પલસાણા: પલસાણાના બલેશ્વર (Palsana Balleshwar Village) ગામમાં ફરી પોલ્યુશનને (Pollution) લઇને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ ગ્રામજનોએ તેમની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો આંદોલન કરી શકે તેવી સ્થિતી ઉભી થઈ છે.
- પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઢીલી નીતીના કારણે ફરી ગામમાં એર પોલ્યુશનનું જોર વધ્યું હોવાની ગ્રામજનોની ફરિયાદ
- ગ્રામજનોમાં કેન્સર, ફેફસાં તેમજ શરદી, કફ જેવી અન્ય બિમારીનું પણ પ્રમાણ વધ્યું
બલેશ્વર ગામના રહેવાસીઓની ફરિયાદ છે કે, આ વિસ્તારની મિલોમાં (Dyeing Mill) રાત્રિના સમયે કોલસાની જગ્યાએ કચરો તેમજ લાકડાઓ બાળવાથી બલેશ્વર તેમજ પલસાણા ગામના મકાનોમાં કોલસાની રજકણો આવવાથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થયું છે. તેમજ ઘરોના ઇલેકટ્રોનિક સાધનોને પણ નુકશાન થઈ રહ્યું છે.
પલસાણાના બલેશ્વર ખાતે આવેલી કેટલીંક ડાઇંગ મિલો દ્વારા રાત્રિના સમયે બોઇલરમાં કચરો સળગાવવામાં આવે છે. તેમજ ઘણી મિલોમાં લાકડાઓ અને બગાસ સળગાવવાથી બલેશ્વર-પલસાણાના મકાનોમાં કોલસાની રાજકરણો ઉડે છે. રોજ સવાર પડેને ઘરમાંથી મહિલાઓને ધ્વરા સેકડો રજકણો બહાર કાઢવી પડે છે.
તેમજ આ ગામોના લોકોના સ્વાસ્થને પણ મોટું જોખમ જોવા મળી રહ્યું છે. અહીંની કેટલીક ડાઇંગ મિલોમાં રાત્રે કોલસાની જગ્યાએ કચરો સળગાવવાથી પલસાણા અને બલેશ્વર ગામમાં કેન્સર, ફેફસાં તેમજ શરદી, કફ જેવી અન્ય બિમારી પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે.
પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઢીલી નીતી
અગાઉ બલેશ્વરની પર્યાવરણ બચાવ સમિતિ દ્વારા આ દિશામાં ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન થોડા સમય માટે મીલ માલીકો દ્વારા લાકડા અને કચરાની જગ્યાએ કોલસાનો ઉપયોગ કરાયો હતો. પરંતુ હાલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઢીલી નીતીના કારણે ફરી ગામમાં એર પોલ્યુશનનું જોર વધ્યું છે. જે અંગે બલેશ્વર ગ્રામ પંચાયત તેમજ ગ્રામજનો દ્વારા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મહિલા અધિકારીને ફરીયાદ કરવામાં આવી છે. તેમ છતાં કોઇ યોગ્ય પગલા લેવાયા નથી.
તેમજ ગામના લોકોનું કહેવું છે કે, હવે આ મહિલા અધિકારી ફોન લેવાનું પણ ટાળતા થઇ જવાથી બલેશ્વરની હાલત ઘણી જ ખરાબ થઇ જવા પામી છે. સુરત જિલ્લાના પર્યાવરણ મંત્રી હોવા છતાં બલેશ્વ૨-પલસાણાના ગામજનોને પોલ્યુશન બાબતે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય એ પણ દુ:ખદ વાત કહેવાય તેમ છે. ત્યારે પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ પોલ્યૂશન ઓકતી ડાઇંગ મીલો સામે પગલાં લે એ જરૂર છે નહીં તો ફરી આ ગ્રામજનો આંદોલનનો માર્ગ અપનાવશે?