મુંબઇ, વલસાડ, નવસારી અને સુરતના પારસી બિરાદરોમાં નવું જ એકસાઇટમેન્ટ છવાઈ ચૂકયું છે. મોટા ગૌરવની વાત હતી કે વલસાડ નજીકના નારગોલનો યુવાન અરઝાન નગવાસવાળાની પસંદગી ભારતીય ક્રિકેટ ટીમમાં થઇ છે. અલબત્ત, ઇંગ્લેન્ડના પ્રવાસમાં અરઝાનની વરણી સ્ટેન્ડ બાય તરીકે થઇ છે પણ ગુજરાતી અને પારસી ચાહકો માટે આ મોટો પ્રસંગ છે. સ્વય: અરઝાનને પણ કલ્પના ન હતી એ આટલી મોટી છલાંગ ભરશે.
અરઝાન હવે ઇંગ્લેન્ડના પ્રવાસમાં ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશીપ ઉપરાંત ઇંગ્લેન્ડ સામે રમાનારી પાંચેય ટેસ્ટ માટે પસંદગી પામ્યો છે. સ્ટેન્ડ બાયમાં હોવાથી ટેસ્ટો રમવાના ચાન્સિસ જ નથી એવું નથી. મોહંમદ સીરાજ ઓસ્ટ્રેલિયા સ્ટેન્ડ બાય જ ગયો હતો પણ શમી અને બુમરાહ ઇજા પામતાં સીરાજને તક મળી ગઇ. આજે એ ફ્રન્ટલાઇન બોલર બની ચૂકયો છે. અરઝાનની પસંદગી પાછળ મહત્ત્વનું કારણ એ છે કે એ લેફટી છે. ઓસ્ટ્રેલિયા પાસે લેફટી – પેસર્સ છે. જે ભારતીય બેટધરોને હંફાવી શકે. આથી અરઝાન હવે નેટ પર ડાબેરી પેસ બોલિંગનો લાભ ટીમ ઇન્ડિયાના માન્ય બેટસમેનોને આપશે. વિકેટ અને વાતાવરણ સારા મળે તો એ ઇલેવનમાં પણ રમી શકે છે. અરઝાને મેનેજમેન્ટને પ્રભાવિત તો કરવી જ પડશે. છતાંયે ટીમને, અરઝાનને ડાબેરી – પેસર હોવાનો મોટો ફાયદો છે. ૧૪૦ કિલોમીટરની એની ઝડપ અને દડો ઘુમાવવાની એની કુનેહ ઇંગ્લેન્ડની વિકેટો પર સફળતા અપાવી શકે. વળી એ લાંબા સ્પેલ ફેંકી શકે છે.
આવો જ એક મેજીકલ સ્પેલ સૌને પ્રભાવિત કરી ગયો. પંજાબ સામે ગુજરાત વતી રણજી રમતા અરઝાને ૩૩.૧ ઓવરો ફેંકી જેમાં છ મેઇડન હતી. ૧૧૪ રન આપી દસ વિકેટ ઉપાડી મેન ઓફ ધી મેચ એવોર્ડ જીત્યો હતો. અરઝાન માટે આ મોટો બ્રેક હતો. વિજય હઝારે ટ્રોફી અરઝાન માટે ટર્નિંગ પોઇન્ટ હતો. આ ટુર્નામેન્ટના અંતે ઘણા માનવા લાગ્યા હતા કે આ લેફટ આર્મ પેસર લાંબી મજલ કાપશે જ. ભૂતપૂર્વ લેફટ આર્મ પેસર ઝાહીર ખાને અરઝાનને કેટલીક ટીપ્સ આપી માર્ગદર્શન આપ્યું. ઝાહીર પણ અરઝાનથી પ્રભાવિત હતો. અરઝાને વિજય હઝારે ટ્રોફીમાં સાત મેચોમાં ૧૯ વિકેટો ઉપાડી હતી. વલસાડ ક્રિકેટ એસોસિયેશન માટે આ મોટા ગૌરવની વાત છે. મંત્રી નજરકભાઇ દેસાઇ અને કોચ સોહમ દેસાઇએ જહેમત ઉઠાવી પ્રોત્સાહિત કર્યો હતો. કાન્તિકાકા હયાત નથી. વલસાડનું સ્ટેડિયમ ઊભું કરનાર સ્વ. કાન્તિકાકાના ઇલાકાનો યુવાન ટેસ્ટ દરજજે ઊભો છે. એ મોટા ગૌરવની વાત છે. વલસાડ માટે બીજા એક ગૌરવની વાત એ છે કે અરઝાનના ટ્રેનર સોહમ દેસાઇની ભારતીય ટીમમાં ટ્રેનર તરીકે વરણી થઇ છે. આથી અરઝાનને પૂરતું માર્ગદર્શન પણ મળી રહેશે.
