મુંબઈ: બોલિવુડ સ્ટાર (Bollywood Star) દીપિકા પાદુકોણ ઓસ્કાર 2023માં એક પુરસ્કાર (Award) આપશે, આ વર્ષે ભારતની ફિલ્મોને ત્રણ કેટેગરીમાં નામાંકિત કરવામાં આવી છે, ઓરિજિનલ સોંગ, ડોક્યુમેન્ટરી ફીચર અને ડોક્યુમેન્ટરી શોર્ટ.
દીપિકાએ ગુરુવારે રાત્રે સોશિયલ મીડિયા (Social Media) પર આ સમાચાર શેર કર્યા હતા. તે એમિલી બ્લન્ટ, સેમ્યુઅલ એલ જેક્સન, ગ્લેન ક્લોઝ, ડ્વેન જોન્સન, માઈકલ બી જોર્ડન, જેનેલે મોને, ઝો સલડાના, જેનિફર કોનેલી, રિઝ અહેમદ અને મેલિસા મેકકાર્થી જેવા અન્ય લોકો સાથે જોડાશે.
95માં એકેડેમી પુરસ્કાર 12 માર્ચે લોસ એન્જલસના ડોલી થિયેટરમાં યોજાશે. ઓસ્કારમાં આ વર્ષ ભારત માટે નોંધપાત્ર છે કારણ કે એસ એસ રાજામૌલીની બ્લોકબસ્ટર ‘આરઆરઆર’નું સુપરહીટ ડાન્સ ટ્રેક ‘નાટુ નાટુ’ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં સૌથી આગળ છે. દીપિકા અગાઉ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં 75મી વર્ષગાંઠની ઉજવણીમાં જ્યુરી તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. તેણે આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની ફાઇનલ પહેલાં 18 ડિસેમ્બરે લુસેલ સ્ટેડિયમમાં ફીફા વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ પણ કર્યું હતું.
અભિનેત્રી તેની ફિલ્મ ‘પઠાણ’ની સફળતાનો આનંદ ઉઠાવી રહી છે, જેમાં તે શાહરૂખ ખાનની સહ કલાકાર છે. તે હાલમાં ‘પ્રોજેક્ટ કે’ નામની સાય-ફાઇ મૂવી માટે શૂટિંગ કરી રહી છે, જેમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચન પણ છે.