અમદાવાદ: તાજેતરમાં જ ગુજરાત (Gujarat) પંચાયત પસંદગી મંડળ દ્વારા વર્ગ-3 જુનિયર ક્લાર્કની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા 29મી જાન્યુઆરી 2023ના રોજ લેવાની હતી, પરંતુ તે જ દિવસે વહેલી સવારે પેપર લીક થઈ જતાં આ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવી પડી હતી. જેને કારણે રાજ્યના અંદાજે 9 લાખથી વધુ યુવાનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ આખીય પરિસ્થિતિ અંગે જવાબદાર કોણ છે ? પ્રશ્નપત્ર સહિતની કામગીરી આઉટસોર્સ એજન્સીને સોંપવાનો નિર્ણય કોનો હતો ? તેવા અનેક સવાલોના જવાબ અંગે રાજ્ય સરકાર મૌન છે.
કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોષીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, જુનિયર ક્લાર્કનું પેપર ફૂટી જવાના મામલે સમગ્ર તપાસમાં જે રીતે પોલીસ કામગીરી ચાલી રહી છે. તેની વિગતો વર્તમાનપત્રોમાં સામે આવે છે. સમગ્ર પેપરલીક કાંડમાં જે જે લોકોની હાલ આરોપી તરીકે પોલીસે ધરપકડ કરેલી છે, તેમાના મોટા ભાગના આરોપીઓ ભૂતકાળમાં ગેરરીતી કે કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું સામે આવી રહ્યું છે. બોર્ડના સભ્ય રાધિકા કચોરીયા જે ભાજપાના પદાધિકારી છે. પેપરલીક ઘટના બાદ તેઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સમગ્ર પરીક્ષાની કામગીરીનું કામ આઉટસોર્સ એજન્સીને આપેલું છે. જે અંગે બોર્ડની જાણમાં હોતું નથી અને ખાનગી હોય છે. ત્યારે સૌથી અગત્યની બાબતો અંગે રાજ્ય સરકારનું મૌન ચિંતાજનક છે
ડૉ. મનીષ દોશીએ કહ્યું હતું કે આ પ્રશ્નોના જવાબો ગુજરાતના લાખો યુવાન-યુવતીઓ જાણવા માંગે છે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાના પ્રશ્નપત્ર પ્રિન્ટીંગ અંગે બોર્ડના કયા પદાધિકારી- અધિકારીએ નિર્ણય કર્યો હતો ?, પ્રન્ટિંગ પ્રેસ પસંદ કરી તેને જુનિયર ક્લાર્કના પેપરની છપામણીના કોન્ટ્રકટ અંગે ખાનગી બાબત હોય તો પછી પેપર લીક કરનાર તત્વોને માહિતી આપનાર કોણ? શું બોર્ડનાં કોઈ અધિકારી- પદાધિકારીની સંડોવણી છે ?, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ખાનગી કામો માટેની એજન્સીની જવાબદારી શું ? તેની સામે ક્યાં પગલા ભરાયા?, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તેના કાયદા મુજબ સંપૂણ સરકારી બોર્ડ છે તો પછી તેની ગુપ્ત-ખાનગી કામગીરી આઉટસોર્સ એજન્સીને સોપવાનો નિર્ણય કોનો હતો?, આ સંજોગોમાં, ગેરરીતિનું મોડલનું પુનરાવર્તન ન થાય, ભરતી પ્રક્રિયામાં રાજ્યના પ્રયત્નોમાં દાખલારૂપ સજા થાય તો જ વારંવાર પેપરલીકની ઘટનાઓ રોકી શકાશે. ગુજરાતના યુવાનોને ન્યાય આપી શકાશે ? તેવા પ્રશ્નો કોંગ્રેસે ઉઠાવ્યા છે.