પારસીઓના ગૌરવશાળી ક્રિકેટ ઇતિહાસમાં હવે અરઝાન વારસો આગળ ધપાવી રહ્યો છે. પારસીઓમાં હાલના તબકકે ખુશાલી એટલા માટે વધી છે કારણ કે ૧૯૭૫ માં ફરોખ એન્જિનિયર ટેસ્ટ રમી નિવૃત્ત થયો હતો. જયારે પારસી મહિલા ક્રિકેટર ડાયના એદલજીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ લાંબા સમયગાળા પછી અરઝાનનો ઉદય નવી જ આશા જગાડે. ભૂતકાળમાં થોડાક આગળ સરીએ તો સ્વ. રૂસી સુરતી ગુજરાત વતી રમીને આંતરરાષ્ટ્રીય. રમ્યા હતા. સુરતી અને નરી કોન્ટ્રાકટર બન્ને ગુજરાતના કેપ્ટન રહી ચૂકયા છે. ફરોખ એન્જિનિયર અને રૂસી મોદી બોમ્બે વતી રમ્યા હતા. રૂસી મોદીના વંશજો મૂળ સુરતના છે. રૂસી મોદીના પિતા શેહીયારજી મોદીએ સધર્ન ગુજરાતના ક્રિકેટ વહીવટમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફરીથી અરઝાનની વાત કરીએ તો એ સ્વભાવે શાંત અને ઓછા બોલો છે. ૨૦૧૮-૧૯ થી રણજી રમે છે. એ વેળા ગુજરાતનો કેપ્ટન પાર્થિવ પટેલ હતો. તગડા મુંબઇ સામે અરઝાન પાંચ વિકેટો ઉપાડીને લાઇમ લાઇટમાં આવ્યો હતો. એ નાનો હતો ત્યારે મોટાભાઇ વિસ્પી સાથે ક્રિકેટ રમી બેઝિક શીખ્યો હતો. ૨૦૧૯-૨૦ સીઝનમાં અરઝાને રણજીટ્રોફીમાં ૪૧ અને વિજય હઝારે ટ્રોફીમાં ૧૯ વિકેટો ઉપાડી હતી. એ સમયે ગુજરાતનો મેઇન બોલર જસપ્રીત બુમરાહ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં બીઝી હતો.
અરઝાન કહે છે ‘ચાર દાયકા પછી પારસી ક્રિકેટર ટેસ્ટ દરજજે પહોંચ્યો છે એટલે બધાંને જ આનંદની લાગણી તો થાય જ. રોહિત શર્માને મળ્યો છું. પણ વિરાટભાઇને મળ્યો નથી.’ અરઝાન ૨૩ વરસનો છે. ભૂતપૂર્વ ગુજરાતનો કેપ્ટન રૂસી સુરતી પણ લેફટ આર્મ સીમર હતો. જો કે સુરતી પ્યોર ઓલરાઉન્ડર હતો. ગુડ લક અરઝાન. (ચાર દાયકા પછી ગુજરાતી પારસી ક્રિકેટર અરઝાન નગવાસવાળા ટેસ્ટ દરજજે પહોંચતા પારસી ક્રિકેટ ચાહકો માટે ગૌરવની વાત છે. અરઝાન વલસાડ નજીકના નારગોલ ઇલાકાનો છે. એકાએક ટેસ્ટ દરજજો (સ્ટેન્ડ બાય) મળવા પાછળ આમ તો અનેક કારણો છે. પણ એ લેફટ આર્મર હોવાથી એની સહાયક ભૂમિકા મહત્ત્વની બની રહેશે. પારસીઓનો ગૌરવશાળી ક્રિકેટ ઇતિહાસ છે. અરઝાન નગવાસવાળા આ ગૌરવને આગળ વધારશે.)