Sports

પહેલી T-20 જીતી ઈંગ્લેન્ડે 17 વર્ષે પાકિસ્તાનને તેના ઘરમાં પરાસ્ત કર્યું

કરાચી : ઇંગ્લેન્ડના (England) પાકિસ્તાન (Pakistan) પ્રવાસની સાત ટી-20 મેચની સીરિઝની મંગળવારે રમાયેલી પ્રથમ ટી-20માં ડાબોડી મધ્યમ ઝડપી બોલર (Fast Baller) લ્યુક વૂડની સચોટ બોલિંગ તેમજ એલેક્સ હેલ્સ અને હેરી બ્રુકની ઇનિંગ્સને કારણે ઇંગ્લેન્ડે પાકિસ્તાનના પ્રવાસની જીત સાથે શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડે યજમાન ટીમને 6 વિકેટે હરાવીને 17 વર્ષના ગાળા પછી પાકિસ્તાનને તેના હોમગ્રાઉન્ડ પર હરાવ્યું છે. ઇંગ્લેન્ડની ટીમે છેલ્લે 2005માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો.
7 ટી-20 મેચોની સીરિઝની પ્રથમ મેચમાં, 159 રનના લક્ષ્યાંકને ઇંગ્લેન્ડની ટીમે 19.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને આંબી લીધો હતો. 3 વર્ષ બાદ ટીમમાં વાપસી કરનાર એલેક્સ હેલ્સે 53 રનની ઇનિંગ રમી હતી જ્યારે હેરી બ્રુકે નોટઆઉટ 42 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.

  • પ્રથમ ટી-20માં લ્યુક વુડની આગેવાનીમાં બોલરોની સંયમિત બોલીંગથી ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 7 વિકેટે 158 સુધી જ પહોંચવા દીધું
  • 3 વર્ષ પછી ટીમમાં વાપસી કરનારા હેલ્સની અર્ધસદી અને હેરી બ્રુક્સની 42* રનની ઇનિંગની મદદથી ઇંગ્લેન્ડે 6 વિકેટે જીત્યું

આ પહેલા ટોસ હાર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 158 રન બનાવ્યા હતા. જેમાં ઓપનર રિઝવાન અને કેપ્ટન બાબર આઝમે પ્રથમ વિકેટ માટે 85 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે, બાબર સારી શરૂઆતને મોટી ઇનિંગમાં બદલી શક્યો ન હતો અને 24 બોલમાં 31 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. મોહમ્મદ રિઝવાને 46 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. આ બે સિવાય ઇફ્તિખાર અહેમદે 28 જ્યારે હૈદર અલીએ 11 રન કર્યા હતા.

2023 અને 2025 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઈંગ્લેન્ડમાં જ યોજાશે
દુબઈ : ક્રિકેટની ગવર્નિંગ બોડી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ જણાવ્યું છે કે ઓવલ અને લોર્ડ્સ મેદાન અનુક્રમે 2023 અને 2025માં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી) ફાઈનલની યજમાની કરશે. જુલાઈમાં બર્મિંઘમમાં આઇસીસીની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન આગામી બે ડબલ્યુટીસી ફાઈનલની યજમાની માટે ઈંગ્લેન્ડની પસંદગી કરવામાં આવી હતી. 2021 ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ ઈંગ્લેન્ડના સાઉધેમ્પ્ટનમાં યોજાઈ હતી.
2023 અને 2025 બંને આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટેના સ્થળોની જાહેરાત તો કરી દેવામાં આવી છે પણ તેની તારીખો હજુ સુધી કન્ફર્મ કરવામાં આવી નથી. બંને ડબલ્યુટીસી ફાઈનલની તારીખો નિયત સમયે કન્ફર્મ કરવામાં આવશે. આઇસીસીના ચીફ એક્ઝિક્યુટિવ જ્યોફ એલાર્ડિસે એક નિવેદનમાં કહ્યું હતું કે અમને આનંદ છે કે આવતા વર્ષે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ ઓવલ દ્વારા યોજવામાં આવશે અને લોર્ડ્સમાં 2025ની ફાઇનલની યજમાની થશે.

Most Popular

To Top