પાકિસ્તાન અને અમેરિકા વચ્ચેના સંબંધો ફરીથી મજબૂત બનતા જણાઈ રહ્યા છે. તાજેતરમાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ (USCENTCOM)ના વડા જનરલ માઈકલ કુરિલા પાકિસ્તાનની મુલાકાતે આવ્યા હતા. પાકિસ્તાને તેમને દેશના સૌથી ઊંચા લશ્કરી સન્માન ‘નિશાન-એ-ઇમ્તિયાઝ’થી નવાજ્યા હતા.
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં જનરલ કુરિલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી દ્વારા તેમને સન્માન આપવામાં આવ્યું અને આ સમારંભની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બાદમાં તેઓ પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર સાથે પણ મળ્યા અને સૈનિક સલામી લીધી.

હવે પ્રશ્ન એ છે કે પાકિસ્તાને આ સન્માન કેમ આપ્યું? એવું માનવમાં આવી રહ્યું છે કે પાકિસ્તાન આ બધું અમેરિકાને ખુશ કરવા માટે કરી રહ્યું છે. હમણાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ નાજુક છે. તે IMF અને અન્ય દેશો પાસેથી લોન લેવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. જો તે ફરીથી FATF (ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ)ની ગ્રે લિસ્ટમાં જાય છે, તો લોન મેળવવી ખૂબ મુશ્કેલ બની જશે.
FATF એ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જે આતંકવાદને ફંડિંગ આપતા દેશોની તપાસ કરે છે. 2018 થી 2022 સુધી પાકિસ્તાન FATFની ગ્રે લિસ્ટમાં હતું. હાલમાં પણ તેના પર ફરીથી આ લિસ્ટમાં સામેલ થવાનો ભય છે. પાકિસ્તાન એ જ ટાળવા માટે અમેરિકા જેવા દેશો સાથે સારા સંબંધ સ્થાપવા ઈચ્છે છે.
જનરલ કુરિલાને સન્માન આપવાનું મુખ્ય કારણ પણ એ જ છે કે, અમેરિકા સમક્ષ પોતાનું વિશ્વાસ જીતવું અને સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગ મેળવવો. સાથે જ તે બતાવવા માંગે છે કે હવે પાકિસ્તાન આતંકવાદનો સમર્થક નહીં, પરંતુ વિરોધી છે.
આ સમગ્ર ઘટનાને જોયે તો સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ સુધારવા, FATFમાંથી બચવા અને આર્થિક સહાય મેળવવા માટે આ હલચાલો કરી રહ્યો છે.