National

બજેટના બીજા જ દિવસે સંસદમાંથી વિપક્ષનું વોકઆઉટ, રાજ્યસભા અધ્યક્ષે દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હી: સંસદના (Parliament) ચોમાસુ સત્રની સોમવારથી થઇ હતી. ત્યારે આ જ સત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) મંગળવારે કેન્દ્રીય બજેટ (Union Budget) રજૂ કર્યું હતું. ત્યારે બજેટની રજૂઆતના બીજા જ દિવસે સંસદમાંથી વિપક્ષે વોકઆઉટ (Walkout) કર્યું હતું. ત્યારે વિપક્ષના આ એક્શન ઉપર રાજ્યસભા અધ્યક્ષે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

સંસદનું વર્તમાન સત્ર 12 ઓગસ્ટે સમાપ્ત થશે અને આ દરમિયાન કુલ 19 બેઠકો યોજાશે. ત્યારે સરકાર આ સત્રમાં 6 બિલ રજૂ કરે તેવી અપેક્ષા છે, જેમાં 90 વર્ષ જૂના એરક્રાફ્ટ એક્ટને બદલવાનું બિલ પણ સામેલ છે. આ સાથે જ ગઇકાલે સંસદમાં પ્રથમ સામાન્ય બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારે બજેટની રજૂઆત દરમિયાન ગઇકાલે જ વિપક્ષે આ બજેટનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યાર બાદ આજે બજેટના બીજા જ દિવસે ચર્ચા દરમિયાન સંસદમાંથી વોકઆઉટ કર્યું હતું.

કેન્દ્રીય બજેટ સામે વિપક્ષી સાંસદો દ્વારા રાજ્યસભામાંથી વોકઆઉટ બાબતે ગૃહના સ્પીકર જગદીપ ધનખરે કહ્યું હતુ, “માનનીય સભ્યો, આજે બજેટ પરની ચર્ચા સૂચિબદ્ધ હતી અને મેં વિપક્ષના નેતાઓ પાસે આશા રાખી હતી કે તેઓ નિયમોનું પાલન કરવામાં આવશે. પણ મને લાગે છે કે તેનો ઉપયોગ યુક્તિ અને વ્યૂહરચના તરીકે કરવામાં આવ્યો છે.

જગદીપ ધનખરે વધુમાં કહ્યું હતુ કે માનનીય સભ્યો, હું તમને ભારપૂર્વક વિનંતી કરું છું. જો વિક્ષેપ અને ગડબડીને રાજકીય વ્યૂહરચના તરીકે શસ્ત્ર બનાવવામાં આવે છે, જેમ કે તેને હમણા બનાવવામાં આવ્યું છે, તો લોકશાહી ગંભીર રીતે જોખમમાં આવશે. સંસદ બંધારણીય અને લોકશાહી મૂલ્યો અને સ્વતંત્રતાઓનો ગઢ છે. મને ખરેખર આશ્ચર્ય થાય છે કે આજે અને હવે પછીના દિવસોમાં જ્યારે માનનીય નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટ પર વિચાર કરવાની પૂરતી તક આપવામાં આવશે ત્યારે આ સુવિધાનો લાભ લેવા માટે કોઈ અવસર કે ઔચિત્ય જ ન હતું.

આ બજેટમાં માત્ર બે રાજ્યોને જ બધું મળ્યુંઃ ખડગે
સામાન્ય બજેટ પર રાજ્યસભામાં ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, બે રાજ્યોને બાદ કરતાં આ બજેટમાં કોઈપણ રાજ્યને કંઈ મળ્યું નથી. આવું બજેટ મેં ક્યારેય જોયું નથી. માત્ર બે રાજ્યોની થાળીમાં પકોડા પીરસવામાં આવ્યા હતા. આ ખુરશી બચાવવા માટે આ બધું થયું છે અમે તેની નિંદા કરીશું અને વિરોધ કરીશું. તમામ I.N.D.I. મહાગઠબંધન આ બજેટનો વિરોધ કરી રહ્યું છે. સંતુલન નહીં હોય તો વિકાસ કેવી રીતે થશે?

રાહુલ ગાંધી ખેડૂતોને મળ્યા
ખેડૂત નેતાઓનું 12 સભ્યોનું પ્રતિનિધિમંડળ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળવા સંસદ ભવન ખાતે પહોંચ્યું હતું. ત્યારે કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય)ના નેજા હેઠળ દેશભરના 12 ખેડૂત નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળ્યું હતું. બેઠકમાં કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલ, અમરિંદર સિંહ રાજા વાડિંગ, સુખજિંદર સિંહ રંધાવા, ગુરજીત સિંહ ઔજલા, ધરમવીર ગાંધી, ડૉ. અમર સિંહ, દીપેન્દ્ર સિંહ હુડ્ડા અને જય પ્રકાશ પણ હાજર રહ્યા હતા.

Most Popular

To Top