Sports

ઇંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ જીતી પાકિસ્તાનને તેના જ ઘરમાં 3-0થી ક્લિનસ્વીપ કર્યું

કરાચી: અહીં રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં આજે મંગળવારે ચોથા દિવસે જ ઇંગ્લેન્ડે (England) આઠ વિકેટે જીતીને ત્રણ મેચની સીરિઝમાં પાકિસ્તાનને (Pakistan) તેના ઘરઆંગણે 3-0થી ક્લીનસ્વીપ કરીને યાદગાર તેમજ ઐતિહાસિક જીત મેળવી હતી. સવારે ઈંગ્લેન્ડે જ્યારે દાવ શરૂ કર્યો ત્યારે તેને જીતવા માટે માત્ર 55 રનની (Run) જરૂર હતી. જે તેણે 38 મિનિટમાં કરવા સાથે બે વિકેટે 170નો સ્કોર કરીને જીત નોંધાવી હતી. પાકિસ્તાનને ઘરઆંગણે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝમાં પહેલીવાર 3-0થી હારનો સામનો કરવો પડ્યો છે.

ઈંગ્લેન્ડના 18 વર્ષીય ટેસ્ટ ડેબ્યુટન્ટ રેહાન અહેમદની 5/48ની શાનદાર બોલિંગથી પાકિસ્તાનનો બીજા દાવમાં 216 રનમાં વીંટો વળ્યો હતો અને ઈંગ્લેન્ડને જીતવા માટે 167 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. બેન ડકેટ 78 બોલમાં 82 રને નોટઆઉટ રહ્યો હતો અને તેની સાથે કેપ્ટન બેન સ્ટોક્સ 35 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ઈંગ્લેન્ડે પાકિસ્તાનમાં સતત બીજી ટેસ્ટ મેચ એક દિવસથી વધુ બાકી રાખીને જીતી લીધી હતી. પાકિસ્તાનના સ્પિનર ​​અબરાર અહેમદે બે ટેસ્ટમાં 18 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડે રાવલપિંડી ખાતે સપાટ ટ્રેક પર પ્રથમ ટેસ્ટ 74 રનથી જીતી હતી, જ્યારે મુલતાનમાં બીજી ટેસ્ટ 24 રને જીતીને અજેય સરસાઇ મેળવી હતી.

કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાનની 45 ટેસ્ટમાં ત્રીજી અને છેલ્લા 15 વર્ષમાં પહેલી હાર
નેશનલ સ્ટેડિયમને પાકિસ્તાનનો ગઢ ગણાય છે પરંતુ રેહાન અહેમદે શાનદાર બોલિંગ કરીને ત્રીજા દિવસે ધમાલ મચાવી દીધી હતી નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી 45 ટેસ્ટ મેચોમાં પાકિસ્તાનની આ માત્ર ત્રીજી અને છેલ્લા 15 વર્ષમાં પ્રથમ હાર હતી. ઇંગ્લેન્ડ એવી પહેલી ટીમ હતી જેણે 2000માં અહીં ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. ઇંગ્લેન્ડની આ જીતના સાત વર્ષ પછી અર્થાત 2007માં દક્ષિણ આફ્રિકાએ નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાનને પછાડ્યું હતું.

પાકિસ્તાન પોતાની ધરતી પર સતત ચોથી ટેસ્ટ અને સતત બીજી સીરિઝ હાર્યું
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ 3-0થી હરાવી તેની સાથે જ પાકિસ્તાન પોતાની ધરતી પર સતત ચોથી ટેસ્ટ મેચ હારી ગયું છે. આ પહેલા જ્યારે ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનના પ્રવાસે આવ્યું હતું ત્યારે બે ટેસ્ટની એ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાએ છેલ્લી મેચમાં પાકિસ્તાનને હરાવીને સીરિઝ 1-0થી જીતી લીધી હતી. આમ પાકિસ્તાને સતત બીજી ટેસ્ટ સીરિઝ ગુમાવી એમ પણ કહી શકાય.

Most Popular

To Top