World

વિશ્વમાં હાહાકાર: હુમલો, આગજની અને ફ્લાઇટ ક્રાઈસિસથી વધ્યો તણાવ

મધ્ય પૂર્વમાં વધતા યુદ્ધસમાન તણાવ વચ્ચે પરિસ્થિતિ આજે વધુ ગંભીર બની ગઈ છે. પાકિસ્તાનમાં સ્થિત અમેરિકી દૂતાવાસ પર ઉગ્ર હુમલો થયો છે, જેમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે. હુમલાખોરોએ દૂતાવાસની બહાર હિંસક પ્રદર્શન કર્યા બાદ અચાનક ગોળીબાર અને આગજની જેવી ઘટનાઓ સર્જાઈ હતી. સુરક્ષા દળોએ પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે ભારે બંદોબસ્ત ગોઠવ્યો છે. આ હુમલાની અસર માત્ર એક દેશ સુધી મર્યાદિત રહી નથી. કેટલાક વિસ્તારોમાં સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની ઓફિસને પણ નિશાન બનાવવામાં આવી અને ત્યાં આગ લગાડવાની ઘટના સામે આવી છે. આગને નિયંત્રિત કરવા ફાયર બ્રિગેડની ટીમોએ લાંબી મહેનત કરી. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ હુમલાની તપાસ શરૂ કરવામાં આવી છે અને દોષિતોને ઝડપવા માટે વિશેષ ઓપરેશન હાથ ધરાયું છે.

ભારતમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિના પ્રતિકારરૂપે ભારતમાં પણ અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યા. દિલ્હી, બેંગલુરુ સહિત અનેક મહાનગરોમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. કેટલાક સ્થળોએ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ પણ થઈ. સાવચેતીરૂપે અનેક સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે.

અમદાવાદના મુસાફરો સાઉદી એરપોર્ટ પર ફસાયા

ઈઝરાયલ-ઈરાન તણાવ વચ્ચે અમદાવાદના કેટલાક લોકો સાઉદી અરેબિયાના એરપોર્ટ પર ફસાયા હોવાની માહિતી મળી છે. ફ્લાઇટ રદ થવાના કારણે તેઓને આગળની મુસાફરી માટે રાહ જોવી પડી રહી છે. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા એ તમામ ફસાયેલા લોકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ગુજરાતના નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે પગલાં લેવા અપીલ કરી છે. પરિવારજનોમાં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે.

હવાઈ મુસાફરી પર મોટો પ્રભાવ

મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે હવાઈ માર્ગો પર ગંભીર અસર પડી છે. આજે ભારતમાં 350થી વધુ ફ્લાઇટો રદ કરવામાં આવી છે. ખાસ કરીને મધ્ય પૂર્વ જતી અને ત્યાંથી આવતી ફ્લાઇટો પર વધુ અસર જોવા મળી છે. મુસાફરોને એરપોર્ટ પર લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે. અનેક એરલાઈન્સે સુરક્ષા કારણોસર પોતાના રૂટ બદલી નાખ્યા છે.

બોર્ડ પરીક્ષાઓ સ્થગિત

મધ્ય પૂર્વના કેટલાક દેશોમાં ચાલતી બોર્ડ પરીક્ષાઓ હાલ માટે સ્થગિત કરવામાં આવી છે. સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી છે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે નવી તારીખોની જાહેરાત પરિસ્થિતિ સામાન્ય થયા બાદ કરવામાં આવશે. આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતિત બન્યા છે.

ઉચ્ચ સતર્કતા અને સુરક્ષા કવચ

વિશ્વના અનેક દેશોએ પોતાના નાગરિકોને અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે. દૂતાવાસો અને મહત્વના સરકારી મકાનોની આસપાસ સુરક્ષા કડક કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તણાવ ઘટાડવા રાજનૈતિક પ્રયાસો પણ શરૂ થયા છે.

Most Popular

To Top