નવી દિલ્હી : ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ (Tokyo Paralympic)માં ગોલ્ડ મેડલિસ્ટ (Gold medalist) ભાલા ફેંક એથ્લેટ સુમિત અંતિલ સહિતના ચાર ભારતીય પેરા ખેલાડીઓ (Para Olympians) શુક્રવારે સ્વદેશ પરત ફર્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરાયું હતું અને એરપોર્ટ (airport) પર મોટી ભીડ એકત્ર થઇ હતી.
સુમિત ઉપરાંત અન્ય ભાલા ફેંક ખેલાડી દેવેન્દ્ર ઝાઝરિયા, ડિસ્ક્સ થ્રો એથ્લેટ યોગેશ કથૂનિયા અને હાઇ જમ્પર શરદ કુમારને એરપોર્ટ પર જ હાર પહેરાવીને તેમજ તેમને પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત (huge welcome) કરવામાં આવ્યું હતું. કેટલાક ચાહકો ઢોલ પણ વગાડતા જોવા મળ્યા હતા. ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલિસ્ટ ભાલા ફેંક એથ્લેટ સુમિત અંતિલ સહિતના ચાર ભારતીય પેરા ખેલાડીઓ શુક્રવારે સ્વદેશ પરત ફર્યા ત્યારે એરપોર્ટ પર તેમની એક ઝલક મેળવવા માટે ચાહકો અને મીડિયા કર્મીઓ વચ્ચે ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઇ હતી. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એવી અરાજકતા જોવા મળી હતી કે જેમાં રમત પ્રેમીઓ અને મીડિયા કર્મીઓએ સોશિયલ ડિસ્ટન્સીંગના લીરા ઉડાડ્યા હતા. મોટાભાગના ચાહકોએ માસ્ક પણ પહેર્યા નહોતા.
પ્રવીણ કુમારે હાઇ જમ્પ ટી64 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો
ભારતના પ્રવીણ કુમારે (Pravin kumar) શુક્રવારે અહીં ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં પુરૂષોની હાઇ જમ્પ ટી64 સ્પર્ધામાં સિલ્વર મેડલ (silver medal) જીત્યો હતો. પોતાની પહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં 2.07 મીટરનો જમ્પ લગાવીને 18 વર્ષના પ્રવીણ એશિયન રેકોર્ડ સાથે બીજા સ્થાને રહ્યો હતો. આ સ્પર્ધામાં બ્રિટનના જોનાથન બ્રૂમ એડવર્ડસે 2.10 મીટરના જ્મ્પ સાથે સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેડલ જીતવાની સાથે પ્રવીણ હાલની ભારતીય ટુકડીમાં પેરાલિમ્પિક મેડલ જીતનારો સૌથી યુવા ખેલાડી બન્યો હતો. 2019માં હાઇ જમ્પની રમત અપનાવ્યા પચી પ્રવીણ માટે આ પહેલો મોટો મેડલ રહ્યો છે અને આ તેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ રહ્યું છે. પ્રવીણે કહ્યું હતું કે જ્યારે મેં બે મીટરનો જમ્પ લગાવ્યો ત્યારે મારો આત્મવિશ્વાસ વધી ગયો હતો, કારણ તે પહેલાનો જમ્પ તેનાથી થોડો ઓછો રહ્યો હતો અને તે પછીનો જમ્પ તેના કરતાં વધારે ઉપર ગયો હતો. આ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ રિયો ગેમ્સના ચેમ્પિયન પોલેન્ડના માસિજ લેપિયાટોએ 2.04ના જમ્પ સાથે જીત્યો હતો.
તિરંદાજી સ્પર્ધામાં ભારતના હરવિન્દર સિંહે બ્રોન્ઝ મેડલ જીત્યો
પેરાલિમ્પિક ગેમ્સની તિરંદાજી (Archery) સ્પર્ધામાં ભારતના હરવિન્દર સિંહે (harvinder singh) બ્રોન્ઝ મેડલ જીતીને આર્ચરી ઇવેન્ટમાં ભારતને પ્રથમ મેડલ જીતાડ્યો હતો. હરવિન્દરે પુરૂષોની રિકર્વ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ માટેના રોમાચંક શૂટઓફમાં કોરિયાના કિમ મિન સૂને હરાવ્યો હતો. આ પહેલા હરવિન્દર 2018ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચુક્યો છે. હરવિન્દરે પ્લેઓફમાં 5-3ની સરસાઇ મેળવી હતી પણ કોરિયન તિરંદાજ પાંચમો સેટ જીતીને આ મેચને શૂટઓફમાં લઇ ગયો હતો. જેમાં હરવિન્દરે પરફેક્ટ ટેનનો શોટ લગાવ્યો હતો, જ્યારે કિમ 8નો જ સ્કોર કરી શક્યો હતો અને તેની સાથે જ સિંહે 6-5 (26-24, 27-29, 28-25, 25-25, 26-27) (10-8)થી જીત મેળવી હતી.
હરવિન્દર સિંહે પહેલા રાઉન્ડમાં ઇટલીના સ્ટેફાનો ટ્રાવિસાનીને શૂટઆઉટમાં 6-5થી હરાવ્યો હતો. સેમી ફાઇનલમાં અમેરિકાના કેવિન માથેર સામે હરવિન્દરનો 4-6થી પરાજય થયો હતો.