નવી દિલ્હી: ભારતની (India) લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections) પાડોશી દેશ પાકિસ્તાન પણ ખુબ રસ લઇ રહ્યો છે. પરંતુ ચૂંટણી દરમિયાન પાકિસ્તાનનું વિપક્ષી નેતાઓને સમર્થન એક મોટો રાજકીય મુદ્દો બની ગયો છે. કારણકે પાકિસ્તાની પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી (Fawad Chaudhary) વારંવાર વિપક્ષના સમર્થનમાં વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. ત્યારે ફરી એક વાર ફવાદ ચૌધરીએ એક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદી વિરુધ્ધ એક નિવેદન આપ્યુ છે.
પાકિસ્તાનની ઈમરાન સરકારમાં મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરીએ બુધવારે 29 મે ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. અગાઉ PM મોદીએ ફવાદ ચૌધરીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય વિપક્ષી નેતાઓના વખાણ પર નિવેદન આપ્યું હતું. પીએમ મોદીના નિવેદનનો જવાબ આપતા ફવાદ ચૌધરીએ કહ્યું કે નરેન્દ્ર મોદી અને તેમની કટ્ટરપંથી વિચારસરણીને હરાવવી ખૂબ જ જરૂરી છે. આ સાથે ફવાદ ચૌધરીએ રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ અને મમતા બેનર્જીને લોકસભા ચૂંટણીમાં જીત માટે શુભેચ્છા પાઠવી હતી.
‘પાકિસ્તાનમાં ભારત માટે નફરત નથી’- ફવાદ ચૌધરી
ફવાદ ચૌધરીએ કહ્યું કે કાશ્મીરના મુસ્લિમો હોય કે બાકીના ભારતના, તેઓ હાલમાં કટ્ટરવાદી વિચારધારાનો સામનો કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી ચૂંટણીમાં પરાજિત થાય તે ખૂબ જ જરૂરી છે અને પાકિસ્તાનમાં દરેક વ્યક્તિની આ જ ઈચ્છા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ત્યારે જ સુધરી શકે છે જ્યારે ઉગ્રવાદ ઘટશે. પાકિસ્તાનમાં ભારત પ્રત્યે નફરત નથી. પરંતુ, ત્યાં આરએસએસ અને ભાજપનું ગઠબંધન પાકિસ્તાન અને મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવી રહ્યું છે. ત્યારે આવી વિચારધારાના લોકોને હરાવવાની આપણી ફરજ છે.
‘PM મોદીને હરાવનારને મારી શુભકામનાઓ’
ફવાદ ચૌધરીએ વધુમાં કહ્યું કે, હું સમજું છું કે ભારતના મતદારો મૂર્ખ નથી. ભારતીય મતદારોને નરેન્દ્ર મોદીને હરાવવામાં ફાયદો છે. પાકિસ્તાન સાથે સારા સંબંધો માટે અને ભારતને એક વિકસિત દેશ તરીકે આગળ વધવા માટે નરેન્દ્ર મોદી અને તેમની કટ્ટરવાદી વિચારસરણીને હરાવવી ખૂબ જ જરૂરી છે. જે નેતા તેમને હરાવે, પછી તે રાહુલ હોય, કેજરીવાલ હોય કે મમતા બેનર્જી હોય, અમારી શુભેચ્છાઓ તેમની સાથે જ છે.
‘જે ભાજપને હરાવશે તે વિશ્વભરમાં સન્માન મેળવશે’
ફવાદ ચૌધરીએ આગળ કહ્યુ, ‘પાકિસ્તાનના સ્થાપકોએ ભારતમાં રહેતા મુસ્લિમોના અધિકારો માટે ઊભા રહેવાનું વચન આપ્યું હતું. પરંતુ, દુર્ભાગ્યપૂર્ણ છે કે પાકિસ્તાન સરકાર પોતાની ભૂમિકા નિભાવી રહી નથી. તેમજ ભારતમાં આરએસએસ અને ભાજપની નફરત અને ઉગ્રવાદની સાંઠગાંઠને હરાવવાની છે અને જે પાર્ટી મોદીને હરાવશે તે પાર્ટી વિશ્વભરમાં સન્માન મેળવશે.