Editorial

પેન્ડોરા પેપર્સ લીક: હમામમેં સબ નંગે !

પાંચ વર્ષ પહેલા જેણે દુનિયાભરમાં રાજકીય, ઔદ્યોગિક જગત અને જાહેર જીવનમાં ચકચાર મચાવી દીધી હતી તે પનામા પેપર્સ લીક પછી હવે પેન્ડોરા પેપર્સ લીકને કારણે વિશ્વભરમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે.  પત્રકારોના એક વિશાળ આંતરરાષ્ટ્રીય સમૂહે દુનિયાના વિવિધ દેશોના ધનવાનો કરચોરી કરવા માટે કેવી કેવી તરકીબો અજમાવે છે અને પોતાના દેશમાં વેરા ભરવાની જવાબદારીમાંથી છટકીને પોતાના નાણા અને કાળી  કમાણી કઇ રીતે દુનિયાના કેટલાક ટેક્સ હેવન ગણાતા દેશોમાં મોકલી દે છે તેની વિગતો બહાર આણી છે.

આ ટેક્સ હેવન કહેવાતા દેશો ખરા અર્થમાં કરચોરો અને કાળી કમાણીવાળા લોકો માટે સ્વર્ગ સમાન પુરવાર થાય છે,  જ્યાં દુનિયાભરના રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ તથા અન્ય ઘનાઢ્યો પોતાની ભ્રષ્ટાચાર કે ગેરરીતિથી કમાયેલ મિલકતો કે પછી કર ભર્યા વિનાની સંપત્તિ સંતાડી રાખે છે. આવા લોકોને આવા કાર્યોમાં સગવડ કરી આપતી  કેટલીક સલાહકાર કંપનીઓ પણ આ ટેક્સ હેવન દેશોમાં ચાલે છે અને આવી કંપનીઓના દસ્તાવેજો ભારે મહેનતથી મેળવી લઇને અને તેની વિગતો લીક કરીને આ પત્રકારોએ આવા બધા ગોરખધંધાઓનો પર્દાફાશ કર્યો છે. 

સંશોધનાત્મક પત્રકારોના એક આંતરરાષ્ટ્રીય જૂથ (આઇસીઆઇજે) દ્વારા એક વર્ષના સંશોધન પછી આ સંખ્યાબંધ દસ્તાવેજો મેળવવામાં આવ્યા છે જેનાથી દુનિયાના કરમુક્ત દેશો તથા અન્ય કેટલાક દેશોમાં કાયદાઓની છૂટછાટો  અને છટકબારીઓના લાભ લઇને કરવામાં આવેલા નાણાકીય વ્યવહારો અને તે રીતે પોતાના દેશમાં કર ભરવામાંથી છટકવા માટે ધનાઢ્યો દ્વારા કરવામાં આવેલી ચાલાકીઓનો પર્દાફાશ થઇ રહ્યો છે. આ દસ્તાવેજો અત્યાર  સુધીના સૌથી દળદાર દસ્તાવેજો છે અને પનામા પેપર્સ કરતા પણ તેમનું દળ વધારે છે. 

આ પેપર્સ લીકમાં ૩૦૦ જેટલા ભારતીયોના નામ બહાર આવ્યા છે, તો દુનિયાભરના અનેક દેશોના અનેક ધનાઢ્યોના નાણાકીય વ્યવહારો બહાર આવ્યા છે. આ પેન્ડોરા પેપર્સ લીકમાં વિશ્વના જે મોટા નામો બહાર આવ્યા છે તેમાં  જોર્ડનના રાજા, ઝેક રિપબ્લિકન દેશના વડાપ્રધાન ઉપરાંત યુક્રેઇન, કેન્યા અને ઇક્વેડોરના પ્રમુખો તથા ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેરના નામોનો સમાવેશ થાય છે. આ યાદીમાં ૩૦૦ કરતા વધુ ભારતીયોના નામો છે.

પેન્ડોરા પેપર્સમાં અત્યાર સુધીમાં જે ભારતીયોના નામો બહાર આવ્યા છે તેમાં અનિલ અંબાણી, વિનોદ અદાણી, જેકી  શ્રોફ, કીરણ મઝમુદાર શો, નીરા રાડિયા, સચિન તેંડુલકર, સતીશ શર્મા તથા અન્ય કેટલાકનો સમાવેશ થાય છે. જેમના નામો આ લીક થયેલા દસ્તાવેજોમાંથી બહાર આવ્યા છે તેમાંના ઘણાએ પોતે કોઇ પણ નાણાકીય ગેરરીતી  કરી હોવાનો ઇન્કાર કર્યો છે.

