દેશમાં અયોગ્ય જીવનશૈલી અને ખાણીપીણીની ખોટી ટેવોને કારણે કેટલાક પ્રકારના રોગો અને આરોગ્યલક્ષી સમસ્યાઓ વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે લોકોને અયોગ્ય ખાનપાનથી થતા નુકસાન બાબતે જાગૃત કરવા એક અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. બિનઆરોગ્યપ્રદ ખાણીપીણી અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટેના એક મોટા પગલામાં ભારત સરકારે જાહેરાત કરી છે કે લોકપ્રિય નાસ્તાઓ જેવા કે સમોસા, જલેબી, પકોડા, વડા પાંવ વગેરેના પેકેટો પર સિગારેટના પેકેટ પર હોય છે તેવી આરોગ્યલક્ષી ચેતવણી હશે. ઉપરાંત તમારા કયા નાસ્તામાં કેટલું તેલ અને કેટલી ખાંડ છે તે દર્શાવતા પાટિયા પણ દુકાનોમાં લગાવવા પડશે. આ અભિયાન હેઠળ જનજાગૃતિ માટે વિવિધ ઉપાયો અજમાવવાની યોજના છે.
આ યોજનાની સ્પષ્ટ રૂપરેખા હજી જાહેર થઇ નથી પણ એમ જાણવા મળે છે કે વિવિધ રીતે ચેતવણીઓ લોકોને મળી શકે તેવી યોજના છે. આ ચેતવણીઓમાં એ દર્શાવવામાં આવશે કે આ નાસ્તાઓમાં તેલ, ખાંડ અને ટ્રાન્સ ફેટનું સ્તર કેટલું ઉચુ છે. આ બાબતો જીવનશૈલીને લગતા રોગો સાથે સીધી રીતે સંકળાયેલી છે. હવે એ સ્પષ્ટ થઇ ગયું છે કે ભારત વધતા જતા પ્રમાણમાં આરોગ્ય કટોકટીઓનો સામનો કરી રહ્યું છે. સ્થૂળતા, ડાયાબીટિશ, હાઇ બ્લડ પ્રેશર અને હ્દયને લગતા રોગો જ્યારે વધારા પર છે ત્યારે સરકાર તેનું ધ્યાન લોકો શું ખાય છે તેના પર કેન્દ્રિત કરી રહી છે.
ધ લાન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક વૈશ્વિક વિશ્લેષણમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે 2050 સુધીમાં, અંદાજે 44 કરોડ ભારતીયો વધુ વજનવાળા અથવા મેદસ્વી હોઈ શકે છે. શારીરિક શ્રમના ઘટેલા પ્રમાણ અને ખાંડ, તેલ, ઘી વાળા ખોરાક અને જંક ફૂડને કારણે લોકોમાં મેદસ્વીતા જેવી તકલીફો અને બેઠાડુ જીવન શૈલીના રોગો વધી રહયા છે. લોકોની ખાણીપીણીની ટેવો સુધારવાના પ્રયાસમાં આ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. લોકપ્રિય ફૂડ સ્ટોલોમાં કાઉન્ટરની બાજુમાં ચેતવણી પોસ્ટરો હશે, જેમાં ખાંડ, ચરબી અને ટ્રાન્સ ચરબીની સામગ્રી વિશે સ્પષ્ટ માહિતી અને વારંવાર સેવનથી લાંબા ગાળાના સ્વાસ્થ્ય જોખમોની રૂપરેખા આપતા સંદેશાઓ હશે.
ચેતવણી-લેબલ ઝુંબેશ આગામી મહિનાઓમાં અન્ય શહેરો અને સંસ્થાઓમાં વિસ્તરવાની અપેક્ષા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સ્થૂળતા અને અન્ય તકલીફો, બિમારીઓ સામે લડવા માટે દૈનિક રીમાઇન્ડર્સને મજબૂત બનાવવા માટે લેટરહેડ, પરબિડીયાઓ, નોટપેડ, ફોલ્ડર્સ વગેરે જેવી તમામ સત્તાવાર સ્ટેશનરીઓ અને પ્રકાશનો પર આરોગ્ય સંદેશાઓ છાપવા માટે પણ હાકલ કરી છે. તમારા કયા નાસ્તામાં કેટલું તેલ છે કે કેટલી ખાંડ છે તે દર્શાવતા પાટિયા સ્ટોલ, દુકાનો કે કેન્ટિનોમાં મૂકવા પડશે. જેમ કે ગુલાબ જાંબુમાં પાંચ ચમચી ખાંડ છે તેવું દર્શાવાશે તો લોકોને ખબર પડશે કે તેઓ જે ખાય છે તેમાં કેટલી ખાંડ છે અને જેમને આ પ્રમાણ વધારે લાગશે તેઓ આ નાસ્તો ખરીદવાનું માંડી વાળશે.
એક સમય હતો કે જ્યારે ભોજન સાદુ અને સાત્વિક રહેતું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની ખાવા પીવાની ટેવો ખૂબ બદલાઇ છે. ફાસ્ટ ફૂડ કે જંક ફૂડનું પ્રમાણ ખૂબ વધ્યું છે. પીઝા, બર્ગર જેવી વિદેશોથી પ્રેરિત વાનગીઓનું ચલણ ખૂબ વધ્યું છે. રેસ્તોરાંઓમાં ખાવા જવાનું પ્રમાણ વધ્યું છે અને તેની સામે શારીરિક પ્રવૃતિઓ ઘટી છે. આધુનિક સગવડદાયક સાધનો વધતા લોકોનું જીવન બેઠાડુ બનતુ ગયું છે. આને પરિણામે સ્થૂળતા વધી છે. ડાયાબિટીશ, હાઇ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જેવી તકલીફો વધી છે. આ બધી બાબતને ધ્યાનમાં રાખીને સરકારે જે આરોગ્ય લક્ષી ઝુંબેશ શરૂ કરી છે તે આવકાર્ય છે પરંતુ તે લોકોને યોગ્ય રીતે સ્પર્શ કરે તે રીતે ડિઝાઇન કરવી જરૂરી છે અને લોકો તરફથી તેને કેવો પ્રતિસાદ મળે છે તે પણ મહત્વની બાબત છે.