World

ઇમરાનને છૂટ સામે પાક. સરકાર પોતે સુપ્રીમ સામે ધરણા પર!

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના (Pakistan) ભૂતપૂર્વ વડાપ્રધાન (PM) ઇમરાન ખાનની (Imran Khan) ધરપકડ અને તેમની સામેની કાર્યવાહીના વિરોધમાં ઇમરાન ખાનના ટેકેદારો અને તેમની તેહરીકે ઇન્સાફ પાર્ટીના કાર્યકરો કેટલાક દિવસથી વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે ત્યારે હવે ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મળેલ કેટલીક રાહતના વિરોધમાં આજે પાકિસ્તાનના શાસક ગઠબંધનના પક્ષોના નેતાઓ અને આ ગઠબંધનના ટેકેદારો પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની બહાર ધરણા પર બેઠા હતા.

સર્વોચ્ચ અદાલત દ્વારા ઇમરાન ખાનને જામીન આપ્યા અને કેટલાક સમય માટે ધરપકડ સામે રક્ષણ આપ્યું, તેવા રાહતના પગલાઓના વિરોધમાં આજે પાકિસ્તાનના મુખ્ય શાસક પક્ષો પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ(પીએમએલ-એન) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(પીપીપી)ના નેતાઓ તથા જમિયત ઉલમાએ ઇસ્લામ-ફઝલ (જેયુઆઇ-એફ)ના નેતાઓ આજે સુપ્રીમ કોર્ટ બિલ્ડિંગની સામે ધરણા પર બેઠા હતા. પીએમએલ-એનના નેતા અને ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પુત્રી મરિયમ નવાઝ તથા જમિયતે ઉલમા-એ-પાકિસ્તાનના વડા મૌલાના ફઝલુર રહેમાન સહિતના નેતાઓ ધરણા પર બેઠા હતા.

પીપીપીના નેતા અને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ ધરણા પર બેસવાના હતા પરંતુ તેમને આવું નહીં કરવા પક્ષ તરફથી સલાહ અપાઇ હતી અને તેમને સ્થાને પક્ષમાંથી પક્ષના એક નેતા નિસાર ખોરો ધરણા પર બેઠા હતા. પાકિસ્તાનના શાસક ગઠબંધન પીડીપીમાં ૧૩ પક્ષો છે અને મૌલાના ફઝલુર રહેમાન આ ગઠબંધનના વડા છે. મૌલાનાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનના ચીફ જસ્ટિસ ઉમર બાંદીયાલ સામે ખાનને રાહતો આપવા બદલ વિરોધ કરવામાં આવશે. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે ફક્ત વિરોધ પ્રદર્શનો થશે પરંતુ બાદમાં ધરણાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

દરમ્યાન, પીએમએલ-એનના નેતા મરિયમ નવાઝ શરીફે આજે માગણી કરી હતી કે ચીફ જસ્ટિસ ઉમર બાંદીયાલ રાજીનામુ આપે. મરિયમે આક્ષેપ કર્યો હતો કે ચીફ જસ્ટિસે પાકિસ્તાનમાં અંધાધૂંધી અને કટોકટી સર્જી છે. સુપ્રીમ કોર્ટની બહાર ભેગા થયેલા લોકોને સંબોધન કરતા પીએમએલ-એનના સુપ્રીમો નવાઝ શરીફના આ પુત્રીએ સુપ્રીમ કોર્ટ પર દેશમાં જ્યુડિશ્યલ માર્શલ લૉ લાદવાનો આક્ષેપ કર્યો હતો.

Most Popular

To Top