ઈસ્લામાબાદ: હચમચી ઉઠી રહેલી પાકિસ્તાનની (Pakistan) અર્થવ્યવસ્થાને (Economic) એક મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે પાકિસ્તાની રૂપિયામાં (Rupees) ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે અને તેનું મૂલ્ય ડોલર (Dollar) સામે 200ની નજીક પહોંચી ગયું છે. જોકે પાકિસ્તાનની સ્થિતિ જોઈને અર્થશાસ્ત્રીઓ દ્વારા આ અંગેની આશંકા પહેલાથી જ કરવામાં આવી હતી. ગયા નાણાકીય વર્ષથી અત્યાર સુધીમાં પાકિસ્તાની ચલણમાં (Currency) લગભગ 24.24 ટકાનો ઘટાડો થયો છે અને આશંકા છે કે તે અહીં અટકશે નહિ. આ ઘટાડો આગળ પણ વધતો રહેશે.
પાકિસ્તાની રૂપિયાની હાલત ખરાબ
ઈમરાન ખાન બાદ ભલે શાહબાઝ શરીફ પાકિસ્તાનના પીએમ બન્યા, પરંતુ હજુ પણ પાકિસ્તાનની હાલત ખરાબ છે. પાકિસ્તાન હવે નાદાર થવાને આરે છે. પાકિસ્તાની રૂપિયાની કિંમત ડોલર સામે 200ની આસપાસ થઈ ગઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ગુરુવારે એટલે કે આજ સુધીમાં એક ડોલરની સામે 200 પાકિસ્તાની રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે પાકિસ્તાનમાં ડોલરનું બ્લેક માર્કેટિંગ પણ ઝડપથી વધી રહ્યું છે, પરંતુ પાકિસ્તાની સરકાર તેને રોકવામાં નિષ્ફળ રહી છે. આ પરિસ્થિતિના પગલે પાકિસ્તાનની સરકારે લકઝૂરિયસ અને બિન-આવશ્યક વસ્તુઓની આયાત પર કડક પ્રતિબંધની કરી દીધો છે.
13 મહિનાથી પાકિસ્તાની રૂપિયો સતત નીચે જઈ રહ્યો છે
ફોરેક્સ એસોસિએશન ઓફ પાકિસ્તાન (FAP) અને બિઝનેસ રેકોર્ડર પાકિસ્તાન દ્વારા બુધવારે રાત્રે જારી કરાયેલા રિપોર્ટ અનુસાર, બુધવારે પાકિસ્તાની રૂપિયો એક ડોલર સામે 199 પર પહોંચી ગયો હતો. એવું માનવામાં આવે છે કે ગુરુવારે તે 200 રૂપિયાથી વધુ થઇ જશે. ગયા નાણાકીય વર્ષની સરખામણીએ આ નાણાકીય વર્ષમાં પાકિસ્તાની રૂપિયો ડોલર સામે 24.24 ટકા નબળો પડ્યો છે અને છેલ્લા 13 મહિનાથી પાકિસ્તાની રૂપિયો સતત નીચે જઈ રહ્યો છે. જાણવી દઈએ કે 10 એપ્રિલે જ્યારે ઈમરાન ખાન સરકારને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવવામાં આવી હતી, ત્યારે પાકિસ્તાની રૂપિયાની કિંમત ડોલર સામે 182.93 રૂપિયા હતી. ત્યારથી અત્યાર સુધી પાકિસ્તાની રૂપિયો 7 ટકા નબળો પડ્યો છે.
પાકિસ્તાનમાં ડૉલરનું બ્લેક માર્કેટિંગ વધ્યું
મળતી માહિતી અનુસાર, ઈમરાન ખાન સરકારે વિદેશી દેવાના હપ્તા પણ ચૂકવ્યા નથી. જે નવી સરકાર માટે આ મોટો પડકાર છે. આ સિવાય પાકિસ્તાનના શ્રીમંત વર્ગના લોકો ડૉલરનો સંગ્રહ કરી રહ્યા છે. જેના કારણે પાકિસ્તાનમાં ડૉલરનું બ્લેક માર્કેટિંગ પણ વધી રહ્યું છે. પાકિસ્તાની રૂપિયાની સતત ઘટતી કિંમત અને વધતી બ્લેક માર્કેટિંગને પગલે પકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સોમવારે એક ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં શરીફે પાકિસ્તાનના એક્સચેન્જ કંપનીઝ એસોસિએશનના અધ્યક્ષ મલિક બોસ્ટન પણ ઓનલાઈન રીતે જોડાયા હતા. ઉપરાંત, નાણામંત્રી મિફતાહ ઈસ્માઈલ તેમજ નાણા સચિવ અને કેટલાક નાણાકીય નિષ્ણાતોએ હાજરી આપી હતી.
પાકિસ્તાની રૂપિયાનું ભાવ વધવા પાછળનું કારણ
પાકિસ્તાની રૂપિયાની સતત ઘટતી કિંમતને કારણે બોલાવવામાં આવેલી ઈમરજન્સી બેઠકમાં બોસ્ટને રૂપિયાની કિંમત ઘટવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે આઈએમએફની લોનમાં વિલંબ, રાજકીય અસ્થિરતા અને વધુ પડતી ઉધારીને કારણે રૂપિયાની હાલત નબળી થઈ છે. વધુમાં બોસ્ટને કહ્યું હતું કે આયાતકારો વધુ ધિરાણ લઈ રહ્યા છે જ્યારે નિકાસકારોમાં ઓછું ધિરાણ લઇ રહ્યા છે. તેના કારણે આંતરબેન્ક બજારમાં રૂપિયાની માંગ વધી છે અને પુરવઠો ઘટ્યો છે. જેને પરિણામે રૂપિયાની કિંમતમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમણે ધ્યાન દોરતા કહ્યું હતું કે એક્સચેન્જ કંપનીઓ ડૉલરની કિંમતમાં વધારો કરી રહી નથી. જ્યાં સુધી ઇન્ટરબૅન્ક બજારમાં રૂપિયાની રેટ ઘટશે નહિ ત્યાં સુધી મુક્ત બજારમાં ડૉલરનો દર ઘટાડી શકાશે નહિ. બેઠક બાદ લેખિત નિવેદન બહાર પાડવામાં આવ્યું કે લકઝૂરિયસ કાર અને સૌંદર્ય પ્રસાદનની વસ્તુઓની આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેની આયાત પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેની યાદી ગુરુવારે જાહેર કરવામાં આવી શકે છે.આવી સ્થિતિમાં ગરીબ પાકિસ્તાન માટે અર્થવ્યવસ્થાને પહેલાના સ્તરે જાળવવું એ સરકાર માટે એક મોટો પડકાર બની ગયો છે.