ગાંધીનગર : મધ્ય ગુજરાતની હાઈપ્રોફાઈલ ગણાતી ઉમરેઠ વિધાનસભા બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા – ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ હવે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા પેટાચૂંટણી જાહેર કરતાં જ ૨૩ એપ્રિલે થનારા મતદાન માટે તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ, AAP અને NCP (જયંત બોસ્કી) વચ્ચે ચતુષ્કોણીય જંગ જામવાની પૂરેપૂરી સંભાવના છે.
ભાજપમાં ટિકિટ માટે ‘રસાકસી’: વારસદાર કે અનુભવી ?
છેલ્લી બે ટર્મથી ભાજપના કબજામાં રહેલી આ બેઠક પર દાવેદારોની લાંબી યાદી છે. સ્વ. ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર સહાનુભૂતિના જોરે મુખ્ય દાવેદાર ગણાય છે, પરંતુ તેમની સામે બળવંતસિંહ પરમાર, સુનિલસિંહ સોલંકી અને ભૂષણ ભટ્ટ જેવા અનુભવી ચહેરાઓ પણ રેસમાં છે. નવી બનેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલા આ બેઠક જીતવી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.
NCPના જયંત બોસ્કીનો ‘માસ્ટરસ્ટ્રોક’ અને કોંગ્રેસની વ્યુહરચના
NCPના નેતા જયંત પટેલ બોસ્કીએ સોશિયલ મીડિયા દ્વારા ઉમેદવારીની જાહેરાત કરીને જંગને વધુ રસપ્રદ બનાવી દીધો છે. ૨૦૧૭માં ભાજપ માત્ર ૧% મતે જીત્યું હતું, જેનો ઉલ્લેખ કરી બોસ્કીએ આ બેઠકને NCPનો ગઢ ગણાવ્યો છે. બીજી તરફ, કોંગ્રેસ આ વખતે મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારીને નવો પ્રયોગ કરી શકે છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP) વીસાવદર જેવો ઉલટફેર કરવાની ફિરાકમાં છે.
જ્ઞાતિ સમીકરણો અને નવા સીમાંકનનું ગણિત
ઉમરેઠ બેઠક પર ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ રહ્યું છે, પરંતુ ૨૦૧૨ના નવા સીમાંકન બાદ અહીં પટેલ, OBC, ખેડાવળ બ્રાહ્મણ અને વૈષ્ણવ મતદારોનું સમીકરણ નિર્ણાયક બન્યું છે. અમિત ચાવડાના પરિવારનું જોર અને મુસ્લિમ મતદારોનો ઝુકાવ કોઈ પણ પક્ષની બાજી પલટી શકે છે.આ વિસ્તારના જ્ઞાતિ સમીકરણો પણ ચૂંટણીમાં મહત્વપૂર્ણ સાબિત થવાના છે. પટેલ, ઓબીસી, ક્ષત્રિય, ખેડાવળ બ્રાહ્મણ, વૈષ્ણવ અને મુસ્લિમ મતદારોનું સંયોજન પરિણામને અસર કરી શકે છે.
ઉમરેઠ બેઠક ઐતિહાસિક રીતે કોંગ્રેસનો ગઢ રહી છે, જોકે છેલ્લા બે ટર્મથી ભાજપે અહીં જીત મેળવી છે. 2022ની ચૂંટણીમાં ભાજપના ગોવિંદ પરમારે 95,639 મત મેળવી વિજય મેળવ્યો હતો, જ્યારે એનસીપીના જયંત પટેલ બોસ્કી બીજા ક્રમે રહ્યા હતા.
ઉમરેઠમાં કુલ 2,24,836 મતદારો નોંધાયેલા છે. કુલ 306 મતદાન મથકો પર EVM અને VVPAT દ્વારા મતદાન થશે.કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કાર્યક્રમ મુજબ 23 એપ્રિલે મતદાન થશે અને 4 મેના રોજ પરિણામ જાહેર થશે.આગામી તા.30 મી માર્ચના રોજ પેટા ચૂંટણી માટે નોટિફિકેશ જાહેર થશે, તે પછી તા.6ઠ્ઠી એપ્રિલ સુધી ઉમેદવારી કરી શકાશે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ઉમરેઠ પેટાચૂંટણી માત્ર એક બેઠક માટેનો જંગ નહીં, પરંતુ આગામી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી પહેલાં મતદારોનો મિજાજ સમજવાની અગત્યની કસોટી સાબિત થશે. ખાસ કરીને ભાજપ માટે પોતાનો દબદબો જાળવવો જરૂરી બન્યો છે, જ્યારે વિપક્ષ માટે આ જીત રાજકીય સંજીવની સમાન બની શકે છે.ઉમરેઠમાં હવે ઉમેદવારોની અંતિમ જાહેરાત બાદ રાજકીય ચિત્ર વધુ સ્પષ્ટ બનશે, પરંતુ હાલની સ્થિતિએ આ બેઠક પર પેટા ચૂંટણીનો જંગ રસપ્રદ બનવાનો સંકેત સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
ચૂંટણી કાર્યક્રમ પર એક નજર
- કુલ મતદારો: ૨,૨૪,૮૩૬
- જાહેરનામું: ૩૦ માર્ચ, ૨૦૨૬
- મતદાન: ૨૩ એપ્રિલ, ૨૦૨૬
- પરિણામ: ૦૪ મે, ૨૦૨૬