્તુકલાનું અદ્દભુત સંમિશ્રણ સ્વરૂપ પેગોડા શૈલીનું છે. મંદિરના વિસ્તારમાં વાસુકી નાગ મંદિર, ઉન્મત્તા ભૈરવ મંદિર, સૂર્યનારાયણ મંદિર, કીર્તિ મુખ ભૈરવ મંદિર, બુદાનિલ કંઠ મંદિર, હનુમાન મંદિર ઉપરાંત 184 શિવલિંગ મૂર્તિ પ્રમુખ રૂપે મૌજુદ છે. બહારી પરિસરમાં રામમંદિર, વિરાટ સ્વરૂપ મંદિર, 12 જ્યોતિર્લિંગ મંદિર, પંદર શિવાલય ગુહ્યેશ્વરી મંદિર જેવા 518 મંદિરો આવેલ છે.
પશુપતિનાથનું મુખ્ય મંદિર ધરતીથી ઉપર શિખર સુધી 23 મીટર, 7 Cm ની ઊંચાઈનું છે. ડબલ સ્તરવાળી છતનું નિર્માણ તાંબાનું કરાયું છે. મંદિરનું શિખર સોનાથી મઢ્યું છે, જેને ગજૂર કહે છે. મંદિરમાં 2 ગર્ભગૃહ છે. એક બહારી અને એક ભીતરી (અંદરનું ). અંદરના ગર્ભગૃહમાં શિવલિંગ સ્વરૂપ શિવપ્રતિમા પ્રસ્થાપિત છે. અહીં શિવજીની આ પ્રતિમાના દર્શનથી પશુ યોનિમાંથી મુક્તિ મળે છે. એવી પણ માન્યતા છે કે આ મંદિરમાં પહેલા શિવજીના દર્શન કરો પછી જ નદીના દર્શન કરવા, નહિ તો દર્શનનું પુણ્ય નથી મળતું. ઘણા શ્રધ્ધાળુઓ અહીં અડધાથી એક કલાક સુધી ધ્યાન ધરે છે.
આ મંદિરની ધાર્મિક કથાનુસાર મહાભારતના યુદ્ધ પછી પાંડવોને પોતાના ભાઈઓને જ મારવાનું ઘણું દુ:ખ હતું. જેને ગોત્રવધનો દોષ ગણી તેમાંથી મુક્તિ મેળવવા શિવજીની કૃપા માટે શિવજીને શોધતા સ્વર્ગ પ્રયાણ આદરેલું. શિવજી પણ અધમ કૃત્ય ગણી પાંડવોને માફ કરવા નહોતા ઈચ્છતા. એટલે બળદના સ્વરૂપે ફરતા હતા પણ પાંડવો ભેદ પામી જતા બળદને પકડવા પાછળ દોડયા તો તે ધરતીમાં સમાઈ ગયો પણ પૂંછડી હાથમાં આવી ગઈ, તે જગ્યા કેદારનાથની કહેવાય છે. જ્યારે જમીનમાં માથું મારી છેક નેપાળમાં નીકળ્યા ત્યારે ત્યાં જ સ્થાન જમાવ્યું એટલે ‘પશુપતિનાથ’ કહેવાયા.
આ પશુપતિનાથની શિવલિંગ પ્રતિમા કહેવાય છે. તેની વિશેષતા એ છે કે શિવલિંગની ચારે તરફ શિવપ્રતિમા છે અને એક આકાશ ભણી જોતી ઉપર પાંચમું મુખ છે. આ પાંચેય મુખ અલગ અલગ દિશા અને ગુણોનો પરિચય આપે છે. પૂર્વ દિશા તરફનું મુખ છે, તેને ‘તત્પુરુષ’ અને પશ્ચિમની તરફના મુખને ‘સદજ્યોત’ કહે છે. ઉત્તર દિશા તરફના મુખને ‘વામદેવ’ યા ‘અર્ધનારીશ્વર’ કહે છે. દક્ષિણ દિશા તરફના મુખને ‘અધોરા’ કહે છે. જ્યારે ઉપરની તરફના મુખને ‘ઈશન’ મુખ કહે છે. પ્રત્યેક મુખના જમણા હાથમાં રૂદ્રાક્ષમાળા અને ડાબા હાથમાં કમંડળ છે.
આપણે ત્યાંથી બદરી – કેદારની જેમ પશુપતિનાથ જવાવાળા શ્રધ્ધાળુઓની ખૂબ મોટી સંખ્યા છે. નેપાળ અલગ દેશ હોવા છતાં ત્યાં જવા માટે વિઝાની જરૂર પડતી નથી. તમારૂં માન્ય ઓળખપત્ર હોય તો નેપાળ ખાતે પશુપતિનાથના દર્શને સરળતાથી જઈ શકાય છે. ત્યાં જવા માટે વિમાની સેવા તો ખરી પણ બધાને ના પોસાય તો ટ્રેન અને બસના પણ ટ્રાવેલિંગ રૂટ છે. દિલ્હીથી, વારાણસી અને ગોરખપુરથી કાઠમંડુ પહોચી શકાય છે. ગોરખપુરથી નેપાલ બોર્ડરનું 248 Km નું અંતર 6 થી 7 કલાકમાં રોડ માર્ગે કાપી શકાય છે. નેપાળમાં ભારતીય ચલણ ચાલે છે.
તેથી ત્યાં જવાવાળાને ખાસ મુશ્કેલી પડતી નથી. ઘણા લોકો ખાનગી વાહનમાં પણ નેપાળના કાઠમંડુ સુધી જતા હોય છે, પણ તેમાં નેપાળ સરકારની આકરી શરતોને આધીન ગાડીના કાગળ, લાયસન્સ, હોર્ન – લાઈટ, સીટબેલ્ટ બધુ પરફેક્ટ હોવું જરૂરી હોય છે. ખાનગી વાહનોને કારણે ત્યાં પશુપતિનાથના દર્શન સિવાય પણ ફરવાના સરસ સ્થળો પર જવાનું વધુ અનુકૂળ આવે છે. કાઠમંડુથી પોંખરા શહર જઈ શકાય છે.
જે તળાવો અને સરોવરની ખૂબસૂરતી માટે ખૂબ પ્રખ્યાત છે. ઉપરાંત ભગવાન બુધ્ધનું જન્મસ્થળ લુંબીની, બુંટવલનું સિધ્ધ બાબા મંદિર, જનકપુર, પોખરાની ફેવા તાલ, ગુફા વગેરે સ્થળો ધાર્મિક અને ઐતિહાસિક કથાઓ સાથે જોડાયેલા હોવાથી ફરવાના સ્થળ તરીકે પણ ખ્યાત બન્યા છે. જો તમે પશુપતિનાથ ના ગયા હોય તો એક નવા યાત્રાધામ, નવા ડેસ્ટીનેશન તરીકે પસંદ કરી પર્યટન વિભાગમાંથી પૂર્ણ માહિતી મેળવી જરૂર પ્રોગ્રામ બનાવો. સરવાળે અન્ય રાજ્યોમાં ફરવા જાઓ લગભગ એટલા ખર્ચમાં તમે પશુપતિનાથના દર્શન કરી શકો છો.