પારડી : પારડીના (Pardi) કોટલાવ ખાતે રસ્તા (Road) બાબતે બોલાચાલી કરી એકને માર મારતા ચાર વિરુદ્ધ પારડી પોલીસ મથકે (Police station) ફરિયાદ નોંધાઈ હતી. પારડી તાલુકાના કોટલાવ ધોડિયાવાડ ખાતે રહેતો પ્રવિણ શંકર પટેલ અને તેના પત્ની રંજીતાબેન ગતરોજ બપોરે તેના ઘરે હાજર હતા. ત્યારે અવિનાશ સુમન રાઠોડ તેની બાઈક લઈને ત્યાંથી પસાર થતો હતો. ત્યારે રંજીતાબેનએ તેને કહ્યું કે આ રસ્તા પરથી તમારે જવાનું નહીં, જો કે અવિનાશ તેની બાઈક લઈને ચાલી ગયો હતો.
બાદમાં અવિનાશ, સુરેશ શંકર પટેલ, ચિરાગ સુરેશ પટેલ, કાજલ અવિનાશ રાઠોડે પ્રવિણના ઘરે ઓટલા ઉપર આવી સુરેશે કહ્યું કે આ રસ્તો તમારો છે? ત્યારે રંજીતાબેને મેં તમને ના પાડી નથી, માત્ર અવિનાશને ના પાડેલી છે. તેવી વાત કરતા ચારેય જણા ઉશ્કેરાઈને રંજીતાબેનને ગાળો આપી ઢીક્કામુક્કીનો માર માર્યો હતો. જેને બચાવવા પ્રવિણ વચ્ચે પડતા સુરેશ પટેલે બાજુમાં પડેલી પાઇપ વડે માથાના ભાગે ફટકા મારતા ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા. ઇજાગ્રસ્ત પ્રવિણને તાત્કાલિક પારડી મોહન દયાળ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે પ્રવિણ પટેલે ચાર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
નવસારીમાં ઢીંગલાબાપાની શોભાયાત્રામાં જુની અદાવતમાં 4 યુવાનોએ એકને ચપ્પુ માર્યું
નવસારી : નવસારીમાં ઢીંગલાબાપાની શોભાયાત્રામાં 4 યુવાનોએ એકને ચપ્પુ મારતા મામલો નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી દરગાહ રોડ પર રોહિત રાજુભાઇ દંતાણી તેમના પરિવાર સાથે રહે છે.
ગત રોજ નવસારીમાં ઢીંગલાબાપાની શોભાયાત્રા નીકળી હતી. જેથી રોહિત પણ ઢીંગલાબાપાની શોભાયાત્રામાં ગયો હતો. જ્યાં પારસીવાડ-દાંડીવાડના ત્રણ રસ્તા ઉપર 4 ઈસમોએ જૂની અદાવતમાં રોહિત ઉપર હુમલો કરી તેને માર મારી પીઠના ભાગે ચપ્પુ મારી દીધું હતું. જેથી રોહિત લોહીલુહાણ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયો હતો. આ બાબતે રોહિતે નવસારી ટાઉન પોલીસ મથકે જેનિષ અને અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આ ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરી છે.