સુરતના રાંદેર વિસ્તારમાં જાહેર રોડ પર દિવસદાટે ગુંડાગીરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નાની બોલાચાલી ભયાનક હુમલામાં ફેરવાઈ ગઈ હતી. જહાંગીરાબાદ નજીક રામા રેસિડેન્સીના ગેટ પાસે મોહિત કપૂર, તેનો નાનો ભાઈ યશ અને સમર્થ ઉભા હતા ત્યારે એક મોપેડસવાર સાથે ‘સામે કેમ જોયું?’ જેવી સામાન્ય વાતે બોલાચાલી થઈ હતી. તે સમયે શખ્સ ત્યાંથી ચાલ્યો ગયો, પરંતુ થોડા જ સમયમાં પરત આવી તેણે પોતાની ટોળકી સાથે હુમલો બોલાવ્યો.

બે મોપેડ પર સવાર થઈ કુલ 6 શખ્સ ચપ્પુ, લાકડાના ધોક્કા અને બેલ્ટ સાથે ત્રાટક્યા હતા. આવીને સીધો સમર્થ પર ચપ્પુથી હુમલો શરૂ કર્યો હતો. વચ્ચે પડેલા મોહિત અને યશ પર પણ બેફામ પ્રહાર કરવામાં આવ્યા હતા. રોડ પર લગભગ એક મિનિટ સુધી આ હિંસક દ્રશ્ય ચાલ્યું, જેમાં બે ભાઈઓને અધમૂઆ કરી નાખવામાં આવ્યા હતા.
આ આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે હુમલાખોરો કેવી રીતે નિર્દયતાથી મારામારી કરી રહ્યા છે. એક યુવક તો જોરદાર ફટકાથી રોડ પર પટકાઈ જાય છે, જ્યારે હુમલાખોરો ધમાલ મચાવીને ભાગી જાય છે. આ દ્રશ્યો પોલીસ માટે મહત્વના પુરાવા બન્યા છે, ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાંદેર પોલીસ હરકતમાં આવી હતી.
CCTV કેમેરા અને બાતમીના આધારે ઉગત કેનાલ રોડ પરથી અનિલકુમાર ઉર્ફે રોની ભટ્ટ (19)વર્ષ અને સાહીલ પવાર (18) વર્ષ ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક કિશોર ની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં અન્ય સાગરીતોના નામ સામે આવ્યા છે અને ફેનીલ પટેલ, રાજ સિંઘે અને નકુલ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.હાલ પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ તેજ બનાવવામાં આવી છે.