સુરત: ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાની આન્સરશીટ ચકાસવા માટે શિક્ષકોના ઓર્ડર કાઢવામાં ભાંગરો વટાયો છે.
- ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષામાં પરીક્ષકોની નિમણુકોમાં પણ છબરડો
- ગુજરાતી માધ્યમના શિક્ષકોને અંગ્રેજીના પ્રશ્નપત્ર ચકાસવાના ઓર્ડર આપી દીધા
- ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં બે દિવસમાં 11 કોપી કેસ
ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોરોનાને લીધે બે વર્ષ બાદ આ વર્ષે ધોરણ-10 તેમજ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા યોજાઇ હતી. ગુજરાત શિક્ષણ બોર્ડની આ રાજયવ્યાપી પરીક્ષા ચાલી રહી છે. આગામી સપ્તાહમાં પરીક્ષાઓ સમાપ્ત થશે. પરંતુ, આ પરીક્ષા પૂરી થાય તે સાથે એજયુકેશન બોર્ડે સમયસર પરિણામો જાહેર કરવા માટે તડામાર તૈયારીઓ કરી દીધી છે.
છબરડાને લઈ વિદ્યાર્થીની કારકિર્દી દાવ ઉપર
બોર્ડની અલગ અલગ પરીક્ષાની આન્સરશીટની ચકાસણી માટે સેન્ટ્રલાઇઝડ એસેસમમેન્ટ સેન્ટર નકકી કરી દેવાયા છે. આ સેન્ટર માટે એક્ઝામિનરના પણ ઓર્ડર આપી દેવાયા છે. જેમાં મોટાપાયે છબરડા હોવાનું બહાર આવ્યુ છે. આખુ વર્ષ ગુજરાતી મીડિયમ ભણાવ્યું હોય તેવા શિક્ષકોને સીધા અંગ્રેજી માધ્યમના ઓર્ડર કઢાયા છે. જેને લઇને શિક્ષક આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતી માધ્યમના શિક્ષક અંગ્રેજી માધ્યમની આન્સરશીટ કેવી રીતે ચકાસણી કરશે. અને તેના પરિણામો પણ કેવા હશે તે એક મોટો પ્રશ્ન છે. કેમ કે બોર્ડના આ છબરડાને કારણે કોઇ વિદ્યાર્થીની કારકિર્દી દાવ ઉપર લાગી શકે તેમ છે.
બે દિવસમાં 11 કોપી કેસ નોંધાયા
ગાંધીનગર: રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે.ગુરૂવારે ધોરણ 10ની પરીક્ષાના પ્રથમ સેશનમાં ગુજરાતી દ્વિતીય ભાષા વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં વલસાડ જિલ્લામાં એક કોપી કેસ નોંધાયો છે. તેવી જ રીતે ધોરણ 12 સામાન્ય પ્રવાહના બીજા સેશનમાં ગુજરાતી વિષયની પરીક્ષામાં પોરબંદર જિલ્લામાં એક કોપી કેસ નોંધાયો હતો.
બુધવારે ધોરણ 10માં પ્રથમ સેશનમાં સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષા લેવાઇ હતી. જેમાં કુલ 9 કોપી કેસ, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના બીજા સેશનમાં મનોવિજ્ઞાન વિષયની પરીક્ષામાં દાહોદ જિલ્લામાં ત્રણ કોપી કેસ નોંધાયા હતા. આમ આજના દિવસમાં 12 કોપી કેસ નોંધાયા હતા. ધોરણ 10ની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાન વિષયમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં 6, વડોદરા જિલ્લામાં 2 અને ગાંધીનગર જિલ્લામાં 1 એમ કુલ 9 કોપી કેસ નોંધાયા હતા. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં એક પણ ગેરરીતિ થવા પામી ન હતી.