સુરત: પલસાણા તાલુકાના ખેતી અધિકારી તરીકે ફરજ બજાવતા વિવેક મેતલીયા તથા તેમની ટીમના અન્ય અધિકારીઓ સાથેની સંયુકત સ્કવોડ ટીમ દ્વારા તાા:28/09/2022ના રોજ પલસાણા તાલુકાની તાંતીથૈયા ગામના પ્લોટ નંબર: 146/A ખાતે આવેલી રઘુકુલ ટેક્ષપ્રિન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડની આકસ્મિક મુલાકાત લેતા ખુલ્લી જગ્યામાં અલગ-અલગ થેલીઓની વચ્ચે ટેક્નિક્લ ગ્રેડ યુરીયાની થેલીઓ જોવા મળી હતી. જે શંકાસ્પદ યુરિયાનો જથ્થો હોવાનું માલુમ પડતા આ બાબતે હાજર વ્યક્તિ પ્રભુનાથ સિંઘની પુછપરછ કરતા તેઓએ આ ગુણો કડોદરાની મારૂતિ કેમિકલ, તિરૂપતિ બાલાજી ઈન્ડ્ર.માંથી ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું.
સ્થળ પર ઉપલબ્ધ 50 કિલોગ્રામ વાળી 18 બેગના જથ્થામાંથી પુથ્થકરણના માટે જરૂરી નમુનાઓ લેવામાં આવ્યા હતા. જે નમુનાઓ બારડોલી ખાતેની ખાતર ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા હતા. જયાં તા.5/10/2022ના રોજ નમુનામાં નીમ ઓઇલ કન્ટેન્ટનું પ્રમાણ 0.035 ટકા હોવાનું સાબિત થયું હતું. જેથી શ્રી રધુકુળ ટેક્ષ પ્રિન્ટસ પ્રા.લિ., શ્રી મારૂતી કેમિકલ તાથ તિરૂપતી બાલાજી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટને નોટીસો આપવામાં આવી હતી.
આ ઈન્ડસ્ટ્રીઝોએ યુરિયાનો જથ્થો સાંઈ કેમિકલ પાસેથી ખરીદી કરી હોવાનું જણાવ્યું હતું. તેમજ ઈન્ડસ્ટ્રીઝો દ્વારા નમુનાની ફેરચકાસણી અંગેની અપીલ કરતા ખેતી નિયામક, ગાંધીનગર ખાતે નમુનાઓ મોકલવામાં આવ્યા હતા. જયાંથી નમુનાઓ મહારાષ્ટ્રના ઔરગાબાદ મોકલવામાં આવ્યા હતા. જે ફેરચકાસણીના અહેવાલોમાં પણ સરકારની સબસીડીયુકત ખેતવપરાશનું નીમ કોટેડ યુરિયા ખાતર હોવાનું પ્રસ્થાપિત થયું હતું. જેથી પલસાણાના ખેતી ખધિકારી મેતલીયાએ તા.18/08/2023ના રોજ પલસાણા પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા એકબીજાના મેળાપીપણામાં સરકારના સબસીડીયુકત ખેતવપરાશનું નીમ કોટેડ યુરિયાનો ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક વપરાશ કે સપ્લાય કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી.
પલસાણાના ખેતી અધિકારીએ પલસાણાની રઘુકુલ ટૈક્ષપ્રિન્ટ્સ પ્રા. લિ., ખાતરનો જથ્થો આપનાર કડોદરાની મારૂતિ કેમિકલ, શ્રી તિરૂપતી બાલાજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના જવાબદાર ગોપાલ બાલાપ્રસાદ પર્ટ તથા ખાતર જથ્થો આપનાર સુરત શહેરના અડાજણ વિસ્તારની શ્રી સાંઈ કેમિકલ્સ જવાબદાર વ્યક્તિ ભૂપેન્દ્ર હરીલાલ ગાંધી તેમજ ઉધના વિસ્તારની રાણા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના જવાબદારો વિરૂધ્ધમાં પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.