ક્રિકેટની રમતના નિર્ણાયકને આપણે અમ્પાયર કહીએ છીએ અને આ સંસારની રમતના અમ્પાયરને આપણે પ્રભુ કહીએ છીએ. ક્રિકેટના અને વિશ્વના અમ્પાયર વચ્ચે ભેદ એ છે કે ક્રિકેટના અમ્પાયરથી નિર્ણય કરવામાં ભૂલ થવાની સંભાવના છે, જ્યારે બ્રહ્માંડના માલિક વિશ્વનિયંતાના અમ્પાયરથી એવી કોઈ ભૂલ થવાની શક્યતા જ નથી. વિશ્વની ન્યાય પરાયણતા અને વિશ્વનિયંતાની ન્યાય પરાયણતા વચ્ચેનું આ અંતર છે. ન્યાય વગર ધર્મ સંભવિત નથી અને સત્ય વગર ન્યાય શક્ય નથી. સત્ય એ ન્યાયનો પાયો છે. ન્યાય એટલે જેનું જે હોય, જેટલું હોય તેટલું અપાવવું. ન્યાયમાં મિત્ર – અમિત્ર સરખા છે. પરિચિત – અપરિચિત સમાન છે. ન્યાયપરાયણતાથી આપણે ઘણાને કટુ લાગશું પણ તેથી આપણે કંઈ નિર્ધન થતાં નથી. સત્ય કદી સંતાતું નથી. અસત્યને જ આડે માર્ગે ફંટાવાની ટેવ છે. ન્યાયનો પોતાનો ધર્મ છે અને તે સનાતન છે.
ક્રિકેટના અમ્પાયરનો નિર્ણય ન્યાયસંગત ન હોય અને તેથી વિપરીત પરિણામ આવે ત્યારે આપણો ગુસ્સો ઈશ્વર – પ્રભુ પર ઢોળીએ છીએ. ત્યારે કહીએ છીએ કે આ જગતમાં ઈશ્વર છે જ ક્યાં? એનું અસ્તિત્વ જ નથી. પણ હકીકતમાં તો આપણી અપેક્ષાનો પડઘો પડ્યો નથી એનું આ પરિણામ છે. અમ્પાયર ન્યાયી અને નિષ્પક્ષ હોવો જોઈએ. એ રમતના ન્યાયનો દેવતા છે. અમ્પાયર પ્રામાણિક અને નિર્ભય પણ હોવો જોઈએ. તે કોઈ પક્ષથી કે પોતાની ટીકાથી ગભરાશે તો સાચો નિર્ણય કરી શકશે નહીં. એક ઈશ્વર જ એવો અમ્પાયર છે જે ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ પણ છે અને અનોખી અને અલૌકિક ન્યાયપરાયણતાનો સુપ્રીમ ન્યાયાધીશ છે. એ તો જેનું જેટલું છે, તેટલું જ તેને આપે છે. કમ્પ્યુટર કરતાં પણ અનેક ગણી ઝડપથી તે આપણા જીવનના કર્મનો હિસાબ કર્યા કરે છે.
જિંદગીમાં અનેક વળાંકો આવવાના. જીવનના ખેલમાં અનેક ક્ષણો એવી આવવાની કે જ્યારે આપણે સત્ય – અસત્યના દ્વિભેટે ઊભા હોઈશું. જો આપણું મન ન્યાયપરાયણ નહીં હોય તો આપણો પક્ષ ખોટો પડશે અને ગમે તે દિશામાં વહી જઈશું. પછી પ્રભુને અન્યાયી કહી દોષ દેવાનો અર્થ નથી. આપણે જ આપણી જાતના ન્યાયાધીશ છીએ. જો આપણી પાસે સંપત્તિ હશે પણ સદ્દગુણ અને ન્યાયપરાયણતા નહીં હોય તો આપણી સંપત્તિનું કોઈ મૂલ્ય નહીં રહે. જે દિવસથી આપણે અન્યાયના માર્ગે વળીશું તે દિવસથી આપણા જીવનના ખેલની નોબત વાગવી શરૂ થઈ જશે.
ન્યાયની પ્રતિષ્ઠામાં માનવતાની પ્રતિષ્ઠા છે પણ આપણે માનવતા જીવતી રહેવા દેવા ઈચ્છીએ છે ખરા? માનવતા પર જ ન્યાયના વિસ્તારની શકયતા રહેલી છે. જગતમાં જે સારું છે એ બધું ન્યાયી છે. જે ખરાબ છે એ ન્યાયના બીજા પલ્લામાં બેસે છે. ન્યાયમાં કોઈ સગાઈ બની શકે છે. આપણે ક્યારેય ન્યાયપરાયણ બનવાનો પ્રયત્ન કર્યો છે ખરો? ન્યાયની પ્રતિષ્ઠા કરવાનો પ્રયત્ન કર્યો છે ખરો? આ પ્રશ્નના જવાબમાં જ આજનું જગત કેવું છે એનો ઉત્તર મળી જાય છે.
જીવન વ્યવહારમાં આપણા સૌને ક્યારેક કોઈ સમયે પણ કોઈ કોઈ બાબતમાં ન્યાયપરાયણતાની ફરજ બજાવવાની આવે છે અને ત્યારે આપણી જાતને પૂછવાનું રહે છે કે આપણે આપણો નિર્ણય સત્યની ધરી પરથી ખસીને તો આપતા નથી? કોઈની શેહમાં આવીને તો આપતા નથી? કોઈને અન્યાય તો કરતા નથી ને? જો આપણે સાચો નિર્ણય આપવો હોય, જો આપણે સાચા અર્થમાં ન્યાયપરાયણ થવા ઈચ્છતા હોઈએ તો આપણો ‘આદર્શ’ વિશ્વનિયંતા પરમ પિતા પરમાત્મા શિવ – સુપ્રીમ ન્યાયધીશ જેવો હોવો જોઈએ. એના પગલામાં પડેલું આપણું પગલું ચોક્કસ નિર્ણયાત્મક હશે – સત્ય હશે અને ન્યાય સંગત હશે. મિત્રો, આપણે જીવનના ખેલમાં ન્યાયપરાયણતા જાળવીએ અને ન્યાયસંગત જ જીવનવ્યવહાર કરીએ અને મિત્રમંડળ – સહપરિવાર માટે પ્રેરણાસ્ત્રોત બનીએ એવી શુભકામના સાથે.