બોલીવુડ પાર્ટીઓમાં સેલિબ્રિટીઓ સાથે ફોટા પડાવી ફેમસ થયેલો ઈન્ફ્લુએન્સર ઓરી ડ્રગ્સ કેસમાં ફસાયો છે. રૂપિયા 252 કરોડના ડ્રગ્સ કેસમાં બુધવારે તા. 26 નવેમ્બરે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઓરીની પૂછપરછ કરી છે. ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામણીની ક્રાઈમ બ્રાન્ચે સતત સાડા સાત કલાકથી વધુ પૂછપરછ કરી હતી.
ડ્રગ્સ કેસમાં તેની સંડોવણી અંગે સવાલો પૂછ્યા હતા, પરંતુ ઓરીએ પૂછપરછમાં સહકાર આપ્યો ન હોવાનું ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. એટલું જ નહીં મુંબઈ, દુબઈ સહિત વિશ્વના અનેક દેશોમાં સેલિબ્રિટીઓની પાર્ટીઓમાં જોવા મળતા ઓરીએ દોષનો ટોપલો સેલિબ્રિટીઓ પર ઢોળ્યો હતો. ઓરીએ કહ્યું, સેલિબ્રિટીઓ મને બોલાવે છે એટલે હું પાર્ટીઓ એટેન્ડ કરું છું. કેટલીક સેલિબ્રિટી તેની સાથે ફોટો પડાવવા રૂપિયા પણ ઓફર કરતી હોવાનું ઓરીએ પોલીસને સ્ટેટમેન્ટ આપ્યું હતું.
ઓરી જે બોલિવૂડ સેલિબ્રિટીઓ સાથે વારંવાર નજરે ચડે છે. તેનું નામ આ મોટા ડ્રગ કેસમાં આવ્યા પછી પોલીસે તેને સમન્સ મોકલ્યા હતા પરંતુ તે પ્રથમ સમન્સ દરમિયાન હાજર થયો નહોતો. ત્યારબાદ પોલીસે ફરીથી બોલાવતા તે પૂછપરછ માટે પહોંચ્યો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઓરીની 7:30 કલાકથી વધુ પૂછપરછ થઈ ચૂકી છે. છતાં તેની સામે હજી પણ અનેક પ્રશ્નો ઉકેલાયા નથી. કારણ કે તે પોલીસને પૂછપરછમાં પૂરતો સહકાર આપતો નથી.
પૂછપરછ દરમિયાન ઓરીએ શું કહ્યું?
ક્રાઈમ બ્રાન્ચ મુજબ ઓરીએ દાવો કર્યો છે કે તેનો સલીમ સોહેલ શેખ સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. તેણે કહ્યું કે તે એને ઓળખતો પણ નથી અને ક્યારેય એની સાથે વાત પણ નથી કરી. ઉપરાંત ઓરીએ સ્પષ્ટ કર્યું કે સેલિબ્રિટીઓ મને બોલાવે છે એટલે હું પાર્ટીઓ એટેન્ડ કરું છું. કેટલીક સેલિબ્રિટી તેની સાથે ફોટો પડાવવા રૂપિયા પણ ઓફર કરતી હોય છે.
ઓરી પર આરોપ કેમ?
આ ડ્રગ કેસમાં દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલા સલીમ ડોલા અને તાહિર ડોલા મુખ્ય આરોપીઓ છે. જે હાલમાં ફરાર છે. તેમના સાથીઓ સલીમ શેખ અને મોહમ્મદ સુહેલને ભારત લાવી પૂછપરછ કરવામાં આવી હતી.
સૂત્રો અનુસાર આ આરોપીઓએ પોલીસને જણાવ્યા હતું કે ઓરી વિદેશમાં રેવ પાર્ટીઓ અને ડ્રગ્સ સંબંધિત ઇવેન્ટ્સમાં હાજરી આપતો હતો. તેઓના આ આપેલ નિવેદનોના આધારે પોલીસ ઓરી પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
જોકે આ કેસમાં શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂરની પણ પૂછપરછ થઈ ચૂકી છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સ્પષ્ટ કર્યું છે કે ઓરીના જવાબોથી તેઓ સંતોષી નથી અને તપાસ વધુ કઠોર બની શકે છે.