ગાંધીનગર: આજથી તમે હવે એક જવાબદાર નાગરિક બન્યા છો. શિક્ષણ વ્યક્તિને જવાબદાર નાગરિક બનાવે છે. તમને શિક્ષિત બનાવનાર ગુરુજનો અને માતા-પિતા પ્રતિ હંમેશા ઋણી રહેજો. હંમેશા સન્માન-આદરભાવ રાખજો. અભ્યાસ દરમિયાન જે પણ જ્ઞાન મળ્યું છે તેનો રાષ્ટ્ર કલ્યાણમાં-સમાજના હિતમાં ઉપયોગ કરજો, તેવું સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના ૫૭ મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પદવી મેળવનાર યુવાનોને સંબોધતાં જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાજભવન, ગાંધીનગરથી વર્ચ્યુઅલી જોડાયેલા રાજયપાલ આચાર્ય દેવવ્રતએ ગૌ-કૃષિ વિદ્યા કેન્દ્રનો રીમોટ કંટ્રોલથી શુભારંભ કરાવ્યો હતો. કૃષિ અને પશુપાલનનો સંયુક્ત અભ્યાસક્રમ ધરાવતી આ પ્રકારની ગુજરાતની આ સૌ પ્રથમ યુનિવર્સિટી છે.
આ દીક્ષાંત સમારોહમાં મહાનુભાવોના હસ્તે ૧૩ વિદ્યાશાખાના ૧૨૬ વિદ્યાર્થીઓને ૧૪૭ ગોલ્ડમેડલ અર્પણ કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, પી.ડી.યુ. મેડીકલ કોલેજ, રાજકોટની વિદ્યાર્થીની કાપડીયા ધીરતા અતુલભાઈને એમ.એસ. બ્રાન્ચ—૧ જનરલ સર્જરી માં ૦૩ (ત્રણ) ગોલ્ડમેડલ તથા એમ.પી.શાહ મેડીકલ કોલેજ, જામનગરના વિદ્યાર્થી વડાલીયા અક્ષત કેશુભાઈને એમ.એસ. બ્રાન્ચ-૧ જનરલ સર્જરીમાં ૦૩ (ત્રણ) ગોલ્ડ મેડલ, ગાયત્રી ગુરૂકૃપા બી.એડ. કોલેજ, લાઠીના વિદ્યાર્થી લશ્કરી તુષાર રાજુભાઈને એલ.એલ.બી. સેમ-૬ માં ૦૩ (ત્રણ) ગોલ્ડ મેડલ, દોશી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વાંકાનેરની વિધાર્થીની વોરા હેતલબેન ત્રિભોવનભાઈને બી.એ. ગુજરાતીમાં ૦૩ (ત્રણ) ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહમાં લાકડાના વિશિષ્ટ બોક્ષમાં પદવી એનાયત કરવામાં આવી હતી.
આચાર્ય દેવવ્રતએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, દીક્ષાંત એ શિક્ષાંત નથી. જે વિષય ભણ્યા છો તેનો અભ્યાસ નિરંતર ચાલુ રાખજો. અભ્યાસ વિના વિદ્યા લુપ્ત થતી જાય છે. જે વિદ્યા અન્યના કલ્યાણ હેતુ ઉપયોગમાં નથી આવતી એવી વિદ્યાનો કોઈ અર્થ નથી. તેમણે રાષ્ટ્રની ઉન્નતિ માટે, લોકહિત માટે વિદ્યા વાપરવા જણાવ્યું હતું. ગમે તેટલી ઉન્નતિ કરો. ધન-યશ-કીર્તિ કમાઓ પણ ક્યારેય માતા-પિતા અને ગુરુનો અનાદર ન કરતા. જેમણે દીપકની જેમ જાત બાળીને તમારા જીવનમાં પ્રકાશ પાથર્યો છે તેમનો યશ વધે, પ્રતિષ્ઠા અને સન્માન વધે એવું જીવન જીવજો.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વિદ્યા પ્રાપ્તિનો કોઈ અંત નથી હોતો, એ જીવનભર ચાલતી નિરંતર પ્રક્રિયા છે. ભારતીય યુવાનોનું ટેલેન્ટ વિશ્વના તમામ ખૂણે જોવા મળે છે. નવી શિક્ષણ નીતિમાં ગીતા, રામાયણ, મહાભારત સહિતના ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન વણી લેવામાં આવ્યું છે, જેનાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરી શકાય. તેમજ ગુરૂજનોએ પણ સતત અપડેટ રહેવું જોઈએ જેથી વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે.
રાજયકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયાએ કહ્યું હતું કે, વિદ્યાર્થી શિક્ષણનો સાચો મર્મ અને ધર્મ સમજે, તેમણે પ્રાપ્ત કરેલું શિક્ષણ સમાજ ઉપયોગી બને અને રાષ્ટ્રને સમર્પિત થાય તે આજના સમયની જરૂરિયાત છે. શિક્ષણ દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થાય અને જીવનની સર્વોત્તમ ઉર્ધ્વગામી સિદ્ધિ પ્રાપ્ત કરે તે સાચા અર્થમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું ગણાય. રાગ-દ્વેષ,લોભથી દૂર રહીને કર્મની રાહ પર ચાલીને “સત્યમેવ જયતે”નો ભાવ રાખીને આગળ વધવા મંત્રીશ્રીએ તમામ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.