પારડી : પારડી (Pardi) નેશનલ હાઇવે નંબર 48 પર વાપીથી (Vapi) સુરત (Surat) તરફ જતા ટ્રેક પર કારના (Car) ચાલકે પૂરઝડપે કાર હંકારતા પારડી પોલીસ મથકના (Police Station) સામે બ્રિજ પર ડિવાઇડર પર ચઢી ગઈ ધડાકાભેર લાઈટના પોલ સાથે અથડાતા અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં કાર ચાલક નિકુંજભાઈ પી. ભાવસારને ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે પારડી કુરેશી હોસ્પિટલમાં (Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
વાપીથી સુરત તરફ જતા ટ્રેક પર થયેલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા નિકુંજભાઈ વાપી જીઆઇડીસી ખાતે જીઇબીમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું હતું. આ અકસ્માતમાં કારના આગળનો ભાગનો ભુક્કો બોલાઈ ગયો હતો અને કારમાં લાગેલી સીએનજી ટેન્ક પોતાની જગ્યાએથી ખસી સીટ સુધી આવી પહોંંચી હતી. સદનસીબે મોટી જાનહાની થતા ટળી હતી.
ઓરવાડમાં કમ્પાઉન્ડની દિવાલ પર ચઢી કામ કરતા પુરુષનું વીજ કરંટ લાગતા મોત
પારડી : પારડી તાલુકાના ઓરવાડ નીલકંઠ નગરમાં કમ્પાઉન્ડની દિવાલનું કામ પૂરું કરી દિવાલ પર લાગેલા ફાળકા ઉતારતા ગિરીશ નસવંત પટેલ (રહે. પારડી સુખેશ)નો હાથ વીજ લાઈનમાં અચાનક અડી જતા કરંટ લાગ્યો હતો. જે દિવાલ ઉપરથી નીચે પટકાયો હતો. જેને સારવાર માટે પારડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગિરીશ પટેલનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. ઘટના અંગે મૃતકના સંબંધી નરેશ પટેલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મૃતકની લાશને પીએમ માટે ખસેડાતા પારડી સીએચસી હોસ્પિટલ પર ગામના સરપંચ પુનિત પટેલ સહીત અન્ય અગ્રણીઓ દોડી આવ્યા હતા. ઘટનાની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
જંબુસરના નાગેશ્વર તળાવ પાસે ફરવા નીકળેલા ત્રણ મિત્રોમાંથી એકનો પગ લપસતાં ડૂબી ગયો
ભરૂચ: જંબુસર નગરમાં નાગેશ્વર તળાવ પાસે બપોરે દોઢ વાગ્યે ફરવા ગયેલા ત્રણ મિત્રોમાંથી એક એકનો પગ લપસતા ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. ત્રણ પૈકી એક મિત્ર અબ્દુલ અનીસ શેખ (ઉ.વ.૨૦) ડૂબી ગયો ત્યારે બે મિત્રોએ બુમાબુમ કરતા યુવકની શોધખોળ માટે સ્થાનિક લોકો આવ્યા હતા. તેમણે લગભગ એકાદ કલાક સુધી ભારે મહેનત ઉઠાવીને આ યુક્વને બહાર કાઢ્યો હતો. યુવકને જંબુસર જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા તબીબે મૃત જાહેર કર્યો હતો.