અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trumpએ Iranને કડક ચેતવણી આપતા હોર્મુઝના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને 48 કલાકમાં સામાન્ય બનાવવાનો અલ્ટિમેટમ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે જો આ સમયમર્યાદામાં જહાજોની અવરજવર ફરી શરૂ નહીં થાય તો અમેરિકા ઈરાનના પરમાણુ કેન્દ્રો સામે કડક કાર્યવાહી કરશે. ટ્રમ્પે પોતાના મંચ Truth Social પર પોસ્ટ કરીને વિશ્વના દેશોને પણ આ મહત્વપૂર્ણ જળમાર્ગની સુરક્ષા માટે આગળ આવવા અપીલ કરી છે. તેમના જણાવ્યા મુજબ, હોર્મુઝ માર્ગ વૈશ્વિક વેપાર માટે અતિ મહત્વપૂર્ણ છે, કારણ કે અહીંથી મોટા પાયે કાચું તેલ અને માલસામાનનું પરિવહન થાય છે.
આ વચ્ચે Israelએ દાવો કર્યો છે કે ઈરાને પહેલીવાર લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલનો ઉપયોગ કર્યો છે. આ મિસાઈલોએ હિંદ મહાસાગરમાં આવેલા અમેરિકા-બ્રિટનના સૈન્ય મથક ‘ડિએગો ગાર્સિયા’ને નિશાન બનાવ્યું હતું. ઈઝરાયલના સૈન્ય અધિકારીઓના મત મુજબ, આવી મિસાઈલો માત્ર ઈઝરાયલ જ નહીં પરંતુ યુરોપના મોટા શહેરો માટે પણ જોખમ બની શકે છે. ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વૈશ્વિક ઊર્જા અને વેપારને લઈને ચિંતા વધતી જાય છે. આવી પરિસ્થિતિમાં યુદ્ધમાં માનવહાનિ પણ સતત વધી રહી છે. અહેવાલો મુજબ, અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓમાં ઈરાનમાં અત્યાર સુધી 2,000થી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે ઈરાનના પ્રતિકાર હુમલાઓમાં ઈઝરાયલે 15 મોતની પુષ્ટિ કરી છે.
ટ્રમ્પે વધુમાં ચેતવણી આપી છે કે જો ઈરાન હોર્મુઝ માર્ગમાં અવરોધ ઉભો કરશે તો અમેરિકા દરિયાકાંઠા વિસ્તારમાં લશ્કરી કાર્યવાહી વધુ તીવ્ર બનાવશે. તેમણે ચીન, ફ્રાન્સ, જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રિટન જેવા દેશોને પણ તેમના યુદ્ધ જહાજો મોકલી આ માર્ગને સુરક્ષિત રાખવા સહકાર આપવા અપીલ કરી છે. ટ્રમ્પના દાવા મુજબ, અમેરિકા પહેલેથી જ ઈરાનની લશ્કરી ક્ષમતાઓને ઘણાં અંશે નબળી બનાવી ચૂકી છે, છતાં તેમણે ચેતવણી આપી કે ઈરાન હજુ પણ ડ્રોન હુમલા, દરિયામાં માઇન પાથરવા અથવા ટૂંકા અંતરની મિસાઈલ દ્વારા હુમલા કરી શકે છે, જે જહાજો માટે ખતરો બની શકે છે. આ સંજોગોમાં, Iran અને Israel વચ્ચેનો સંઘર્ષ ચોથા સપ્તાહમાં પ્રવેશતા પરિસ્થિતિ વધુ જ તંગ અને સ્ફોટક બની રહી છે.