National

પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ

ઉત્તર પ્રદેશ ભાજપને નવું નેતૃત્વ મળ્યું છે. પંકજ ચૌધરીને સત્તાવાર રીતે ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આજે 14 ડિસેમ્બર રવિવારે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે તેમના નામની ઔપચારિક જાહેરાત કરી.

પંકજ ચૌધરી સામે અન્ય કોઈ ઉમેદવાર મેદાનમાં ન આવતાં તેઓ બિનહરીફ રીતે ચૂંટાયા છે. અગાઉ મીડિયા અહેવાલોમાં તેમની નિયુક્તિની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જેની આજે સત્તાવાર પુષ્ટિ થઈ છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ પંકજ ચૌધરીએ કહ્યું કે “પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તેને હું સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે નિભાવિશ.”

ગોરખપુર બન્યું ભાજપનું શક્તિ કેન્દ્ર
પંકજ ચૌધરીની નિમણૂક સાથે ગોરખપુરનું રાજકીય મહત્વ વધુ વધી ગયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ગોરખપુરના છે અને હવે પ્રદેશ અધ્યક્ષ પણ એ જ વિસ્તારના બનતાં ગોરખપુરને ભાજપનું શક્તિ કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે. આ નિર્ણયને પાર્ટીની વ્યૂહાત્મક ગોઠવણી તરીકે જોવામાં આવી રહ્યો છે.

2027ની ચૂંટણી માટે વ્યૂહરચના
ઉત્તર પ્રદેશમાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તે પહેલાં પાર્ટીએ પંકજ ચૌધરીને રાજ્ય સંગઠનની જવાબદારી સોંપી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ભાજપે યોગી આદિત્યનાથના ‘વિજય રથ’ના સારથી તરીકે પંકજ ચૌધરીની પસંદગી કરી છે. જેથી ચૂંટણી પહેલા જ સંગઠનને મજબૂત બનાવી શકાય.

કુર્મી મતદારો પર ખાસ નજર
પંકજ ચૌધરી કુર્મી સમાજમાંથી આવે છે. જે ઉત્તર પ્રદેશમાં મહત્વપૂર્ણ ઓબીસી જૂથ ગણાય છે. રાજ્યમાં કુર્મી મતદારોની સંખ્યા 8 ટકા કરતા વધુ છે અને આશરે 50 બેઠકો પર તેઓ પરિણામને પ્રભાવિત કરી શકે છે. લોકસભા ચૂંટણીમાં આ વર્ગ ભાજપથી થોડો દૂર થયો હોવાના સંકેતો મળ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને પાર્ટીએ ચૌધરીને આગળ લાવ્યા હોવાનું માનવામાં આવે છે.

લાંબી રાજકીય કારકિર્દી પંકજ ચૌધરીએ મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે રાજકીય સફર શરૂ કરી હતી અને તેઓ સાત વખત સાંસદ રહી ચૂક્યા છે. કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકેનો અનુભવ ધરાવતા ચૌધરી હવે ઉત્તર પ્રદેશ ભાજપનું નેતૃત્વ સંભાળી રહ્યા છે. 2027ની વિધાનસભાની ચૂંટણી તેમની નેતૃત્વ ક્ષમતાની કસોટી બનશે.

Most Popular

To Top