પારડી : પારડી (Pardi) નેશનલ હાઇવે નંબર 48 વિશ્રામ હોટલની સામે દમણથી (Daman) કારના (Car) દરવાજા અને સ્ટેપનીના ટાયરમાં (Tyre) દારૂનો (Alcohol) જથ્થો સંતાડી લાવી સુરત (Surat) તરફ લઈ જતા ત્રણ ઈસમને પોલીસે (Police) ઝડપી પાડ્યા હતા. પારડી પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે કાર આવતા વિશ્રામ હોટલ સામે હાઇવે પર રોકી હતી.
તપાસ કરતા કારના બંને દરવાજા તથા સ્ટેપનીના ટાયરમાં દારૂની બોટલ નંગ 264 જેની કિં.રૂ. 38,400નો જથ્થો મળી આવ્યો હતો. કાર ચાલક હેમંત અમૃત પટેલ (રહે.મહેતા હોસ્પિટલ પાછળ), રોહન સુરેશ મણિક (રહે. દમણીઝાંપા, ગજાનન કોમ્પ્લેક્ષ) અને અમિત અશોક હળપતિ (રહે.નૂતનનગર સોસાયટી)ને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા રાજન (રહે.નાનીવાંકડ દમણ)એ કારમાં દારૂનો જથ્થો ભરાવી આપ્યો હતો. જે સુરતના કડોદરા ખાતે શિવમ ઉર્ફે શિવો રાજુ રાઠોડને આપવા જતા હોવાનું કબૂલ્યું હતું. કાર, મોબાઈલ, દારૂ સહિત કુલ રૂ. 5.53 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે બંને આરોપીને વોન્ટેડ બતાવી પ્રોહિબિશન એક્ટ હેઠળ પાંચ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
છોટા હાથી ટેમ્પામાં ચોરખાના બનાવીને લઈ જવાતો દારૂ ઝડપાયો
વલસાડ : વલસાડના ઘમડાચી હાઈવે પરથી પોલીસે ટેમ્પામાં ચોરખાના બનાવીને લઈ જવાતો રૂ.48,000 નો દારૂ પોલીસે ઝડપી પાડી ચાલકની ધરપકડ કરી છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિષ્ણુકુમાર ગિરધારી લાલ જાગીડ કોન્સ્ટેબલ મધુ કનુ ગોહિલ તથા હેડ કોસ્ટેબલ કુપાલસિંહ રામદેવસિંહ ચુડાસમા હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતા. ત્યારે મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે ધમડાચી રામદેવ હોટલની સામે નેહાનં.48 સુરત તરફ જવાના માર્ગ પર વોચ ગોઠવી હતી.
ત્યારે બાતમીવાળો છોટા હાથી ટેમ્પો આવતા પોલીસે ટેમ્પો અટકાવ્યો હતો. પોલીસે ટેમ્પામાં તપાસ કરતા ટેમ્પાની બોડી તથા ટાયરના ભાગે ચોરખાના બનાવીને લઈ જવાતો રૂ.48000નો ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 60 મળી આવી હતી. પોલીસે ટેમ્પોચાલક રાજસ્થાનમાં રહેતો લાડુલાલ દીપાલાલ મેવાડાની ધરપકડ કરી દારૂનો જથ્થો ભરાવનાર સેલવાસનો રામુને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે દારૂ અને ટેમ્પો મળીને કુલ રૂ.1.99 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દુવાડા ગામે 1.26 લાખના વિદેશી દારૂનું કારટિંગ કરતા 3 ઝડપાયા, 4 વોન્ટેડ
નવસારી : ગણદેવી પોલીસે બાતમીના આધારે દુવાડા ગામે ક્વોરીની પાછળ 1.26 લાખના વિદેશી દારૂનું કારટિંગ કરતા 3ને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર અને લાવનાર સહિત 4ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મળતી માહિતી મુજબ, ગણદેવી પોલીસે બાતમીના આધારે દુવાડા ગામે ગણેશ ક્વોરીની પાછળ આવેલી જગ્યામાં છાપો માર્યો હતો. જ્યાંથી પોલીસે વિદેશી દારુઓનું કારટિંગ કરતા દુવાડા ગામે ટંકારીયા ફળિયામાં રહેતા ધવલ અશોકભાઈ પરમાર, વિરલ નાનુભાઈ નાયકા અને શુભમ સુનિલભાઈ નાયકાને ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતા દમણમાં રહેતા ભાવેશભાઈએ વિદેશી દારૂનો જથ્થો મોકલાવ્યો હતો અને એક બ્રેઝા કારનો ચાલક દારૂનો જથ્થો આપી ગયો હતો. તેમજ ગણદેવી માકલા ફળિયામાં રહેતા મહેશ ઉર્ફે બોડીયો જયંતીભાઈ પટેલ અને બકુલભાઈ મગનભાઈ પટેલ અંધારાનો લાભ લઇ નાસી જતા પોલીસે ભાવેશભાઈ, કાર ચાલક, મહેશ ઉર્ફે બોડીયો અને બકુલભાઈને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી 1.26 લાખના વિદેશી દારૂની 840 નંગ બાટલીઓ, 1.50 લાખની નંબર વગરની ઓમની કાર, 30 હજાર રૂપિયાની મોપેડ (નં. જીજે-21-બીએસ-0327) અને 30 હજાર રૂપિયાની નંબર વગરની મોપેડ અને 25 હજાર રૂપિયાના 3 મોબાઈલ મળી કુલ્લે 3.61 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.