National

‘અગ્નિપથ’ની આગથી દેશનાં 8 રાજ્યો સળગી ઉઠ્યા: બિહારમાં ભાજપની ઓફિસ પર હુમલો

બિહાર(Bihar) : કેન્દ્ર સરકારની આર્મીમાં ભરતીની અગ્નિપથ યોજનાનો વિરોધ બિહારથી શરૂ થયા બાદ હવે યુપી, હરિયાણા, હિમાચલ અને રાજસ્થાન સહિત અનેક રાજ્યો સુધી પહોંચી ગયો છે. હરિયાણાના રોહતકમાં વિરોધ કરી રહેલાં એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે, બીજી તરફ પલવલમાં પ્રોટેસ્ટ કરી રહેલાં વિદ્યાર્થીઓએ ત્રણ ગાડી સળગાવી દીધી છે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં મોદીની રેલીમાં વિદ્યાર્થીઓ વિરોધ કરવા જઈ રહ્યાં હતા ત્યારે તેઓને રોકવામાં આવ્યા હતા. યુપીમાં પણ વિદ્યાર્થીઓએ અગ્નિપથ યોજનાના વિરોધમાં નારા લગાવ્યા છે. રોહતકમાં જે યુવકે પીજી હોસ્ટેલના રૂમમાં આપઘાત કર્યો છે તેનું નામ સચીન હોવાનું જાણવા મળ્યુંછે. મૂળ હરિયાણાના જીંદ જિલ્લાના લિજવાન ગામનો વતની છે. સેનાની ભરતી માટે નવી પોલીસી જાહેર થતા તે અકળાઈ ઉટ્યો હતો. પરિવારના સભ્યોએ કહ્યું કે સેનાની ભરતી કેન્સલ થવાથી અને ચાર વર્ષની અગ્નિપથ યોજનાથી નારાજ અને દુ:ખી થઈ સચિને આપઘાત કર્યો છે.

બિહારમાં ભાજપના MLAના ગાડી પર પથ્થરમારો, પાંચ ઘાયલ
બિહારમાં દેખાવો દરમિયાન બીજેપીના 2 ધારાસભ્યો પર પણ હુમલો કરવામાં આવ્યો છે. છપરા સદરના બીજેપી ધારાસભ્ય ડો. સી એન ગુપ્તાના ઘરે દેખાવકારોએ તોડફોડ કરી છે. બીજી તરફ વારિસલીગંજની એક ધારાસભ્ય અરુણા દેવી પર પણ હુમલો કરવામાં આવ્યો છે. નવાદામાં દેખાવકારોએ બીજેપીની ઓફિસમાં આગ લગાવી દીધી છે.

આ વિદ્યાર્થીઓને અગ્નિપથ પર ન ચલાવો, મોદીજી: રાહુલ ગાંધી
અગ્નિપથ યોજના વિરુદ્ધ દેશના ઘણા રાજ્યોમાં પ્રદર્શનના સમર્થનમાં રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલે ટ્વીટ કરીને લખ્યું કે…
ન કોઈ રેન્ક, ન કોઈ પેન્શન
ન 2 વર્ષથી કોઈ સીધી ભરતી
ન 4 વર્ષ પછી સ્થિર ભવિષ્ય
ન સરકારનું સેના માટે કોઈ માન
દેશના બેરોજગાર યુવાનોનો અવાજ સાંભળો, તેમને ‘અગ્નિપથ’ પર ચલાવી સંયમની ‘અગ્નિ પરીક્ષા’ ન લો, પ્રધાનમંત્રીજી

કોઈની વાતોમાં ન આવો: મુખ્યમંત્રી યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે અગ્નિપથ યોજના વિદ્યાર્થીઓના સુવર્ણ ભવિષ્ય માટે છે. તેથી કોઈની વાતોમાં ન આવો.

બિહાર સૌથી વધુ વિરોધની અસર
સેનામાં ભરતી માટે લાવવામાં આવેલી ‘અગ્નિપથ સ્કીમ'(Agnipath Scheme)નો વિરોધ(Protest) ઉગ્ર બન્યો છે. રાજકીય પક્ષોની સાથે સામાન્ય યુવાનો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને બિહાર(Bihar)માં હોબાળો વધી રહ્યો છે. બિહારના જહાનાબાદ અને નવાદામાં યુવા પ્રદર્શનકારીઓ સતત બીજા દિવસે રસ્તા પર ઉતરી આવ્યા છે. વિદ્યાર્થીઓએ મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ટ્રેનોને પણ નિશાન બનાવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ગુસ્સામાં વિદ્યાર્થીઓએ ઘણા સ્ટેશનો પર ટ્રેનો રોકી દીધી છે. એટલું જ નહીં હાઈવે પર અનેક જગ્યાએ ટાયરો પણ સળગાવવામાં આવ્યા છે, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.  બિહારના છપરામાં દેખાવકારોએ એક ટ્રેનને આગ ચાંપી દીધી. તે જ સમયે, હરિયાણાના પલવલમાં પ્રદર્શનકારીઓએ રસ્તો રોકી દીધો છે.

જહાનાબાદમાં NH 83 પર આગચંપી
બિહારના જહાનાબાદ(Jehanabad), બક્સર(Baksar)માં આજે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ રસ્તા રોક્યા અને આગચંપી કરી હતી. વિદ્યાર્થીઓએ જહાનાબાદમાં NH-83 અને NH-110માં આગ લગાવી હતી.  જેના કારણે થોડીવાર માટે અહીં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. વિદ્યાર્થીઓના વિરોધને કારણે ગયા-પટના મુખ્ય માર્ગ પર થોડો સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો.

ગુરુગ્રામમાં હાઈવે બ્લોક કર્યો
યોજનાના વિરોધમાં વિદ્યાર્થીઓએ અરાહમાં રેલવે ટ્રેક બ્લોક કરી દીધો છે. વિદ્યાર્થીઓ કેન્દ્ર સરકાર સામે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. રોડથી રેલ્વે ટ્રક સુધી વિદ્યાર્થીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ‘અગ્નિપથ’ યોજનાનો વિરોધ ગુરુગ્રામમાં પણ થઈ રહ્યો છે. ગુરુગ્રામમાં દિલ્હી-જયપુર હાઈવે બ્લોક કરી દેવામાં આવ્યો છે. સેંકડો યુવાનોએ બિલાસપુર પોલીસ સ્ટેશન વિસ્તારને અડીને આવેલા NH 48ને બ્લોક કરી દીધો છે. યુવાનોનું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી સેનામાં ભરતી થઈ નથી હવે માત્ર 4 વર્ષે જ ભરતી થશે.

ગતરોજ બક્સર, મુઝફ્ફરપુર, ગયામાં પણ વિરોધ થયો હતો
અગાઉ બક્સર, મુઝફ્ફરપુર, ગયામાં પણ વિરોધ પ્રદર્શન થયા હતા. સેનામાં ચાર વર્ષની ભરતીની આ યોજનાથી રોષે ભરાયેલા યુવાનોએ ગઈકાલે પથ્થરમારો પણ કર્યો હતો. બિહારના બક્સર જિલ્લામાં રેલ અને માર્ગ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. બક્સરમાં લગભગ 100 યુવાનોએ રેલ્વે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ટ્રેન સેવા પણ ખોરવાઈ ગઈ હતી. વિરોધને કારણે જનશતાબ્દી એક્સપ્રેસ મોડી પડી હતી. બક્સરમાં આજે પણ પ્રદર્શન ચાલુ છે.

Most Popular

To Top