World

તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ

પાકિસ્તાનની રાજનીતિમાં વધુ એક મોટો ધક્કો લાગ્યો છે. તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)ની ખાસ કોર્ટે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને દોષિત ઠેરવી 17 વર્ષની કેદની સજા ફટકારી છે. બંને હાલમાં રાવલપિંડીની આદિયાલા જેલમાં બંધ છે. જે વચ્ચે વિશેષ અદાલતે આ મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે.

કેસ મુજબ વર્ષ 2021 દરમિયાન સાઉદી અરેબિયા સરકાર તરફથી મળેલા સરકારી ભેટોના ખોટા ઉપયોગ અને ગેરવહીવટના આરોપો ઇમરાન ખાન અને બુશરા બીબી પર મૂકવામાં આવ્યા હતા. અદાલતે ચુકાદો આપ્યો કે આરોપીઓએ જાહેર વિશ્વાસનો ભંગ કર્યો છે. આ કારણે પાકિસ્તાન દંડ સંહિતાની કલમ 409 હેઠળ બંનેને 10-10 વર્ષની સજા અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ વધુ 7-7 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. આ સાથે બંને પર એક-એક કરોડ રૂપિયાનો દંડ પણ લાદવામાં આવ્યો છે.

ચુકાદા બાદ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તાજેતરમાં ઇમરાન ખાનના પરિવારજનો અને પક્ષના નેતાઓએ આદિયાલા જેલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ પ્રદર્શન દરમિયાન કાયદો-વ્યવસ્થામાં વિઘ્ન પહોંચાડવાના આરોપે ઇમરાન ખાનની બહેનો અલીમા ખાન અને નૂરીન નિયાઝી સહિત અનેક સમર્થકો સામે કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

વિશ્લેષકોનું માનવું છે કે તોશાખાના કેસનો આ ચુકાદો માત્ર કાનૂની મામલો નહીં પરંતુ પાકિસ્તાનની રાજકીય દિશા નક્કી કરનાર મહત્વપૂર્ણ વળાંક બની શકે છે. આવનારા સમયમાં આ ચુકાદાની અસર દેશની રાજનીતિ અને જાહેર મત પર ઊંડી જોવા મળી શકે છે.

Most Popular

To Top