પાકિસ્તાનની વિમુખી નીતિ આજે ચર્ચાનો વિષય બની છે. એક તરફ, પાકિસ્તાને માત્ર એક દિવસ પહેલાં અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે લોબિંગ કર્યું હતું, તો બીજી તરફ આજે તે ઈરાનના સમર્થનમાં ઊતરીને અમેરિકાના પરમાણુ હુમલાની કડક નિંદા કરી રહ્યો છે.
ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાના પ્રવેશથી મધ્ય પૂર્વમાં અશાંતિ વધી ગઈ છે. અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ મથકો પર હુમલા કર્યા છે. આ દરમિયાન, પાકિસ્તાને ઈરાનના પરમાણુ મથકો પર કરેલા અમેરિકાના હુમલા પર નિંદા કરી છે.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાન ઈરાન સાથે તેની સરહદ ધરાવે છે. પાકિસ્તાન ઈરાન સાથે લગભગ 900 કિ.મી લાંબી સરહદ ધરાવે છે. પાકિસ્તાને ઈઝરાયલ અને ઈરાનનું આ યુદ્ધ શક્ય તેટલું જલ્દી સમાપ્ત કરવા હાકલ પણ કરી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે લશ્કરી સંઘર્ષ નહીં, પણ રાજદ્વારી જ શાંતિનો એકમાત્ર રસ્તો છે.
ટ્રમ્પ માટે નોબેલની માંગ: પાકિસ્તાને એક દિવસ પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે લોબિંગ કર્યું હતું. પાકિસ્તાન સરકારે 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.
પાકિસ્તાન સરકારે કહ્યું હતું કે જે રીતે ટ્રમ્પે 2025માં ભારત સાથેના યુદ્ધને રાજદ્વારી હસ્તક્ષેપ અને મહત્વપૂર્ણ નેતૃત્વ દ્વારા ઉકેલ્યું હતું, તે જોતાં નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામ પ્રસ્તાવિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પડોશી દેશે કહ્યું હતું કે ટ્રમ્પના પ્રયાસોને કારણે જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો, જેના કારણે યુદ્ધનો મોટો ખતરો ટળી ગયો. આ કારણે, ટ્રમ્પ જ નોબેલ શાંતિ પુરસ્કારના ખરા હકદાર છે.
અમેરિકા સામે તીખો પ્રતિસાદ: તે જ સમયે, જ્યારે અમેરિકાએ ઈરાનના ત્રણ મુખ્ય પરમાણુ મથકો પર હુમલાઓ કર્યા, ત્યારે પાકિસ્તાને આ કાર્યવાહીની નિંદા કરતાં કહ્યું કે “આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન થયું છે અને ઈરાનને પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.” પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે ટ્વિટ કરીને મધ્ય પૂર્વમાં સર્જાયેલી અશાંતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને યુદ્ધના ભયંકર પરિણામોની ચેતવણી આપી છે.