સુરત: જીલ્લા પોલીસની (Police) હદમાં પાસોદરામાં ગ્રીષ્માની હત્યાના (Murder) કેસની શાહી હજી સુકાઈ નથી ત્યાં આજે એક પરિણીતાનો પ્રેમીના ત્રાસથી અગ્નિસ્નાન અને પલસાણામાં 9 વર્ષની બાળકી સાથે ગેંગરેપ બાદ હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. બાળકીના પોસ્ટમોર્ટમ (Postmortam) કરાવવા માટે પોલીસે રાત્રે 3 વાગે ફોરેન્સિક વિભાગના ડોક્ટરને પીએમ કેટલા વાગે ચાલું થશે તે પુછવા ફોન કર્યો હતો.
મળતી માહિતી મુજબ, પલસાણા ખાતે ગઈકાલે રાત્રે 9 વર્ષની બાળકી સાથે ગેંગરેપ બાદ હત્યા થયાની ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા છે. હજી ગ્રીષ્માના હત્યાની શાહી સુકાઈ નથી ત્યાં આજે જિલ્લા પોલીસની હદમાં વધુ બે ઘટનાઓ સામે આવી છે. જેમાં એક પરિણીતાએ પ્રેમીના ત્રાસથી આપઘાત કર્યાની ઘટના અને એક 9 વર્ષની બાળકી સાથે રેપ બાદ હત્યાની ઘટના સામે આવી છે. બાળકીની હત્યા બાદ પલસાણા પોલીસે રાત્રે 3 વાગે નવી સિવિલના ફોરેન્સિક વિભાગના વડાને ફોન કર્યો હતો. અને પોસ્ટમોર્ટમ કેટલા વાગ્યાથી શરૂ થશે એટલું પુછીને ફોન કટ કરી નાખ્યો હતો. પોસ્ટમોર્ટમ સવારે સુર્યોદય સાથે શરૂ થઈ જાય છે તેમ છતાં પલસાણાની આળસુ પોલીસે છેક બપોરે એક વાગે એટલે કે 23 કલાક પછી કાગળ નવી સિવિલ હોસ્પિ.માં રજૂ કર્યા હતા. જ્યારે બાળકીનો મૃતદેહ રાત્રે અઢી વાગે પોસ્ટમોર્ટમમાં મુકાયો હતો.
આટલા સમયમાં પુરાવા નાશ થવાની શક્યતા
બાળકીની હત્યાના કલાકો પછી મૃતદેહ નવી સિવિલમાં મુકાયો હતો. અને મૃતદેહ પીએમાં મુક્યાના 23 કલાક પછી પોસ્ટમોર્ટમ કરાયું હતું. એટલે કે કલાકો વિતી ગયા પછી પોસ્ટમોર્ટમ થતા આ પ્રકારના કેસમાં પુરાવા નાશ થવાની શક્યતા રહે છે. જિલ્લા પોલીસની આ હદે બેદરકારીને લીધે પોસ્ટમોર્ટમમાં જો પુરાવાના નાશ થાય તો બાળકી સાથે અન્યાય થઈ શકે છે.
બાળકીના ગળા પર ઇજાના નિશાન, મોઢું અને ગળું દબાવવાથી મોત
ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં બાળકીના ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે. બાળકીનું મોત ગળું, નાક અને મોઢું દબાવાથી થયું હોવાનું તબીબોનું પ્રાથમિક તારણ છે. બાળકીના ગુપ્તભાગે પણ ઇજાના નિશાન મળી આવ્યા છે. બાળકી સાથે ગેંગરેપ થયો છે કે કેમ તે અંગે ડીએનએ સેમ્પલ લેવાયા છે તથા અન્ય કેમિકલ ટેસ્ટ માટે મોકલ્યા હોવાનું ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું.
પોલીસ ગંગાધરા હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરને સ્થળ પર લઈ ગઈ
પલસાણા પોલીસ બીજી રીતે પણ હાસ્યાસ્પદ બની છે. ઘટના બન્યા બાદ પોલીસ રાત્રે ગંગાધરા હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરને કાગળો વગર જ સ્થળ પર લઈ ગઈ હતી અને ત્યાંથી મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિ.માં રિફર કરાવવા માટે કહ્યું હતું. પોલીસના આ વર્તનથી તબીબોમાં રોષ જોવા મળ્યો છે.