ભારતે તેની પશ્ચિમી સરહદ પર તા. 30 ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી વિશાળ સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ઓપરેશન ત્રિશૂળ’ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અભ્યાસમાં આર્મી, નેવી અને એરફોર્સ ત્રણે દળો ભાગ લેશે. ભારતના આ અભ્યાસને કારણે પાકિસ્તાનમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને તેની સેનાએ હાઇ એલર્ટ જાહેર કર્યો છે.
ભારતીય સેનાનો ‘ઓપરેશન ત્રિશૂલ’ પશ્ચિમી સરહદના મહત્વપૂર્ણ વિસ્તારમાં યોજાવાનો છે. આ અભ્યાસ સર ક્રીક, થાર રણ અને સિંધ–કરાચી ધરી પર કેન્દ્રિત રહેશે. આ અભ્યાસનો મુખ્ય હેતુ ભારતીય ત્રિ-સેના દળો સેના, નૌકાદળ અને વાયુસેના વચ્ચેના સંકલન અને સંયુક્ત ઓપરેશનની તૈયારીને પરખવાનો છે.
ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનમાં ચિંતા વધી છે. અહેવાલો મુજબ પાકિસ્તાની સેનાએ તેની દક્ષિણ કમાન્ડને હાઇ એલર્ટ પર રાખી છે. સિંધ અને પંજાબ રાજ્યમાં આવેલી સૈન્ય ટુકડીઓને વિશેષ તૈયારીઓ માટે સૂચના અપાઈ છે. પાકિસ્તાની વાયુસેના (PAF) અને નૌકાદળને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.
માહિતી મુજબ બહાવલપુર, રહીમ યાર ખાન, જેકોબાબાદ, ભોલારી અને કરાચી જેવા વ્યૂહાત્મક એરબેસને તાત્કાલિક ચેતવણી પર રાખવામાં આવ્યા છે. અરબ સાગર વિસ્તારમાં પેટ્રોલિંગ અને નૌકાદળની પ્રવૃત્તિઓ વધારવા માટે પણ ખાસ આદેશો અપાયા છે.
કરાચી બંદર અંગે પાકિસ્તાનની ચિંતા
પાકિસ્તાની રક્ષા અધિકારીઓને આશંકા છે કે ભારતીય સેના આ અભ્યાસ દરમિયાન કરાચી બંદર અને દરિયાકાંઠાના વિસ્તારની સુરક્ષા ક્ષમતાઓનું મૂલ્યાંકન કરી શકે છે. પાકિસ્તાનનો આશરે 70 ટકા વેપાર કરાચી અને બિન કાસિમ પોર્ટ પરથી થાય છે. આ કારણે આ વિસ્તારોને વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.
ભારતીય ‘ઓપરેશન ત્રિશૂલ’ની શરૂઆત પહેલા જ પાકિસ્તાનના સુરક્ષા તંત્રોમાં હડકંપ મચી ગયો છે. ઇસ્લામાબાદ સરકારે દક્ષિણ કમાન્ડને ચેતવણી આપી છે કે ભારતની આ અભ્યાસી પ્રવૃત્તિ દરમિયાન કોઈપણ શક્ય પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જરૂરી છે.
આ રીતે ભારતનો આ અભ્યાસ માત્ર તાલીમ પૂરતો નથી પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક તૈયારીના દ્રષ્ટિકોણથી પણ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.