National

પાકિસ્તાનની સ્કૂલોના અભ્યાસક્રમમાં તાજેતરના ભારત-પાક યુદ્ધનો સમાવેશ, ભારત વિશે આ લખ્યું..

પાકિસ્તાન જુઠ્ઠાણાં માટે કુખ્યાત છે. ભારત પર અવારનવાર વૈશ્વિક સ્તરે ખોટા આક્ષેપો કરતું રહે છે, પરંતુ હવે તો પાકિસ્તાને હદ વટાવી છે. પાકિસ્તાન પોતાના દેશની નવી પેઢીના મનમાં ભારત માટે ઝેર ભરી રહ્યું છે. પાકિસ્તાન પોતાની સ્કૂલોમાં બાળકોને ભણાવાતા અભ્યાસ્ક્રમમાં તાજેતરમાં ભારત-પાક વચ્ચે થયેલા સંઘર્ષના પાઠનો સમાવેશ કર્યો છે, જેમાં ભારતને આક્રમણકારી તરીકે ચિતરવામાં આવ્યું છે.

પાકિસ્તાન ભારત માટે નવા-નવા ખોટા નિવેદનો આપતું રહે છે. જોકે આ વખતે તો તમામ હદ વટાવી દીધી છે. પાકિસ્તાનએ પોતાના સ્કૂલ પુસ્તકોમાં ભારત સાથેના તાજેતરના પહેલગામના ઓપરેશન સિંદૂરના સંઘર્ષને ખોટી રીતે રજૂ કર્યો છે. આ પુસ્તકોમાં પાકિસ્તાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ભારતે અચાનક યુદ્ધ શરૂ કર્યું અને પાકિસ્તાને મોટું નુકસાન પહોંચાડ્યું. જોકે હકીકતમાં ભારતે ફક્ત આતંકવાદી હુમલાના જવાબમાં ચોક્કસ લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા.

પાકિસ્તાને તેના શૈક્ષણિક અભ્યાસક્રમમાં ભારત વિરુદ્ધ પ્રચાર શરૂ કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મે 2025માં થયેલા ચાર દિવસના યુદ્ધ અંગે પાકિસ્તાની સ્કૂલોમાં નવા પાઠ ઉમેરવામાં આવ્યા છે. જેમાં ભારતને આક્રમણકારી તરીકે દર્શાવાયું છે.

પાકિસ્તાની દાવા અને હકીકતો

દાવો 1: ભારતે યુદ્ધ શરૂ કર્યું હતું
પાકિસ્તાની પુસ્તકોમાં લખાયું છે કે ભારતે તા. 7 મે 2025ના રોજ કોઈ કારણ વિના હુમલો કર્યો અને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ખોટો આરોપ પાકિસ્તાન પર મૂક્યો.

હકીકત: તા. 22 એપ્રિલ 2025ના રોજ પાકિસ્તાની આતંકવાદીઓએ પહેલગામમાં 26 ભારતીય નાગરિકોની હત્યા કરી હતી. તેના જવાબમાં ભારતે તા.7 મે 2025ના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને આતંકવાદી સંગઠનોના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. ભારતે નાગરિક વિસ્તારો કે લશ્કરી બેઝને ટારગેટ કર્યા નહોતા.

દાવો 2: પાકિસ્તાને ફક્ત લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા
પાકિસ્તાની સૈન્યએ બહાદુરી સાથે જવાબ આપ્યો. પાકિસ્તાને ભારતીય કાશ્મીરમાં ચાર રાફેલ જેટ તોડી પાડ્યા અને અનેક લશ્કરી સ્થાપનોનો નાશ કર્યો.

હકીકત: પાકિસ્તાને બદલો લેવા માટે ડ્રોન હુમલાઓ કર્યા હતા. જેમાં અમૃતસર, જમ્મુ, શ્રીનગર સહિતના નાગરિક વિસ્તારો નિશાન બન્યા હતા. ભારતે તરત જ લાહોરની HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ તથા સિયાલકોટ અને ઇસ્લામાબાદમાં સ્થિત ઠેકાણાઓને નાશ કરીને વળતો જવાબ આપ્યો.


દાવો 3: પાકિસ્તાને ભારતીય એરબેઝ ઉડાવી દીધા
પુસ્તકોમાં લખાયું છે કે ઓપરેશન બન્યાન-ઉન-માર્સૂસ હેઠળ પાકિસ્તાને 26 સ્ટ્રેટેજિક ભારતીય ઠેકાણાઓને નષ્ટ કર્યા.

હકીકત: પાકિસ્તાને હુમલો કર્યો હતો પરંતુ ભારતે મુરીદકે, નૂરખાન, રફીકી, સરગોધા, ચકલાલા અને રહીમ યાર ખાન એરબેઝ પર પ્રતિકાર કર્યો અને રાવલપિંડી સ્થિત સૈન્ય મુખ્ય મથકને પણ નિશાન બનાવ્યું. મોટાભાગના પાકિસ્તાની હુમલા ભારતીય એર ડિફેન્સ દ્વારા નિષ્ફળ બનાવાયા હતા.

દાવો 4: ભારતે યુદ્ધવિરામ માગ્યું
પુસ્તકોમાં લખાયું છે કે ભારે નુકસાન બાદ ભારતે યુદ્ધવિરામની વિનંતી કરી અને પાકિસ્તાને તેને સ્વીકાર્યો.

હકીકત: અમેરિકાના મધ્યસ્થી પ્રયાસો છતાં પીએમ મોદીએ કહ્યું કે ભારત કોઈ દબાણમાં નથી. બાદમાં પાકિસ્તાન પોતે હુમલા રોકવા તૈયાર થયું અને બંને દેશોના લશ્કરી અધિકારીઓ વચ્ચેની સીધી વાતચીત બાદ યુદ્ધવિરામ થયો.

દાવો 5: અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવાયા
પુસ્તકોમાં પાકિસ્તાની સેનાના વડા અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ પદ પર બઢતી અપાવવાનું ગૌરવ ગણાવાયું છે.

હકીકત: આ બઢતી વધુ રાજકીય અને પ્રચાર આધારિત હતી. તેનો હેતુ પાકિસ્તાનની હારને છુપાવીને જનતામાં જીતનો સંદેશ પહોંચાડવાનો હતો.

ભારતે તમામ પાકિસ્તાની જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કર્યો.
તા. 12 મેના રોજ ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સેટેલાઇટ તસવીરો અને વીડિયોઝ દ્વારા સાબિત કર્યું કે હુમલા ફક્ત આતંકવાદી ઠેકાણાઓ પર જ થયા હતા. ભારતે પાકિસ્તાની જુઠ્ઠાણાઓનો ખુલ્લો પર્દાફાશ કર્યો.

Most Popular

To Top