પલસાણા: ઓનલાઈન ટેક્સી (Online Taxi) બુક કરાવી જરીના સામાનની આડમાં છેલ્લા છ મહિનાથી દારૂની (Alcohol) હેરાફેરી કરનાર સુરતના ઈસમને પલસાણા પોલીસે (Police) નેશનલ હાઇવે નં.48 ઉપર માખીંગા ગામની સીમમાંથી ઝડપી પાડ્યો હતો. આ બનાવમાં 1.50 લાખનો દારૂ અને બે કાર પોલીસે કબજે લઈ તપાસ હાથ ધરી છે.
પલસાણા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી.ચાવડા અને અ.હે.કો.મેરૂભાઇ રમેશભાઇને બાતમી મળી હતી કે, નવસારી તરફથી એક સફેદ કલરની નંબર વગરની સ્વિફટ ડિઝાયર ફોર વ્હીલ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી આવનાર છે, આવી બાતમીના આધારે પલસાણા પોલીસે કારને રોકી તપાસ કરતાં કારની ડીકીમાં જરીના સામાન જેવા પેકિંગમાંથી 768 નંગ બોટલ કિંમત 76,800નો પ્રોહિબિશનનો જથ્થો પકડી પાડ્યો હતો.
દરમિયાન પાછળ અન્ય કાર ટોયેટો કોરોલો નં.(MH 06AN 2411)નો ચાલક પણ કાર મૂકી ભાગી જતાં પોલીસે તે કારની તલાસી લેતાં તેમાંથી પણ 684 નંગ દારૂની બોટલ કિંમત 73,200નો માલ મળી આવ્યો હતો. પોલીસે કારમાં માલ લાવનાર નવલસિંગ પ્રભુસિંગ યાદવ (ઉં.વ.૪૦) (રહે.,ગણેશનગર, પાંડેસરા, સુરત શહેર, મૂળ રહે., સનપુર, ઉબરા, થાના-ઔરંગાબાદ, બિહાર) અને કારચાલક ગીરીશભાઇ સામજીભાઇ ચાવડા (ઉં.વ.૩૧) (ધંધો-ડ્રાઇવિંગ) (રહે., મારુતિ મોટર્સ ટૂર એન્ડ ટ્રાવેલર્સ, છાપરાભાઠા રોડ, અમરોલી, સુરત)ને ઝડપી પાડી તપાસ કરતાં આ દારૂ દમણથી એક અજાણ્યા ઈસમે પાર્સલ આપ્યું હતું. આ દારૂનું પાર્સલ સુરતના રાકેશ રાણા ઉર્ફે લંગડો (રહે., ભાઠેના, સુરત) અને જયા માસી (રહે., કિન્નરી ટોકીઝ પાસે, રિંગ રોડ) તથા જશવંતભાઇ (રહે., રૂપમ ટોકીઝ પાસે, રિંગ રોડ, સુરત)નો હોવાનું જણાવ્યું હતું અને આ લોકો સુરતથી ટ્રાવેલર્સ પાસે ઓનલાઈન બુકિંગ કરાવી જરીનો સામાનની આડમાં છેલ્લા છ માસથી ધાંધો કરી રહ્યા હતા. પોલીસે દારૂ ભરેલી કાર મૂકી નાસી જનાર શંકરકુમાર પંચમસીંગ યાદવ (રહે., કડોદરા, શાંતિનગર)ને પણ વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
પારડી હાઇવે પર હાઈફાઈ કારમાં લઇ જવાતા દારૂ સાથે 3 ઈસમો ઝડપાયા
પારડી : પારડી વિશ્રામ હોટલ સામે હાઇવે ઉપર દમણથી કારમાં દારૂ ભરી લઈ જતા ત્રણ ઇસમને કુલ રૂ.3.64 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે બેને વોન્ટેડ બતાવ્યા હતા. પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન નેહાનં.48 પારડી વિશ્રામ હોટલ સામે બાતમીવાળી હાઈફાઈ વેન્યુ કાર આવતા પોલીસે રોકી હતી. જેમાં તપાસ કરતા કારની ડીકીમાં તેમજ સીટની આગળ દારૂની બોટલ નંગ 402 જેની કિં.રૂ. 49, 800 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારચાલક હેમંત ઉર્ફે લાલુ અશોક પટેલ (રહે.ધરમપુર રોડ, અબ્રામા) તેમજ અન્ય કારમાં બેઠેલા અંકિત બચુ નાયકા અને ધર્મેશ ભાણા પટેલ (બંને રહે અટકપારડી વલસાડ)ને ઝડપી પાડ્યા હતા. આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દમણથી દારૂનો જથ્થો સાદ નામના ઇસમે ભરી આપ્યો હતો, અને વલસાડ ખાતે નિર્મલાબેન વિનોદભાઈ પટેલ (રહે. અટકપારડી વલસાડ)ને આપવા જવાનો હોવાનું જણાવતા પોલીસે મહિલા સહિત બેને વોન્ટેડ બતાવ્યા હતા. કારની કિં.રૂ.3 લાખ, દારૂ, મોબાઈલ સહિત કુલ રૂ.3,64,800 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપાયેલા ત્રણ આરોપી અને મહિલા સહિત બેને પોલીસે વોન્ટેડ બતાવી વધુ તપાસ હાથ ધરી છે.