Entertainment

પરિણીતી ચોપરા માતા બની, દીકરાને જન્મ આપ્યો

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી પરિણીતી ચોપરાએ માતૃત્વની સફર શરૂ કરી છે. તેણીએ દીકરાને જન્મ આપ્યો છે અને પતિ રાઘવ ચઢ્ઢા પિતા બન્યા છે. દીવાળી પહેલા આ ખુશખબરે ચાહકોને આનંદથી ભરપૂર કરી દીધા છે.

પરિણીતી ચોપરાને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ ચાહકો ઉત્સાહપૂર્વક સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા. આખરે રાહ પૂરી થઈ ગઈ છે. પરિણીતી અને રાઘવે ઇન્સ્ટાગ્રામ પર આ ખુશખબર શેર કરી અને તેમના ચાહકો તથા સેલિબ્રિટી મિત્રોને આ ખુશીમાં ભાગીદાર બનાવ્યા.

રાઘવ ચઢ્ઢાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું “તે આખરે અહીં આવી ગયો છે. અમારો નાનો દીકરો, અમારો લાડકો. અમને હવે પહેલાનું જીવન યાદ નથી. અમારા હાથ અને હૃદય ખુશીથી ભરાઈ ગયા છે. પહેલા અમે એકબીજા હતા પરંતુ હવે અમારી પાસે બધું છે.” આ પોસ્ટ સાથે જ રાઘવે ‘નજર ન લાગે’ એવો ઇમોજી પણ ઉમેર્યો હતો. જે તેમની લાગણીસભર ખુશીને વ્યક્ત કરે છે.



લગ્નના બે વર્ષ પછી આ દંપતિએ પોતાના જીવનમાં નવા મહેમાનનું સ્વાગત કર્યું છે. ચઢ્ઢા અને ચોપરા પરિવાર ખુશીના રંગમાં રંગાયા છે. દીવાળી પહેલા આ નાનકડા રાજકુમારના આગમનથી બંને પરિવારોમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો છે.

સોશિયલ મીડિયા પર આ પોસ્ટ વાયરલ થઈ ગઈ છે. કૃતિ સેનન, અનન્યા પાંડે સહિત અનેક બોલીવુડ હસ્તીઓએ કમેન્ટ કરી અભિનંદન પાઠવ્યા છે. ચાહકો પણ ઉત્સાહથી ભરાયા છે અને લખી રહ્યા છે કે “દીવાળી માટે આ સૌથી મોટી ભેટ છે.”

ગૌરવની વાત એ છે કે બે મહિના પહેલા જ પરિણીતી ચોપરાએ પોતાના ગર્ભાવસ્થાની માહિતી આપેલી. તા. 25 ઓગસ્ટે ઇન્સ્ટાગ્રામ પર તેણીએ “1+1=3” લખેલું કેક અને નાના પગના નિશાનવાળો ફોટો પણ શેર કર્યો હતો. એ પોસ્ટ સાથે તેણે લખ્યું હતુ “આપણું નાનું બ્રહ્માંડ આવી રહ્યું છે. અમે ધન્ય છીએ.”

આ પોસ્ટ તે સમયે વાયરલ થઈ ગઈ હતી અને સૌએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. હવે જ્યારે પરિણીતી માતા બની છે. ત્યારે બોલીવુડ જગતથી લઈને ચાહકો સુધી સૌના ચહેરા પર સ્મિત છે.

દિવાળીના પર્વ પહેલા પરિણીતી અને રાઘવ માટે આ સૌથી મોટી ખુશી બની છે. બંનેને તેમના ચાહકો અને મિત્રો તરફથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. નાનકડા ચઢ્ઢા-ચોપરા લિટલ ચેમ્પના આગમનથી બંને પરિવાર માટે આ દિવાળી યાદગાર બની ગઈ છે.

Most Popular

To Top