Sports

એક ગોલ્ડ સાથે પાકિસ્તાન મેડલ ટેલીમાં ભારત કરતા આગળ નીકળ્યુ, જાણો ક્યો દેશ છે પ્રથમ ક્રમાંકે

નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક 2024 (Paris Olympics 2024) હવે છેલ્લા તબક્કામાં પહોંચી ચૂકી છે. ત્યારે તમામ દેશોના ખેલાડીઓ પોતાના દેશમાટે વધુમાં વધુ મેડલ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન મેડલ ટેલીમાં પણ સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. જો કે હવે બહુ ઓછી ઇવેન્ટ્સ બાકી છે. તેથી, મેડલ ટેલીમાં (Medal tally) બહુ ફેરફાર થવાની કોઈ શક્યતા નથી. આ મેડલના બોર્ડમાં ભારત હાલ 5 મેડલ સાથે 64માં ક્રમાંકે છે.

ગઇકાલે ગુરુવારે ભારતે બે મેડલ જીત્યા હતા. જેમાં એક બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ હતો. બીજી તરફ પાકિસ્તાન પણ લાંબા સમય બાદ ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં સફળ રહ્યું છે. ત્યારે યુએસએ ટોપ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ વર્ષના ઓલિમ્પિકમાં યુએસએ અત્યાર સુધીમાં 103 મેડલ જીત્યા છે. આ સાથે જ યુએસએ એકમાત્ર દેશ છે કે જેણે 100 થી વધુ મેડલ જીત્યા છે. યુએસએ પાસે 30 ગોલ્ડ, 38 સિલ્વર અને 35 બ્રોન્ઝ મેડલ છે. તેમજ હજુ પણ યુએસએના મેડલમાં વધારો થવાની સંભાવના છે. યુએસ બાદ સૌથી વધુ મેડલ જીતનારો દેશ ચીન છે. ચીને હમણા સુધીમાં 73 મેડલ જીત્યા છે. ચીને અત્યાર સુધીમાં 29 ગોલ્ડ, 25 સિલ્વર અને 19 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

ભારત હવે એક સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીતીને 64માં સ્થાને પહોંચ્યુ
મેડલ ટેલીમાં વર્ષ 2024ના ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 5 મેડલ જીત્યા છે. જેમાં શરૂઆતમાં જ ત્રણ મેડલ ભારત પાસે આવ્યા હતા. ત્યારે એવું લાગતું હતું કે આ વખતે ભારત પાસે મેડલની સારી સંખ્યા હશે, પરંતુ બે મેડલ બાદ જ ભારતના મેડલ્સમાં વિરામ જોવા મળ્યો હતો. જો કે આ પછી ગઇ કાલે ભારતીય હોકી ટીમે સ્પેનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમજ મોડી રાત્રે નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. એટલે કે એક જ દિવસમાં ભારત પાસે બે મેડલ આવ્યા છે. આ સાથે ભારતના મેડલની સંખ્યા વધીને 5 થઈ ગઈ છે. ભારત હવે 5 મેડલ સાથે મેડલ ટેલીમાં 64માં નંબર પર છે.

પાકિસ્તાને માત્ર એક મેડલ સાથે મેડલ ટેલીમાં 53મા ક્રમાંકે
આ વર્ષે પાકિસ્તાને પણ લાંબી રાહ જોયા બાદ આખરે પોતાનો પહેલો મેડલ જીત્યો છે. ભાલા ફેંકમાં જ્યારે નીરજે સિલ્વર મેડલ જીત્યો હતો, તો પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો છે. એટલે કે મેડલ રેસમાં પાકિસ્તાનનું ખાતું પણ ખુલી ગયું છે. આ એક મેડલ સાથે પાકિસ્તાન હાલમાં મેડલ ટેલીમાં 53મા સ્થાને પહોંચી ગયું છે. જો કે મેડલ ટેલીમાં પાકિસ્તાન, ભારત કરતા આગળ છે કારણ કે તેની પાસે ગોલ્ડ છે, જ્યારે ભારત પાસે 5 મેડલ છે, પરંતુ તેમાંથી એક પણ ગોલ્ડ નથી.

Most Popular

To Top