સ્વાભાવિક રીતે આ લોકો પોતે કશું ખોટું કર્યું હોવાનો ઇન્કાર કરે જ, જો કે એ પણ હકીકત છે કે વિદેશોમાં નાણા રોકનાર કંઇ બધા જ કરચોર કે કાળી કમાણીવાળા નથી હોતા, પણ વિદેશોમાં  બનાવટી કંપની કે ટ્રસ્ટો સ્થાપવાની પ્રવૃતિ શંકા જન્માવે જ, અને આવી રીતે રોકાણ કરનારાઓ મોટાભાગના લોકોના આ નાણાકીય વ્યવહારો શંકાસ્પદ જ જણાય છે. ભારતના ક્રિકેટ ચાહકોને મોટો આંચકો લાગે તેવી વાત છે  પણ  દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, કે જે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાનો સભ્ય પણ રહી ચુક્યો છે તેનું નામ પણ પેન્ડોરા પેપર્સમાં બહાર આવ્યું છે.

પેન્ડોરા પેપર્સની વિગતો દર્શાવે છે કે સચિન તેંડુલકર, તેની  પત્ની અંજલી મહેતા અને અંજલીના પિતા એટલે કે સચિનના સસરા આનંદ મહેતા બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ પરની એક કંપનીના લાભાર્થી માલિકો હતા, જે કંપની ૨૦૧૬માં પનામા પેપર્સ લીક પછી સંકેલી લેવામાં આવી હતી.  પનામાની કાયદા કંપની અલ્કોગલના દસ્તાવેજમાંથી આ માહિતી બહાર આવી છે. સચિને પણ જો ખરેખર કરચોરીના ઇરાદે આવું કર્યું હોય તો તે ખૂબ આઘાત જનક બાબત છે.  સામાન્ય નાગરિકોને તો એમ જ લાગે કે  સ્નાનાગારમાં બધા નગ્ન થાય તેમ દુનિયાના તમામ ધનવાનો આવી ગેરરીતિઓ જ કરતા હશે?

કરવેરા મુક્ત વ્યવસ્થા ધરાવતા દુનિયાના કેટલાક નાના દેશો, જેમને કર સ્વર્ગ કે ટેક્સ હેવન કહેવામાં આવે છે ત્યાં દુનિયાભરના ધનિકો બનાવટી ધંધાઓ દ્વારા પોતાના નાણા રાખે છે અને પોતાના દેશમાં કરચોરી કરે છે આને  કારણે દુનિયાભરની સરકારોને વર્ષે ૪૨૭ અબજ ડૉલર જેટલું નુકસાન થાય છે એમ અધિકાર જૂથ ઓક્સફામે આપેલી માહિતી પરથી જાણવા મળે છે. તેની ભારતીય પાંખ ઓક્સફામ ઇન્ડિયાએ દુનિયાભરના આવા ટેક્સ હેવનોનો  નાશ કરવા માગણી કરી છે અને તેની આ માગણી બિલકુલ યોગ્ય જ છે.

પણ વિશ્વમાંથી આવા ટેક્સ હેવન નષ્ટ થઇ શકતા નથી તે એક કઠોર વાસ્તવિકતા છે. પેન્ડોરા પેપર્સના એક દસ્તાવેજ પરથી માહિતી મળે છે કે વિશ્વની  અનેક બેન્કોએ અલેમ્ન, કોર્ડિયો, ગાલીન્ડો, લી, અલ્કોગલ જેવી કાયદા કંપનીઓના નામે ચલાવાતી પેઢીઓની મદદથી તેમના ધનવાન ગ્રાહકો માટે વિદેશોમાં ઓછામાં ઓછી ૩૯૨૬ ઓફશોર કંપનીઓ સ્થાપી આપી છે. એટલે કે  વિશ્વની અનેક મોટી બેન્કો પણ આડકતરી રીતે આવા ગોરખધંધાઓમાં સંડોવાયેલી છે.

આવા કૃત્યોમાં સહાય કરતી અલ્કોગલ કંપનીનું મૂળ નામ ધ લૉ ફર્મ છે અને તે એક પનામીયન કંપની છે અને પનામાના અમેરિકા ખાતેના  એક ભૂતપૂર્વ રાજદૂત તેનું સંચાલન કરે છે! આવી કંપનીઓ ન્યૂઝીલેન્ડ, ઉરુગ્વે અને યુએઇ સહિતના એક ડઝન દેશોમાં પોતાની એફિલિયેટેડ ઓફિસો ધરાવે છે. ધનવાનોને લોભને થોભ નથી, કાળી કમાણી ધરાવનારાઓએ  પોતાની કમાણી સલામત સ્થળે સંતાડી રાખવી છે અને આવી સલાહકાર કંપનીઓનો ધંધો ધમધોકાર ચાલે છે.

Most Popular

To Top