પારડી (Pardi) : બુટલેગરો શ્રાવણ માસમાં પણ અવનવી તરકીબો (Innovative techniques) અજમાવી કારમાં પેટ્રોલની ટાંકીમાં (Car petrol tank) ચોરખાના બનાવી દારૂ લઇ જતા 2 ઝડપાયા હતા. પારડી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 48 વિશ્રામ હોટલની સામે દમણથી આવતી કારને રોકી હતી.
પેટ્રોલની ટાંકીમાં ચોરખાના માંથી દારૂની બોટલ ઝડપાઇ
તપાસ કરતા પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવી દારૂની બાટલીઓ અને વિસ્કીના પાઉચો મળી 266 નંગ જેની કિં.રૂ. 29,650 સાથે બે ઈસમને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપી વૈરાગ શંકર પટેલ અને સુજન સપનભાઈ નસ્કરની ધરપકડ કરી હતી. જ્યારે વરૂણ ઉર્ફે ઉમેશ પાટીલ અને વિમલ પટેલને વોન્ટેડ બતાવ્યા હતા. દારૂનો જથ્થો દમણથી કારમાં પેટ્રોલની ટાંકીમાં ચોરખાનું બનાવીને સુરત તરફ લઈ જતા પોલીસે બે આરોપીને ઝડપી પાડી મોબાઈલ, કારની કિં. રૂ.5 લાખ, રોકડા 88 હજાર મળી કુલ રૂ.6.18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્લાસ્ટિકના દાણાની આડમાં લઇ જવાતો ૪.૧૭ લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
વાપી : સેલવાસ પોલીસે પણ આવી જ રીતે પ્લાસ્ટિકના દાણાની આડમાં દારૂની મોટાપાયે ખેપ મારી રહેલ બુટલેગરોને ઝડપીને તેમને જેલના સળિયા ગણાતા કરી નાખ્યા હતા. સેલવાસ પીપરીયા જીઆઇડીસીમાંથી ટેમ્પોમાં ઇગ્લિશ બનાવટના દારૂનો જથ્થો લઈ નીકળેલા ટેમ્પોને દાદરા ચેકપોસ્ટ ઉપર વાપીના ડુંગરા પોલીસે ઝડપી પાડી ટેમ્પો ચાલકને અટકમાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.
ટેમ્પો ચાલક સહીત બેને પોલીસે ઝડપી લીધા
ટેમ્પો ચાલકને પીપરીયા જીઆઇડીસીમાં છોટા હાથી ટેમ્પો ચાલકે દારૂ ભરાવ્યો હતો. જે નવસારી ટોલનાકું પસાર થાય પછી લઈ જવાનું જણાવ્યું હતું. પોલીસે લવાછા-પીપરીયાના ટેમ્પો ચાલક આકાશ સીયારામ શીવકુમાર યાદવ તથા પીપીરીયાના છોટા હાથી ચાલક હર્ષ અજીત મીશ્રા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ટેમ્પોમાંથી ૭૧ બોક્સ વિદેશી દારૂ જેમાં કુલ ૨૬૨૮ બોટલો હતી. જેની કિંમત રૂ.૪,૧૭,૬૦૦ બતાવવામાં આવે છે તે કબજે લીધો હતો. ટેમ્પો તેમજ તેની અંદર પ્લાસ્ટીકના દાણા રૂ.૧૧,૫૦,૦૦૦ સહિત કુલ મુદ્દામાલ રૂ.૨૦,૬૯,૬૦૦ કબજે લઈ ટેમ્પો ચાલક આકાશ યાદવની અટક કરીને વધુ તપાસ હાથ ધરી છે.