સુરત : કોરોનાને એકમાત્ર વેક્સિનેશન (VACCINATION) જ કાબુમાં લઈ શકે તમ હોવા છતાં પણ સરકાર વેક્સિનેશન માટે ગંભીર નથી. એક તરફ સરકાર દ્વારા મોટાપાયે વેક્સિન ખરીદવામાં આવતી નથી. સરકારના ઢીલા વલણને કારણે વેક્સિનના ઉત્પાદકો દ્વારા પણ વેક્સિન સરકારની સાથે સાથે ખાનગી રીતે આપીને કમાણી કરવામાં આવી રહી છે. જ્યાં વેક્સિનેશન પુરજોશમાં ચાલવું જોઈએ ત્યાં ખોડંગાતું ચાલે છે અને તેમાં પણ 18 થી 44 વર્ષની વયના લોકોને ઓનલાઈન રજિસ્ટ્રેશન (ONLINE REGISTRATION) મળતું નથી. ત્યારે સુરતની ખાનગી હોસ્પિટલો (PRIVATE HOSPITAL)ને નાણાં લઈને રજિસ્ટ્રેશન વિના જ વેક્સિનેશન માટે છૂટ આપી કમાવવાની તકો આપી દેવામાં આવતાં મોટો વિવાદ ઉભો થયો છે.
કોઈપણ મહામારી સરકારની એ ફરજ હોય છે કે સરકાર નાગરિકોને મહામારીમાંથી બહાર કાઢે. આ માટે સરકારે સારવારથી માંડીને આગોતરા પગલાના ભાગરૂપે વેક્સિન પણ આપવાની જવાબદારી નિભાવવાની રહે છે. હાલમાં આખા દેશમાં કોરોનાની મહામારીએ અનેક લોકોના જીવ લઈ લીધા છે. સામે વેક્સિન પણ તૈયાર છે. સરકારે એ કરવું જોઈતું હતું કે વેક્સિનેશનની કામગીરી ઘનિષ્ઠ કરવામાં આવે પરંતુ તેની સામે વેક્સિનેશની કામગીરી ખૂબ ધીરે ચાલી રહી છે. લોકો વેક્સિન લેવા માંગે છે પરંતુ તેમને વેક્સિન મળતી નથી. તેમાં પણ ઓનલાઈન રજિસ્ટ્રેશને લોકોનો તોબા પોકારાવી દીધા છે. સરકાર ક્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેના સ્લોટ ખોલે છે તે જ ખબર પડતી નથી. તેને કારણે વેક્સિન લેવા માટે અનેક લોકો તૈયાર હોવા છતાં પણ તેમનું રજિસ્ટ્રેશન થતું નથી.
સરકારે 18થી 44 વર્ષની વયના લોકો માટે વેક્સિનેશનમાં રેશનિંગ કરી નાખ્યું છે. સુરતમાં રોજ 18 હજાર જેટલા જ 18થી 44 વર્ષની વયના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. તેની સામે સુરત મહાપાલિકાની રોજની વેક્સિનેશનની ક્ષમતા 50થી 70 હજાર સુધીની છે. આ ક્ષમતા હોવા છતાં પણ સરકાર દ્વારા વેક્સિન આપવામાં આવતી નથી. જો ઝડપથી વેક્સિનેશન નહીં થાય તો સંભવ છે કે ત્રીજો વેવ ઝડપથી આવી શકે છે. છતાં પણ સરકાર વેક્સિનેશન માટે ગંભીર નથી. બીજી તરફ સુરતમાં સરકારે વેક્સિનેશન માટે વિનસ હોસ્પિ., શેલ્બી હોસ્પિ., તેમજ ગ્લોબલ સનશાઈન હોસ્પિ.ને પેઈડ વેક્સિનેશન માટે મંજૂરી આપી દીધી હોવાથી મોટો વિવાદ ઉભો થયો છે.
લ્યો, બોલો! ખાનગી હોસ્પિ.માં વેક્સિન લેવા માટે અગાઉથી રજીસ્ટ્રેશનની જરૂરીયાત નથી
જોવા જેવી વાત છે કે સરકારી વેક્સિન લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન થતું નથી અને બીજી તરફ ખાનગી હોસ્પિ.માં વેક્સિન માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરીયાત જ નથી. ગ્લોબલ સનશાઈન હોસ્પિ.માં તો વેક્સિનના 6000 ડોઝ આવી જતાં સોમવારથી વેક્સિનેશન પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. વિનસ હોસ્પિ.માં પણ એક-બે દિવસમાં અને શેલ્બી હોસ્પિ.માં ગુરૂવારથી પેઈડ વેક્સિનેશનનો પ્રારંભ થઈ જશે. આ તમામ હોસ્પિટલમાં કોવિશિલ્ડ માટે 850 અને કો-વેક્સિન માટે 1100 રૂપિયાનો ભાવ નકકી કરાયો છે. જો કે હાલમાં તો કોવિશિલ્ડનો જ જથ્થો મળે તેવી શકયતા છે. સરકારના ધાંધીયાને કારણે લોકો ખાનગી હોસ્પિ.માં વેક્સિનનો ડોઝ લેવા માટે મજબૂર બનશે.
સરકારને વધુ જથ્થો મળતો નથી અને ખાનગી હોસ્પિ. સીધી રસીના ઉત્પાદકો પાસેથી રસી લઈ આવી
એક તરફ વેક્સિનેશન મોટાપાયે નહીં થઈ શકવા પાછળ સરકાર એવો ખુલાસો કરી રહી છે કે રસી ઉત્પાદકો પાસેથી એટલો જથ્થો મળતો નથી અને બીજી તરફ ખાનગી હોસ્પિ. રસી ઉત્પાદકો પાસેથી સીધો જ રસીનો જથ્થો લઈ રહી છે. જો સરકારને વધુ જથ્થો મળતો નથી તો કઈ રીતે ખાનગી હોસ્પિ.ને રસીનો જથ્થો મળી ગયો તે મોટો પ્રશ્ન છે.