Editorial

પહેલગામ આતંકી હુમલાને કારણે પાકિસ્તાનને 1971 જેવા જ પરચાની હવે જરૂર છે

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં જે રીતે આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર નામ અને ધર્મ પુછીને હુમલા કરવામાં આવ્યા અને 27 પ્રવાસીની હત્યા કરવામાં આવી, તેનાથી આખા દેશમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો છે. જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી દેવામાં આવ્યા બાદ એવું લાગતું હતું કે આ પ્રદેશમાં શાંતિ થશે પરંતુ આતંકવાદીઓ અને તેના આકા જેવું પાકિસ્તાન સ્હેજેય સુધરવા માટે તૈયાર નથી.

1947 અને 1971માં પાકિસ્તાનને મોટો સબક મળી ગયા બાદ પણ પાકિસ્તાન અને તેની આર્મી સુધરવા માટે તૈયાર નથી. પાકિસ્તાનનું નામ નહીં આવે તે માટે પ્રોકસી હુમલાઓ કરાવવામાં આવી રહ્યા છે અને નિર્દોષોનો ભોગ લેવાઈ રહ્યો છે. ભૂતકાળમાં સર્જિકલ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી પરંતુ આ વખતે એવી સ્ટ્રાઈક કરવાની જરૂરીયાત છે કે પાકિસ્તાન આવી ગુસ્તાખી કરવાની ખો ભૂલી જાય. પહેલગામના આતંકી હુમલાને પગલે ભારત સરકાર પણ દિગ્મુઢ થઈ ગઈ છે. સરકારના શાંતિના દાવા પોકળ સાબિત થયા છે. હવે સરકારે ભારતીયોનું કૌવત બતાવવું જ પડશે. હુમલાને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી. અઢી કલાક ચાલેલી આ બેઠકમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં પાકિસ્તાન સાથેનો 1960નો સિંધુ જળ કરાર તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવ્યો છે. સાથે સાથે જમ્મુની અટારી બોર્ડ ચેકપોસ્ટ પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની નાગરિકોને જે  SAARC વિઝા મુક્તિ યોજના હેઠળ ભારતની મુસાફરી કરવાની મંજૂરી મળતી હતી તે બંધ કરી દેવામાં આવી છે.

નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના સંરક્ષણ, લશ્કરી, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને પર્સોના નોન ગ્રેટા જાહેર કરવામાં આવ્યા છે. તેમને ભારત છોડવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ભારતે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશનમાંથી તેના સંરક્ષણ, નૌકાદળ અને વાયુસેના સલાહકારોને પાછા ખેંચી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ છે, જે પાકિસ્તાનમાં હાજર છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલામાં 5 આતંકવાદીઓ સામેલ હતા. આમાંથી બે સ્થાનિક અને ત્રણ પાકિસ્તાની આતંકવાદી હતા.

ભારત સરકારે હવે બોર્ડરો બંધ કરવી કે પછી રાજદ્વારીઓને પરત બોલાવવાથી ઉપર આવીને પાકિસ્તાનને મોટો સબક શીખવાડવો પડે તેવી સ્થિતિ છે. વિશ્વના નાના દેશો પણ જ્યારે આવી ઘટના બને ત્યારે જે તે દેશને પરચો આપતા હોય છે. ભૂતકાળમાં ભારતે આપેલા પરચાને કારણે પાકિસ્તાન સીધું થઈ ગયું હતું પરંતુ છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનને સબક આપવામાં આવ્યો નથી. ભારત સરકારે હવે ઈઝરાયલની જેમ પાકિસ્તાનમાં ઘૂસી જઈને સપાટો બોલાવવાની જરૂરીયાત છે.

બની શકે છે કે આ પગલાઓમાં યુદ્ધ ફાટી નીકળે અથવા તો મોટી ખુંવારી પણ થાય પરંતુ સ્વમાનના ભોગે કશું જ ના હોય. પાકિસ્તાનની ખુદની હાલત ખરાબ છે. આર્થિક સ્થિતિ કંગાળ છે અને બલુચિસ્તાન જાળવવું તેના માટે ભારે પડી રહ્યું છે. આ સંજોગોમાં જો ભારત બલુચિસ્તાનને પાકિસ્તાનથી અલગ પાડી શકે છે. હાલમાં વૈશ્વિક સ્થિતિ પણ એવી છે કે મહાસત્તાઓ પોતાની લડાઈમાં વ્યસ્ત છે. આ સંજોગોમાં ભારત સરકાર માટે મોકો છે કે પાકિસ્તાનને પરચો આપી શકાય.  ભારત સરકારે હવે રાહ જોવાની જરૂર નથી. પાકિસ્તાનને સબક નહીં શીખવાડાય તો નિર્દોષ ભારતીય નાગરિકોનો ભોગ લેવાશે તે નક્કી છે.

Most Popular

To Top