મનુષ્ય પોતાના જીવનમાં દરરોજ ચોકકસ માણસોના જ સંપર્કમાં આવ્યા કરે છે. તેમાં પોતાનાં કુટુંબીજનો, આડોશી પાડોશીઓ, મિત્ર વર્ગ અને બીજાં થોડાં. આવા ગણેલાં માણસોનાં સુખદુ:ખથી તે પરિચિત પણ થાય છે. આમ જોઇએ તો તે પોતાનું નાનકડું વિશ્વ રચીને જીવ્યા કરે છે. પાયાની વાત એ જ છે કે, આપણું માનસિક વિશ્વ કેટલું વિશાળ તેના પર સુખનો આધાર રહે છે. કેટલાક તો પોતાનાં કુટુંબમાંથી જ જીવનભર બહાર આવી શકતા નથી તેથી તેઓનું વિશ્વ ઘણું જ નાનું રહે છે. આપણી ચેતના આપણા માનસિક વિશ્વ સાથે જોડાયેલી છે અને આ ચેતના જ સુખદુ:ખનો અનુભવ પણ કરાવે છે. બીજા પર આવેલા દુ:ખને જે પોતાના પર આવેલા દુ:ખમાં જુએ છે તેવા લોકો ઓછા જોવા મળે છે.
કેટલાકમાં વૈશ્વિક ચેતનાનો અદ્ભુત વિકાસ થયો હોય છે તેથી કોઇ પશુ પર થતી પીડાનો પોતાના પર થતી પીડા જેવો અનુભવે છે. આવાં માણસોને જ સમાજ સંતકોટિનાં માણસોમાં ગણે છે. આ માટે વધુ ભણવાની પણ જરૂર નથી. સમાજમાં વધુ ભણેલા થોડા એવા પણ જોવા મળશે કે જેઓ સમાજનાં સુખે દુ:ખી થતા હોય છે. માણસ જયારે સર્વમાં પ્રભુનું દર્શન કરે છે ત્યારે તે સામેની વ્યકિતમાં, પશુ પક્ષીમાં પ્રભુનું દર્શન કરતા હોય છે. આવા લોકો સંતકોટિના ગણાય છે.
પ્રત્યેક જીવિતમાં જે પ્રભુદર્શન કરે છે તેને માટે આ મનુષ્ય છે કે આ પશુપક્ષી છે એવો ભાવ રહેતો જ નથી. જયાં જીવન ત્યાં પ્રભુનો વાસ છે એવો અનુભવ જયારે થાય છે ત્યારે જીવન સાર્થક થતું હોય છે. આ માનસિકતા કંઇ રાતોરાત પ્રગટતી નથી. સંસ્કારી જીવન, પ્રભુની કૃપા એ બધું આવી મળે તો આ સ્થિતિ પર માણસ પહોંચી શકે છે. મારામાં જે પ્રભુનો વાસ છે તેવો જ પશુપક્ષી, માણસ એ સૌમાં પણ એ જ પ્રભુ વસે છે.
એવો અનુભવ થાય ત્યારે પ્રભુની કૃપા ઉતરી કહી શકાય છે. આ માટે પ્રથમ તો મનને જ તાલીમ આપવી પડતી હોય છે. એક વખત મન આ સ્થિતિ પર પહોંચી જાય પછી તો સર્વત્ર તે પ્રભુની હાજરીનો અનુભવ કરી શકશે. આ સ્થિતિ પર પહોંચેલો માણસ બીજા માણસ સાથે ઊંચું જીવન કેવું હોય તેનો પરિચય તે કરાવે છે.