SURAT

તાપી નદીમાં તરતી લાશથી કાપોદ્રામાં ચકચાર

પારિવારિક ઝઘડાથી વ્યથિત મહિલાનું અંતિમ પગલું

સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી, જ્યાં તાપી નદીમાં એક પરિણીત મહિલાનો મૃતદેહ મળતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, મહિલાએ પારિવારિક વિવાદથી વ્યથિત થઈ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

ફાયર વિભાગ પાસે થી મળતી માહિતી મુજબ કાપોદ્રાની આદર્શ સોસાયટીમાં રહેતા 42 થી 45 વર્ષીય મહિલા ગત રોજ મોડી સાંજે ઘરેથી બહાર નીકળ્યા હતા. પરિવારજનોએ શરૂઆતમાં સામાન્ય વાત માની હતી, પરંતુ રાત્રે મોડા સુધી ઘરે પરત ન ફરતા ચિંતા વધી હતી. ત્યારબાદ પરિવારજનોએ આસપાસ તેમજ ઓળખીતાઓમાં તેમની શોધખોળ શરૂ કરી, છતાં કોઈ પતો લાગ્યો નહોતો.

આજે અચાનક બીજા દિવસે કાપોદ્રા બ્રિજ નજીકથી પસાર થતાં લોકોએ તાપી નદીમાં એક મહિલાની લાશ તરતી જોતા તરત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ભારે મહેનત બાદ નદીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. પછી મૃતદેહ પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ મહિલાના સબંધી ઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને મૃતદેહની ઓળખ કરી હતી. સમગ્ર બનાવને લઈને પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મહિલાને ગત રોજ પરિવાર સાથે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો, જેનાથી તેઓ માનસિક રીતે વ્યથિત થઈ ગયા હતા. આ કારણે તેઓ ઘરેથી નીકળી ગયા અને આ ગંભીર પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં કાપોદ્રા પોલીસે ઘટના અંગે કાર્યવાહી શરૂ કરી મૃતદેહનો કબજો ઉત્રાણ પોલીસને સોંપ્યો છે, કારણ કે ઘટનાસ્થળ તેમની હદમાં આવે છે. ઉત્રાણ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top