આખા વિશ્વને ધ્રુજાવનાર કોરોનાની મહામારીએ ભારતમાં પણ કાળો કેર વર્તાવ્યો છે. દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય થઈ જવા છતાં પણ ભારતમાંથી કોરોના જવાનું નામ લેતો નથી. ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 3 કરોડથી પણ વધી જવા પામી છે. જ્યારે મોતનો આંક 4 લાખની નજીક પહોંચી ગયો છે. કોરોનાએ જે લોકોનો ભોગ લીધો છે તેમાં એવા પરિવારો પણ છે કે જેણે આખો પરિવાર ગુમાવ્યો હોય, પરિવારમાં માતા-પિતા ગુમાવ્યા હોય કે પછી પરિવારમાં બેથી વધારે સભ્યો ગુમાવ્યા હોય. જેના માતા-પિતા કોરોનામાં મોતને ભેટ્યા છે તેમના માટે મોટી સમસ્યા જીવન નિર્વાહની છે. અનાથ થઈ ગયેલા બાળકો તેમજ પરિવાર માટે જિંદગી જીવવી અઘરી બની ગઈ છે. કોરોનાની આ મહામારીમાં જે લોકો મોતને ભેટ્યા છે તેમને વળતર આપવા માટે છેલ્લા ઘણા સમયથી વિપક્ષ દ્વારા માંગ કરવામાં આવી રહી હતી પરંતુ સરકારે વિપક્ષની આ માંગ સ્વીકારી નહોતી પરંતુ સુપ્રીમ કોર્ટએ કોરોનાના મૃતકોને વળતરનો આદેશ કરીને કેન્દ્ર સરકારને લપડાક મારી છે. જોકે, સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ કરી દેવાયો પરંતુ સાથે સાથે મોટી સમસ્યા એ પણ છે કે એવા ઘણા લોકો કોરોનામાં જ મોતને ભેટ્યા છે કે જેમનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય પરંતુ તેમને કોરોનાના તમામ લક્ષણો હોય અને તેને કારણે જ મોત પણ થયું હોય.
બુધવારે સુપ્રીમ કોર્ટએ કરેલી સુનાવણીમાં મહત્વનો નિર્ણય જાહેર કરતાં એવો આદેશ આપ્યો હતો કે કોરોનામાં મોતને ભેટેલાને સરકાર વળતર આપે. વળતર કેટલું આપવું તે સરકાર નક્કી કરી શકે છે. અગાઉ વિપક્ષ દ્વારા ચાર લાખના વળતરની માંગણી કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટએ એવું કહ્યું કે ચાર લાખનું વળતર શક્ય નથી. પરંતુ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એસો. એવી સીસ્ટમ બનાવી શકે છે કે ઓછામાં ઓછું વળતર આપીને કોરોનામાં મોતને ભેટેલાના પરિવાર કે આશ્રિતોને સહાય કરી શકાય. સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકારનો ઉધડો લેતાં એવો પણ આદેશ કર્યો હતો કે સરકાર કોવિડ સંદર્ભે ડેથ સર્ટિફિકેટ જાહેર કરે અને જો પહેલેથી ડેથ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યા હોય તો તેમાં સુધારો કરે. સુપ્રીમ કોર્ટએ આ સુનાવણી સમયે એનડીએમએના અધિકારીઓને ઠપકો પણ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટના આદેશ પહેલા અરજદારો દ્વારા સુપ્રીમ કોર્ટમાં ડેથ સર્ટિફિકેટ અંગે સવાલો કરવાની સાથે 4 લાખ રૂપિયાના વળતરની માંગ પણ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટએ અરજદારોની આ માંગ સામે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ મોકલી જવાબ માંગ્યા હતાં. નોટિસના સંદર્ભમાં કેન્દ્ર સરકારે એવું સોગંદનામું રજૂ કર્યું હતું કે, પોતે વળતર માટે અસમર્થ છે. અમે અમારૂં ધ્યાન આરોગ્યલક્ષી સુવિધાઓને મજબુત કરવા માટે કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોનામાં મોતને ભેટનાર માટે વળતરનો આદેશ કરી દેવામાં આવ્યો પરંતુ તેનો અમલ કરવામાં મોટી સમસ્યા આવે તેમ છે. કોરોનાની પહેલી લહેરમાં અનેક મોત એવા હતાં કે જેમની પાસે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હતો પરંતુ સિટી સ્કેનમાં તેમને કોરોના થયો હોય તેવું જણાયું હતું. આ ઉપરાંત કો-મોર્બિડિટી હોય અને કોરોના થયા બાદ મોતને ભેટ્યા હોય તો તેમના મોત પણ કોરોનામાં ગણવામાં આવ્યાં નથી. સરકારે કોરોનામાં મોતનો આંક ઓછો બતાવી શકાય તે માટે ડેથ ઓડિટ કમિટી બનાવી કોરોનામાં જ મોત થયાં હોવા છતાં અનેક મોતને કોરોનામાં ગણ્યાં નથી.
હવે જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે કોરોનામાં મોતને ભેટેલાને વળતર આપવાનો સવાલ આવશે ત્યારે આ તમામ સવાલો પણ સાથે સાથે ઉઠશે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પહેલા એવી ગાઈડલાઈન બનાવવી પડશે કે કોરોનામાં કોના મોત ગણવાં. સાથે સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા ડેથ સર્ટિફિકેટમાં પણ કોરોનાથી મોત લખવાનો આદેશ કરાયો છે ત્યારે એ પણ મોટી સમસ્યા છે કે ડેથ સર્ટિફિકેટમાં કયા પુરાવાના આધારે કોરોનાથી મોત થયું તે લખવું. સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ તો આપી દેવામાં આવ્યો પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કોરોનામાં મોતનો આંક છુપાવવા માટે જે રમત રમવામાં આવી હતી તે રમત હવે વળતર આપતી વખતે તેમને જ નડશે તે હકીકત છે.